Saturday, April 5, 2025

ઐતિહાસિક દાંડી ગામનો પરિચય - 19 યુવક મંડળ દાંડી

 

19. યુવક મંડળ દાંડી

દાંડી માટે 1937-38નું વર્ષ રેનેસાં:ક્રાંતિનું વર્ષ બની રહ્યું. આ વર્ષે હરિપુરા (બારડોલી)માં કોંગ્રેસનું પ્રખ્યાત અધિવેશન ભરાયું. ત્યાં સ્વયંસેવક તરીકે દાંડીના આઠ દસ યુવાનો પંદરેક દિવસ રહ્યા. ત્યાં બધું જોયું, સાંભળ્યું, પ્રત્યક્ષ અનુભવ્યું. તેમાંથી આ યુવાનોને દાંડી ગામમાં કંઈક કરવાનો વિચાર ઉદભવ્યો. આ પૈકી ત્રણ ચાર યુવાનો અમદાવાદમાં આર.સી. ટેક્નિકલ ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરતા હતા. તેઓએ ગામમાં ગાંધીવિચાર પ્રમાણે કંઈક કામ કરવાનું ઠરાવ્યું. તેઓ ભેગા મળ્યા. સંગઠિત થયા. દરેક ફળિયામાંથી ત્રણ ચાર યુવાનો જોડાયા. અને તેમાંથી યુવક મંડળ દાંડી સ્થપાયું. આ મંડળની સ્થાપનામાં મકનજી નાનાભાઈ (ચપલાવાળા) નો વિશેષ ફાળો રહ્યો હતો. બીજા શબ્દોમાં કહીએ તો યુવક મંડળ દાંડીના તેઓ પ્રણેતા હતા.

તાત્કાલિક પરિણામ તો એ આવ્યું કે ગામના કહેવાતા આગેવાનો-વડીલો અને આ યુવાનો વચ્ચે ભેદ ઉભા થયા. જુના જોગીઓએ આ યુવાનોને હંફાવવામાં કંઈ બાકી રાખ્યું ન હતું. ઘરડેરાઓને આ યુવાનો તેમના હરીફ લાગ્યા.

અરે ! લાલા ગોવન (દેવા ફળીયા) નો ખુદનો દીકરો યુવક મંડળમાં જોડાયો તો એને ઘરમાંથી કાઢી મુકાયો. વલ્લભભાઈ એનું નામ. એ પણ એવો ખુમારીવાળો કે તે પછી ઘરમાં કદી ગયો જ નહીં. મોટો થયો, પરણ્યો, મોટેભાગે સુરતમાં જ રહ્યો. અને ત્યાં જ અવસાન પામ્યો. ગામના આવા નવલોહિયા યુવાનો વડે યુવક મંડળ દાંડી જોરદાર બનતું ચાલ્યું. અને જૂની આગેવાની સમાપ્ત થતી ગઈ.

યુવક મંડળનાં કામકાજ

·       ગામમાં સંપ, સહકાર, એકતા સ્થાપિત કરવાં અને જાળવવાં

·       ગામમાં જાહેર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભાં કરવાં અને જાળવવાં

·       ગાંધીવિચારને અનુરૂપ પ્રવૃત્તિઓ યોજવી.

·       વ્યક્તિગત, કૌટુંબિક, ગામ ફળિયાના તકરારી પ્રશ્નો ઉકેલવા. (આને લીધે 1937 થી 1987 સુધીના 50 વર્ષ સુધી ગામનો એકપણ કેસ કોર્ટ કચેરી સુધી ગયો ન હતો. અપવાદ રૂપ 1987માં એક્સટર્નલ લવ એફેરનો કિસ્સો હત્યા સુધી પહોંચતાં તે એક કેસ પોલીસ પાસે અને કોર્ટમાં ગયો હતો. ત્યારબાદ પણ કોઈ કોર્ટ કેસ ધ્યાનમાં નથી.)

·       ગામની મુલાકાતે પધારતા મહેમાનોની સરભરા કરવી.

·       ગામના યુવાનો અને વિદ્યાર્થીઓની પ્રવૃત્તિઓને ઉત્તેજન આપી વિકસાવવી.

·       સ્ત્રીવર્ગના જાહેરજીવનને આધુનિક સંસ્કારી બનાવવા. ખાસ કરીને પોષાક સુધારવો.

·                 ગામને બટ્ટો લાગે તેવી પ્રવૃત્તિ રોકવી.(ચોરી, ધાડ, લૂંટ, બળાત્કાર, ખૂન, અપહરણ, ગુંડાગીરી વગેરે પ્રવૃત્તિ સમાજને બટ્ટો લગાડે એ સ્વીકારી શકાય છે. પરંતુ પ્રેમલગ્નથી સમાજને બટ્ટો લાગે ખરો? પ્રેમલગ્નો સામે સમાજને લગભગ દરેક યુગમાં વાંધો વાંધો રહ્યો છે. 1947-48ની સાલમાં ગામમાં ને ગામમાં ત્રણ પ્રેમલગ્નો થયાં. સમાજ અને વડીલોને આ સામે વાંધો પડયો. પ્રેમલગ્ન અને તે પણ ગામમાં ને ગામમાં કરવાં એ સમાજને બટ્ટો લાગે તેવી બાબત ગણવામાં આવી. તેથી યુવક મંડળે મિટિંગ બોલાવી હવે પછી ગામમાં જ લગ્ન ન કરવાનો ઠરાવ કર્યો. આ લગ્નો હતાં 1. ડો. મનુભાઈનાં મણિબહેન સાથે. 2. દયાળજીનાં રુક્ષ્મણીબહેન સાથે તથા 3. ભાણાભાઈ નારણભાઇનાં રામીબહેન સાથે. જો કે ત્યારબાદ પણ સમાજ સામે પ્રેમની જીત થતી રહી. અને બીજાં ઘણાં લગ્નો થયાં અને હાલ વર્તમાન સુધી યથાવત રહ્યું છે. હવે આ ઠરાવને પણ ભુલાવી દેવામાં આવ્યો છે.)

વિદ્યાર્થીમંડળ દાંડી તથા રમત ગમત મંડળ દાંડીની રચના

     મંડળ કે સંગઠન દ્વારા જાહેર પ્રવૃત્તિની શરૂઆત 1937 પછી ગામમાં સ્થપાયેલ યુવક મંડળ દાંડી પછીથી થઇ. તે પહેલાં ગામનું જાહેરજીવન જેવું ખાસ હતું નહીં. ફળિયાં ફળિયાંનું અલગ અલગ જાહેર જીવન હતું. એનાં બે કારણો હતાં.

·       એક તો આખું ગામ સંકળાય એવી કોઈ જાહેર કામગીરી કે પ્રવૃત્તિ જ ન હતી. રસ્તા અને તળાવ એ બે મુખ્ય બાબત હતી ખરી પરંતુ તે જે તે ફળિયાનાં લોકો જ સંભાળી લેતા.

·       આખા ગામનું નેતૃત્વ લે તેઓ તેવો કોઈ આગેવાન ન હતો. દરેક ફળિયાના પોતપોતાના આગેવાન. ફળિયાના પ્રશ્નો અને ખાસ કરીને ઝગડાના નિકાલ તેઓ જ લાવી દેતા.

એટલે સંગઠિત ગઈ ગ્રામજીવન હજુ નિર્માણ થઇ શક્યું ન હતું. એની રચના યુવક મંડળ સ્થપાયા પછીથી થઇ.

સદનસીબે તે વખતે ગામના કેટલાક યુવાનોમાં શિક્ષણ તથા બાહ્ય જગતનો પરિચય વધ્યો. એમ કહો કે નવા યુગના વાયરાની શરૂઆત થઇ. અને યુવક મંડળ થકી પહેલીવાર દાંડી સાચા અર્થમાં સંપીલું, સહકારયુક્ત ગામ બન્યું. ધીરે ધીરે ક્રમે ક્રમે યુવક મંડળે લોકજીવનનાં દરેક પાસાંઓમાં પ્રભુત્વ જમાવ્યું. એમની કાર્યશૈલી કામકાજ કરવાની પધ્ધતિનાં ધોરણો, લક્ષણો આગવાં અને અનુપમ હતાં.

1.   વ્યક્તિગત સ્વાર્થનો સદંતર ત્યાગ. લોકહિત માટે જ બધું કરી છૂટવાની તમન્ના.

2.   બિલકુલ લોકશાહી ઢબની કાર્યપધ્ધતિ. સૌનું સાંભળે અને વ્યાપક હિતને લક્ષમાં રાખી સર્વાનુમતે નિર્ણય કરે.

3.   યુવક મંડળનો નિર્ણય કોઈ ઉથાપી ન શકે. દા.. ગામના જાહેર રસ્તાઓ કે તળાવોમાં માટીકામ કરવાનું નક્કી થાય, એટલે માથાદીઠ કે કુટુંબદીઠ તે કામ કરવું જ પડે. લોકો સ્વેચ્છાએ તે પૂર્ણ પણ કરે. યુવક મંડળની કારોબારી સભા આજની પાર્લામેન્ટ કરતાં પણ વધુ અસરકારક.

આસપાસનાં ગામોમાં પણ દાંડી યુવક મંડળની પ્રતિષ્ઠા અને નામના. આમ હોવા છતાં પણ સમયાનુસાર એમાં પણ વિચારોની સંકુચિતતા હતી. કેટલાક હજુ સાવ જુનવાણી વિચાર અને સ્વભાવના હતા. તેની ખાત્રી વિદ્યાર્થી મંડળ રચવાનો આવ્યો ત્યારે થઇ.

તે વખતે ગામના કેટલાક વિદ્યાર્થીઓ નવસારી કોળી વિદ્યાર્થી આશ્રમ (હોસ્ટેલ) માં રહીને નવસારી હાઈસ્કૂલમાં ભણતા હતા. કોઈક ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ ભણવા ગયા. એમણે એમની શૈક્ષણિક પ્રવૃત્તિ : પુસ્તકોનું વાચન, વકૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, હસ્તલિખિત અંક જેવી શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે તથા રમતગમત: ક્રિકેટ, વોલીબોલ, ખોખો, હુતુતુ, આટાપાટા જેવી વિવિધ દેશી રમતો માટે પૈસાની જરૂર હોવાથી રમતગમત મંડળ દાંડી સ્થાપવા માટે યુવક મંડળની મંજૂરી માંગી. યુવક મંડળના કેટલાક રૂઢીચુસ્ત ભાઈઓએ ખખડાવીને ના પાડી દીધી. કહ્યું કે;

·       જો તમે રમત રમવાના હોય તો ભણવાના ક્યારે ?

·       મંડળની અંદર બીજું મંડળ ન હોવું જોઈએ.

યુવક મંડળનો નિર્ણય એટલે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ !!! યુવાનોએ બુધ્ધિનો ઉપયોગ કર્યો. એમણે યુવક મંડળને જણાવ્યું કે; અમે ફક્ત રમવાના નથી. લાયબ્રેરીનાં પુસ્તકો વાંચીશું. નિબંધ, વકૃત્વ જેવી સ્પર્ધાઓ યોજીશું. હસ્તલિખિત અંક પ્રગટ કરીશું. કોઈ વક્તાને શિક્ષણની વાતો કરવા બોલાવીશું. અને વર્ષમાં એક બે વાર રાતે સાંસ્કૃતિક મનોરંજન કાર્યક્રમ રાખીશું.

        વિદ્યાર્તીઓની રજૂઆતની એમના ઉપર અસર થઇ અને ત્યારપછી પહેલું વિદ્યાર્થી મંડળ અને પછીથી રમતગમત મંડળ સ્થાપવાની છૂટ મળી. આ મંડળની સ્થાપનાથી ઘણા ફાયદા થયા.

·       યુવાનોને અને વિદ્યાર્થીઓને જાહેર કામમાં જોડાવાની તક મળી. ગ્રામસફાઈથી લઈને જાહેરનાં નાનાંમોટાં કામ પ્રત્યક્ષરીતે હવે વિદ્યાર્થી- યુવાજગત થકી થવા લાગ્યાં.

·       નવયુવાનોને લોકસેવાના કામની સહજરીતે તાલીમ મળી. જે આજદિન સુધી ગામને ઉપયોગી નીવડી છે.

·       યુવક મંડળને માથેથી કામનો બોજો હળવો થયો.

·       દાંડી ઐતિહાસિક ગામ હોવાથી ગામની મુલાકાતે પધારતા મહેમાનોની સરભરાની જવાબદારી પણ મોટેભાગે વિદ્યાર્થી યુવાનો ઉપાડતા થયા.

·       દાંડી ગામના આ જ યુવાનોએ તે પછી કાંઠા વિભાગનાં વીસ-બાવીસ ગામનો યુવકસંઘ રચવામાં અગ્રભાગ ભજવ્યો. તેના પ્રથમ પ્રમુખ તરીકે ધીરૂભાઇએ અને મંત્રી તરીકે અમૃતભાઈએ વર્ષો સુધી સરસ સંચાલન સાંભળ્યું. કમસનીબે ત્યારબાદ સંચાલન બીજા ગામના લોકોના હાથમાં ગયું અને સંઘ તૂટી પડયો.

આમ યુવક મંડળ, રમતગમત મંડળ અને વિદ્યાર્થી મંડળે ઉભી કરેલી જાહેરકામની પરંપરા આજદિન સુધી ચાલુ છે. તે એની ઘણીમોટી ફલશ્રુતિ ગણી શકાય.

આટલું થતાં ગામનું નેતૃત્વ બદલાય ગયું. જુના જોગીઓ હવે નિવૃત્ત થઇ ગયા. અને ગામનું તમામ યોગક્ષેમ યુવાનોના હાથમાં ગયું.

યુવક મંડળની સભ્યફી ઘણુંખરું વાર્ષિક એક આનો કે ચાર આના હતી. સભ્યોમાંથી કારોબારી નક્કી થતી. પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, ખજાનચી આટલા હોદ્દા રહેતા. હિસાબી વહીવટ તો એકદમ ચોખ્ખો અને પારદર્શક. વાર્ષિક હેવાલ છપાતો અને તે રજૂ થતો.

કેશવભાઈ નાનાભાઈ તે સમયે પ્રાથમિક શાળાના શિક્ષક હતા. બૌધિક હોંશિયારી ગજબની. વાતની રજુઆતમાં પણ કોઈ એમની તોલે ન આવે. એટલે વર્ષો સુધી - લગભગ 50 વર્ષ સુધી તેઓ એકધારા યુવક મંડળના પ્રમુખ બની રહ્યા. નારણભાઇ પાંચાભાઇ મંત્રી અને રણછોડભાઈ પ્રેમજીભાઈ ખજાનચી તરીકે વર્ષોસુધી રહ્યા. 1969થી અમૃતભાઈ મકનજીભાઈ મંત્રી બન્યા. તેઓ પોતે શિક્ષક જીવ. વાંચનનો જબરો શોખ. એમના સમયમાં ગામમાં લાયબ્રેરી સમૃધ્ધ બની.

વર્ષ 1969 પછી યુવક મંડળમાં નવી જાગૃતિ આવી. કારણકે વિનય મંદિરના વિદ્યાર્થીઓ યુવક મંડળમાં સક્રિય થયા. ખાસ તો ક્રિકેટની રમતનું સ્તર ઘણું સુધર્યું.

એકવીસમી સદીમાં યુવક મંડળની પ્રવૃત્તિઓમાં ઓટ આવી. સરકારી નિયમો અનુસાર ગ્રામપંચાયત પાસે વધુ સત્તા આવી. રસ્તા અને અન્ય સગવડો માટે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ગુજરાત સરકાર અને ભારત સરકાર તરફથી કામો થવા લાગ્યાં. યુવક મંડળની આવકનું સાધન એટલે બેન્ક ઓફ બરોડાને ભાડે આપેલું મકાન. એમાંથી યુવક મંડળ એટલે કે ગામને સારી એવી રકમ ભાડા પેટે મળતી થઇ છે.

ગામમાંથી ઘણા બધા ભાઈઓ આફ્રિકા, ઈંગલેંડ, ન્યુઝીલેન્ડ, કેનેડા વગેરે દેશોમાં ગયા. અને તેઓ અહીંના સંસ્કાર લઈને ગયા હતા આથી એમણે જે તે દેશમાં યુવક મંડળની સ્થાપના કરી. હાલમાં યુવક મંડળ દાંડી ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને કેનેડા દેશમાં કાર્યરત છે.

નૂતનવર્ષનું સ્નેહસંમેલન

દિવાળી પછી નૂતનવર્ષનું સ્નેહસંમેલન દાંડી માટે નોંધપાત્ર બની રહ્યું છે. 1937માં યુવક મંડળની સ્થાપના થઇ પછી દર વર્ષે Non-Stop આજપર્યંત સ્નેહસંમેલનની પરંપરા કદી તૂટી નથી.

અલબત્ત સંમેલનની પરિપાટી સમયના પરિવર્તન સાથે બદલાતી રહી છે.

હાલ જ્યાં ગાંધી વડ છે તે એરિયા ટેકરી તરીકે ઓળખાતો. ત્યાં ગાંધી વડને અડીને પશ્ચિમે ગામની પ્રાથમિક શાળાનો ગેલેરી વાળો અંદાજે 75X40 ફૂટનો સળંગ હોલ હતો. (જ્યાં હાલ પ્રાર્થના મંદિર છે) તેમાં દર વર્ષે નૂતનવર્ષનું સ્નેહસંમેલન યોજાતું.

ગામનો ભાગ્યે જ કોઈ યુવાન કે વડીલ આ સંમેલનમાં ગેરહાજર હોય. સંમેલનમાં કેશવકાકાની બોલબાલા. યુવક મંડળનો વાર્ષિક હિસાબ હેવાલ રજુ થાય. વર્ષમાં કરવાનાં કામોની નોંધ થાય. ગામના પ્રશ્નો પણ ચર્ચાય. ઉગ્ર બોલાચાલી પણ થાય. પરંતુ દ્વેષભાવ ક્યાંય ન હોય. સ્નેહસંમેલનમાં 9 થી 12 વાગ્યા સુધી ગામનાં કામકાજ અંગે વિચાર થાય. બપોર પછી 3 થી 6 સુધી યુવાનોની રમતગમત સ્પર્ધા થાય. રાતે 9 થી 11 સુધી વડ નીચે નાટકો અને મનોરંજન પ્રોગ્રામ થાય. ખાસ કરીને નવસારી હાઈસ્કૂલમાં ભણતા તથા અમદાવાદ ગુજરાત વિદ્યાપીઠમાં ભણતા યુવાન વિદ્યાર્થીઓ પૂરતી તૈયારી સાથે મનોરંજન પીરસતા.  રાતે પેટ્રોમેક્ષના અજવાળે બધો કાર્યક્રમ ચાલતો. નવા વર્ષના સંમેલનમાં નવસારી, અમદાવાદ, મુંબઈ તરફ ભણતા યુવાન વિદ્યાર્થીઓને માનપાન અપાતું. શિક્ષણને ખાસ ધ્યાનમાં લેવાતું.

પણ આ સંમેલન ફક્ત ભાઈઓનું જ રહેતું. ગામમાંથી એકપણ બહેનને આવવાની પરિપાટી ન હતી.

સ્થળની આ પરંપરા 1969માં તૂટી. પ્રથમ વખત આ સંમેલન નવા જ શરુ થયેલા વિનય મંદિરના જુના મકાનની પાછળ બનાવાયેલા સિમેન્ટના પતરાના પતરાંના શેડમાં યોજાયું. પછીના વર્ષે સરકાર દ્વારા ગાંધી સ્મારક પાસેની પ્રાથમિક શાળાની ત્રણે ઇમારતો તોડીને નવી જગ્યાએ શિફ્ટ કરાઈ. આથી થોડાં વર્ષો માટે આ સંમેલન વિનય મંદિરના પ્રાર્થના હોલમાં યોજાયું. પછી હાલ જ્યાં બેન્ક ઓફ બરોડા અને પોષ્ટ ઓફિસની બિલ્ડીંગ છે ત્યાં નવો ગેલેરીવાળો હોલ બનતાં ફરીથી સ્નેહસંમેલન ત્યાં મળતું થયું. પછી એ હોલ પણ તોડીને બેન્ક અને પોષ્ટ ઓફિસ ત્યાં શિફ્ટ થયાં આ ત્યારથી સંમેલન રાધાકૃષ્ણ મંદિરમાં યોજાય છે.

 

 

 

 

No comments:

Post a Comment