11. દાંડીકર
એવી
કેટલીક વ્યક્તિઓને ઓળખીએ જેઓ નું મૂળ વતન
દાંડી હોય પરંતુ અન્ય જગ્યાએ દાંડી નું નામ રોશન કર્યું હોય.
ગાંડાભાઈ
છનાભાઈ પટેલ (સ્વરાજફળીયા): જન્મ 1931માં. પ્રાથમિક શિક્ષણ દાંડીમાં. નાની વયે
માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર ગાંડાભાઈ, 1942માં અભ્યાસ છોડી, ‘ભારત છોડો આંદોલન’માં ભાગ લઇ, સ્વાતાંત્ર્ય સંગ્રામની લડતમાં જોડાયા. દાંડીમાં
ખાદીપરિશ્રમલાય જેને સ્થાનિક લોકો વણાટશાળા કહેતા ત્યાં ખાદી વણવાનું અને તે
શીખવવાનું કામ કર્યું. આઝાદી બાદ 1950 માં સ્વરાજ્યને ગામડે ગામડે પહોંચાડવાના ભાગ
રૂપે ગાંડાભાઈ સ્વરાજ આશ્રમ આહવા, ડાંગમાં
જોડાયા. તે પહેલાં તેમની પાસે કાજલી, ફણસા ઉમરગામ વિસ્તારમાં કામ કરવાનો અનુભવ હતો.
આહવામાં જવા માટે જુગતરામ દવે જેવા સંનિષ્ઠ ગાંધીવાદી કાર્યકરનાં આશીર્વાદ મળ્યા. 1950ના ડાંગમાં મુશ્કેલીઓ પાર વિનાની હતી. રસ્તા, પાણી, ખોરાક, રહેઠાણ વગેરેની તકલીફ. ઉપરથી વાઘ, દીપડા અને વરુ જેવાં હિંસક પ્રાણીઓનો વિસ્તાર.
ડાંગની ભાષા પણ ઘણી જુદી. આવી પડકાર રૂપ પરિસ્થિતિમાં ગાંડાભાઈએ પોતાનું કાર્ય શરુ
કર્યું.
મુંબઈ
રાજ્યના વિભાજન વેળા, આજના ગુજરાતનું
હીલસ્ટેશન સાપુતારા, મહારષ્ટ્રમાં
જતું રોકવામાં છોટુભાઈનાયક, ઘેલુભાઇ નાયક
વગેરે કેટલાકની સાથે ગાંડાભાઈની મહેનત પણ હતી. મને ખ્યાલ છે ત્યાં સુધી તેમણે
શરૂઆતનાં વર્ષોમાં અને નિવૃત્તિ પછી તેમના કામનો પગાર નથી લીધો. પત્ની કુસુમબહેનના
પ્રાથમિક શિક્ષિકા તરીકે મળતા પગારમાંથી જ ગુજરાન ચલાવ્યું છે. અને આશ્રમમાં આવતા
મહેમાનોની મહેમાનગતિ પણ કરી છે.
વર્ષો
સુધી નિષ્ઠાપૂર્વક, અંગત સ્વાર્થ
ત્યજીને આદિવાસીઓના ઉત્થાન માટેના યજ્ઞમાં પોતાના સમય અને શક્તિની આહુતિ આપી. એમણે
કુસુમબહેન સાથે આંતરજ્ઞાતિય લગ્ન કર્યાં હતાં. તમને આશીર્વાદ આપતાં જુગતરામ દવે એ
કહ્યું હતું કે; "અહો, કેવું સુંદર જોડું કુદરતે નિર્માણ કર્યું."
પ્રાથમિક શાળાનાં શિક્ષિકા એવાં કુસુમ બહેને ખભેખભા મિલાવીને ગાંડાભાઈને સેવાના
યજ્ઞમાં સાથ આપ્યો. ટૂંકી માંદગી બાદ કુસુમબહેનનું અવસાન થતાં ગાંડાભાઈ એકલા પડયા.
પરંતુ તેમના દીકરા અને વહુઓએ સંભાળી લીધા. ડાંગના જંગલોમાં, આહવા મુકામે, સ્વરાજ આશ્રમમાં, સેવાનું ‘ડાહ્યું કામ’ કરીને દાંડીના ‘ગાંડાભાઈ’
એ તારીખ 15/01/2023 ના રોજ અંતિમ
શ્વાસ લીધા ત્યારે ડાંગે કાર્યકર અને દાંડીએ ‘દીપક’ ગુમાવ્યો.
સોમભાઈ
ડાહ્યાભાઈ પટેલ : દાંડીમાં વણાટશાળાનું કામ સોમભાઈએ
સ્વીકાર્યું હતું. એક સમયે કરાડી ગામમાં શાંતિસેના વિદ્યાલય ચાલતી હતી. આ
વિદ્યાલયમાં લગભગ આખા ગુજરાતના પ્રાથમિક શાળાના શિક્ષકો ટ્રેનિંગ માટે આવતા.
સોમભાઈના સાથીદાર રાવતજી ગાંધી વિચારધારાથી પ્રભાવિત થઈને આ સંસ્થામાં જોડાયા હતા.
મગનભાઈ
નારણભાઇ પટેલ: આઝાદી બાદ ટાટાનગરથી બે યુવાનો વતન દાંડી પાછા
ફર્યા. એક સોભાઈ સોમભાઈ અને બીજા મગનભાઈ. એક જ મ્યાનમાં બે તલવાર સાથે ન રહી શકે
એવું જાણતા દિલખુશભાઈ દીવાનજીએ મગનભાઈને અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠમાં મોકલી
દીધા. ત્યાં તેઓ લોકપ્રિય ગૃહપતિ બન્યા. સોમભાઈને તેમણે
ખાદી સિવાય બીજા કોઈ કામમાં પડવું નહીં એવી શરત સાથે દાંડી રાખ્યા. મગનભાઈ નારણભાઇ
પટેલ, ટૂંકા નામે
મ.ના. પટેલ તરીકે વધુ જાણીતા બન્યા. અંગત કારણો સર વિદ્યાપીઠ છોડયા પછી તેમની
આર્થિક પરિસ્થિતિ બગડતી ગઈ. મટવાડ મુકામે તેમણે અંતિમ શ્વાસ લીધા ત્યારે તેમની
પાસે મૂડી તરીકે કશું જ રહ્યું ન હતું. એક સમયે દક્ષિણ ગુજરાતના લોકો માટે મ.ના.
એટલે અમદાવાદ અને અમદાવાદ એટલે મ.ના. એવું કહેવાતું.
દીપક
પટેલ : દીપક પટેલના પિતા નરસિંહભાઇ પરભુભાઈ અને માતા લક્ષ્મીબહેન 1946માં સ્ટીમર મારફતે કેન્યા ગયેલાં. ત્યાં 1958ના સપ્ટેમ્બરની 25 મી તારીખે દીપકનો જન્મ થયેલો. ઘરમાં ક્રિકેટનું
સારું વાતાવરણ. પિતા ક્રિકેટર. બે કાકાઓ કેન્યાની રાષ્ટ્રીય ટીમના સભ્ય. બે ભાઈઓ
પણ ક્રિકેટ અને હોકીના પ્લેયર.
પ્રાથમિક
શિક્ષણ કેન્યામાં લઇ કુટુંબ સાથે ઇંગ્લેન્ડ મુવ થઇ ગયા. દસ વરસની ઉંમરે સ્કૂલ
કાઉન્ટીની ટીમમાં પસંદગી થઇ. 1975માં Worcestershire કાઉન્ટીમાં રમવા મળ્યું. રમતમાં સારો દેખાવ કરવા
છતાં ઇંગ્લેન્ડની રાષ્ટ્રીય ટીમમાં તેની પસંદગી ન થઇ. ચામડીનો રંગ આડે આવ્યો. 1982-83ના ‘વિઝડન’માં દીપકનું નામ છપાયું, પરંતુ ઇંગ્લેન્ડની ટીમમાં નહીં. એવામાં ઓકલેન્ડ, ન્યૂઝીલેન્ડની કસ્ટમ ઓફિસમાં કામ કરતી યુવતી, વીણાના પરિચયમાં આવ્યો. આ પરિચય પ્રણયમાં અને
પ્રણય લગ્નમાં પરિણમ્યો. અને ન્યુઝીલેન્ડ શિફ્ટ થયો. 1987માં ન્યુઝીલેન્ડ તરફથી વેસ્ટ ઇન્ડિઝની ટીમ સામે
પોતાની પ્રથમ ટેસ્ટ મેચ રમ્યો. તે ઓફ સ્પિનર અને સારો બેટ્સમેન હતો. ક્રિકેટીય
જીવનમાં તે 37 ટેસ્ટ અને 75 ODI રમ્યો છે. વન ડે ક્રિકેટના ત્રણ ત્રણ વર્ડકપ રમી
ચુક્યો છે. ક્રિકેટના ઇતિહાસમાં પ્રથમવાર સ્પિનર તરીકે ઓપનિંગ બોલિંગ કરનાર દીપક
પટેલ હતો.
મોહન
દાંડીકર : મોહન દાંડીકરનો જન્મ તા. 9 સપ્ટેમ્બર 1332 ના દિવસે દાંડીમાં થયેલો. બાળપણનું શિક્ષણ
મોસાળ સામાપુર અને જમશેદપુરમાં થયું. તેઓ લોકભારતી સણોસરાના સ્નાતક હતા. તેમણે
ડી.એડ. પણ કર્યું હતું. ગુજરાત યુનિવર્સીટીમાંથી એમ.એ.ની ડીગ્રી મેળવી હતી. તેઓ
ત્રેવીસ વરસ શિક્ષક અને દસ વરસ શાળાના આચાર્ય રહ્યા. લોકકેળવણી અને લોકજાગરણના
માધ્યમ તરીકે તેમણે અભ્યાસવર્તુળ તેમજ કેળવણી ટ્રસ્ટના માનદ મંત્રી તરીકે સેવા આપી
હતી. વર્ષો સુધી ગુજરાત પાઠયપુસ્તક મંડળના હિન્દી વિષયના પરામર્શ રહ્યા. એમણે ધોરણ
પાંચ અને નવ નાં પાઠયપુસ્તકોનું લેખન અને સંપાદન કર્યું હતું.
લેખન, વચન વાચન અને અનુવાદના શોખને કારણે સાહિત્ય
ક્ષેત્રે માતબર પ્રદાન આપી શક્યા નિવૃત્તિ પછી પણ તેમની આ પ્રવૃત્તિ સતત ચાલુ રહી.
તેમના અનુવાદો સંસાર, ચાંદની, આરામ, અખંડ આનંદ, નવનીત સમર્પણ જેવાં સામાયિકોમાં પ્રકાશીત થતા
રહ્યા. કોડિયું, નિરીક્ષક અને
ભૂમિપુત્રમાં તેમના લેખો છપાતા હતા. તેમણે પચાસ જેટલાં પુસ્તકો આપ્યાં છે. જે પૈકી
ત્રણ ને ગુજરાત સાહિત્ય અકાદમીના પુરસ્કારો મળ્યા છે. 'પહેલો ગિરમીટિયો' નામની અનુવાદીત નવલકથાને રાષ્ટ્રીય અકાદમીનું
અનુવાદનું પારિતોષિક મળ્યું છે. તેમનાં દ્વારા અનુવાદિત બે પુસ્તકો 'એક મેલી ચાદર' અને 'મન્ટોની શ્રેષ્ઠ વાર્તાઓ' ભાવનગર યુનિવર્સીટીમાં બી.એ. અને એમ.એ. ના
અભ્યસક્રમમાં છે. ગાંધી એમના જીવનનું અને લેખનનું કેન્દ્રબિંદુ રહ્યા, સાહિત્યક્ષેત્રે દાંડીનું નામ દીપાવનાર
મોહનદાંડીકર નો જીવનદીપ 21 ઓગષ્ટ 2020 ના રોજ બુઝાયો.
હું પણ દાંડીકર
કેટલાક માણસો નોકરી ધંધા અર્થે દાંડી આવ્યા, પોતાના કુટુંબને
પણ લઇ આવ્યા અને જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી દાંડીકર બનીને રહ્યા. આ લિસ્ટમાં ડો.
રમણભાઈ વૈદ્ય, ભગુભાઈ, શાંતુભાઇ, જગદીશભાઈ, અને અજિતભાઈની ગણતરી કરી શકાય.
ડો. રમણભાઈ વૈદ્ય : મૂળે વલસાડના રમણભાઈ વૈદ્ય B.A.M.S. નો અભ્યાસ પૂરો
કરીને ગાંધી વિચારની અસર તળે દાંડી આવ્યા. દાંડી અને આસપાસનાં ગામોની ભૌગોલિક અને
આર્થિક પરિસ્થિતિ પડકારજનક હોવા છતાં મનમાં જનસેવા ભાવનાને કેન્દ્રમાં રાખી
દાંડીને પોતાના જીવનનું પ્રથમ કેન્દ્ર બનાવ્યું. ગરીબ દર્દીઓને પોષાય એવી ફી લઈને
તેમણે પ્રેક્ટિસ કરી.
તેઓ દાંડી ક્યારે આવ્યા તેની ચોક્કસ માહિતી મળી
નથી પરંતુ દાંડી નવસારી રોડ બન્યો અને બસ સેવા શરુ થઇ પછી જ આવ્યા હોવા જોઈએ. એમના
મોટા દીકરા જગદીશભાઈ એન્જીનીયર થયા. તેઓ દાંડીની ક્રિકેટ ટીમના સારા સ્પિનર હતા.
ગામલોકો તેમને ‘બેદી’ના ઉપનામથી ઓળખતા.
તેઓ દાંડી અને સામાપુર બે ગામોમાં પોતાનું દવાખાનું ચલાવતા. વર્ષ 1980 પછી મટવાડમાં
થી હકીમજી, ડો. વીરભદ્ર, ડો. ચંદુભાઈ વગેરેની વિદાય બાદ અને દાંડીમાં મળતા ઓછા દર્દીઓને કારણે
ડો. રમણભાઈએ પોતાનું દવાખાનું પહેલાં મટવાડ અને પછી વિજલપોર ખસેડયું. ઈ.સ. 2017 બાદ તેમનું
અવસાન થયું.
ભગુભાઈ પટેલ : લગભગ 1964ની આસપાસ, પ્રાથમિક શાળા દાંડીમાં શિક્ષક તરીકે નિમણૂંક પામ્યા. દાંડી ગામનાં
દીકરી અને દાંડીની જ શાળાનાં શિક્ષિકા, કાન્તાબહેન સાથે
લગ્નગ્રંથિથી જોડાયા. આ શિક્ષક દંપતીએ પોતાની પુરી કારકિર્દી દાંડીની શાળામાં જ
વિતાવી. એમની ક્યારે ય પણ બદલી ન થઇ. ભગુભાઈએ સાસરાના ગામને જ પોતાનું ગામ
માન્યું. તેઓ શિસ્તના આગ્રહી ખરા પરંતુ વિદ્યાર્થીઓમાં પણ ઘણા પ્રિય હતા. મારા
પ્રાથમિક શાળાના વિદ્યાર્થી જીવનમાં ભગુભાઈ ખાસ આદરપાત્ર રહ્યા છે.
શાંતુભાઇ પટેલ : માંડળીયા ગામના વતની, ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદના સ્નાતક અને ધીરુભાઈ જોડે ગૂંદીથી દાંડી
આવેલા શાંતુભાઇ, વિનય મંદિર દાંડીના, પહેલા ચાર શિક્ષકો પૈકીના એક હતા. એમનો મુખ્ય વિષય ગુજરાતી. એમની
ભણાવવાની રીત સરસ. વિદ્યાર્થીઓને તરત સમજ પડી જાય એવી. વિદ્યાર્થી આલમમાં તેમની
ચાહના વધુ હોવાનું મુખ્ય કારણ એમની મહાભારતની વારતા કહેવાની આગવી શૈલી ગણી શકાય.
વારતામાં દાંડીની સ્થાનિક ભાષા અને લોકજીવનનો સમન્વય કરીને તેઓ વિદ્યાર્થીઓ સમક્ષ
મહાભારતનું આભાસી ચિત્ર ઉભું કરી શકતા. તેઓ વર્ગખંડમાં દાખલ થાય એટલે અમે વિદ્યાર્થીઓ
“વારતા વારતા” બોલીને આખો ખંડ ગજવી મુકતા. મારા ગુજરાતી ભાષાના જ્ઞાનમાં, મારા પપ્પા પછી
કોઈનો ફાળો હોય, તો તે શાંતુભાઈનો છે. “વારતા વારતા” ની વચ્ચે પણ મેં એમની પાસે ભણી
લીધું હતું. શરૂઆતમાં હજાણી બીબીના કેમ્પસમાં પછી દેવાફળીયામાં અને સ્ટાફ
ક્વાર્ટર્સ બન્યા પછી ત્યાં રહી બાળકોને ભણાવ્યાં. મોટા પુત્ર તરુણના લગ્ન વિનય
મંદિરના સ્ટાફ ક્વાર્ટર્સમાંથી થયેલાં. હાલ તેઓ કેનેડાના મોન્ટ્રિઅલ શહેરમાં
સ્થાયી થયા છે.
જગદીશભાઈ પટેલ : સામાપુર ગામના જગદીશભાઈ, વિનય મંદિર
દાંડીના પ્રથમ ક્લાર્ક હતા. પછી બી.એડ. કરવા ગયા. ત્યારબાદ પાછા શિક્ષક તરીકે વિનય
મંદિરમાં જ આવ્યા. હિન્દી, સમાજવિદ્યા અને સમાજ નવ નિર્માણ એમના વિષયો હતા. જગદીશભાઈ તેમના
તેમનાં પત્ની કાન્તાબહેન તથા બાળકો મનીષ, સુભાષ અને જીગર
સાથે વિનય મંદિરના સ્ટાફ ક્વાર્ટર્સમાં જ રહેતા. મનીષના લગ્ન પણ ત્યાંથી જ થયેલાં.
નિવૃત્તિ પછી તેઓ કેનેડાના ટોરોન્ટો શહેરમાં સ્થાયી થયા છે.
અજીતભાઈ : આખું નામ અજીતસિંહ હરિસિંહ ઘરિયા. અભ્યાસ B.Sc. M.Ed., D.P.Ed. અમારા
ગણિત, વિજ્ઞાન અને રમત ગમતના સૌથી વધુ પ્રિય શિક્ષક. હંસાબહેન જોડે એમનાં
લગ્ન થયેલાં ત્યારે તેઓ વિનય મંદિરના જૂનાં મકાનમાં રહેતા. આ મકાન એટલે જૂની
વણાટશાળા. જ્યાં પહેલીવાર વિનય મંદિરની શરૂઆત થયેલી. એમના સમયમાં વિનય મંદિરની
ક્રિકેટ ટીમ નવસારીમાં ચેમ્પિયન થયેલી. ગુજરાતની ખોખોની ટીમમાં દાંડીના ઘણા ખેલાડી
રહેતા તેનો યશ પણ અજીતભાઈને જ આપવો પડે.
વિનય મંદિરના કમ્પાઉન્ડમાં નવરાતના ગરબા રમાતા.
આખું ગામ ત્યાં ભેગું થતું. મેં પાવડો અને કોદાળી લઈને વરસેલા વરસાદનું પાણી
મેદાનની બહાર કાઢતા અજિતભાઈને જોયા હતા. તેમણે ગવડાવેલો પહેલો ગરબો; “મારી મટકી ફોડી
રે ઓલા નંદલાલે " આજે પણ ક્યારેક સાંભળવા મળે છે. વિદ્યાર્થીઓ જ નહીં, ગામના વડીલો, યુવાનો અને
સ્ત્રીવર્ગમાં પણ એમની લોકપ્રિયતા દેખાતી
હતી.
પત્ની
હંસાબહેન સુરતની શાળામાં શિક્ષિકા હોવાથી અને બાળકોના સારા અભ્યાસ અર્થે તેમણે
દાંડી છોડયું અને સુરતમાં સ્થાયી થયા. તેમનાં બંને બાળકો દીકરો પરિમલ અને દીકરી
મયુરી ઉપરાંત જમાઈ અને પુત્રવધુ પણ ડોક્ટર છે.
રામપ્રિયદાસજી
મહારાજ : શ્રી રાધાકૃષ્ણ મંદિર, દાંડીના પૂજારી
તરીકે તેમની સેવા સિત્તેરના દશકથી શરુ થઇ જે એકવીસમી સદી સુધી ચાલુ રહી. પૂજારી
હોવા છતાં ક્રિકેટના પણ શોખીન હતા. દાંડી અને
મટવાડના મેદાન ઉપર હાજર રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કરતા. મંદિરનું ટ્રસ્ટ
એમના સમય દરમ્યાન બન્યું હતું.
અબ્બાસભાઈ : મૂળ સુરતના
વતની એવા મુસ્લિમ દાઉદી વહોરા, અબ્બાસભાઈ
એમના જન્મથી જ દાંડીકર હતા. એમના દાદાનો હજાણીના કમ્પાઉન્ડમાં ‘હાતીમસ્ટોર્સ’ નામે એક જનરલ
સ્ટોર હતો. લગભગ વર્ષ
1960થી અબ્બાસભાઈ કુટુંબના વ્યવસાયમાં જોડાઈ ગયા. ઈ.સ. 2003માં દાંડીમાં પૂજ્ય
મોરારીબાપુની કથાનું આયોજન થયું. ત્યારે તેમણે બાપુના હાથે પોતાની છાતી ઉપર ‘શ્રી રામ’ લખાવ્યું
હતું. તેઓ સાચા મુસ્લિમ-હિન્દુ હતા. એમના દીકરાના લગ્નના વરઘોડામાં પંચાણું ટકા કરતાં વધારે હિંદુઓ હતા.
No comments:
Post a Comment