Thursday, April 3, 2025

ઐતિહાસિક દાંડી ગામનો પરિચય - 10 લોકજીવન વેપાર વાણિજ્ય

 

10. વેપાર વાણિજ્ય

દાંડીના લોકો સાહસિક ખરા, પરંતુ વેપાર વાણિજ્યની બાબતમાં ઘણા પાછળ. સરેરાશ સર્વિસ માઇન્ડેડ પીપલ ગણાય. બિઝનેસ માઇન્ડેડની સંખ્યા એકાદ બે ટકાથી વધારે ન હતી. હવે ધીરે ધીરે તે વધીને દસ ટકાની ઉપર જરૂર નીકળી હશે.

જ્યારથી ગામ વસ્યું હશે ત્યારથી જ લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદવાની જરૂર પડી હશે. આથી ગામમાં નાનકડી પણ એકાદ દુકાન હશે જ. ભલે માછલી પકડો કે શિકાર કરો યા ખેતી કરો, પરંતુ ખોરાક રાંધવા માટે વાસણ, તેલ, મરી મસાલાની તો જરૂર પડે જ. રોટી કપડા ઔર મકાન આ ત્રણ પાયાની જરૂરિયાત ગણાય. બધું જ ઘરે બનાવી કે ઉપજાવી શકાય નહિ. બીડી, તમાકુ અને દારૂ-તાડી પણ ખરીદવાં પડે. આ માટે નાના પાયે વેપાર થયા જ હશે.

આજે પણ માછલી પકડનારા લોકો સ્થાનિક વેચાણ કરે છે. એજ રીતે અનાજ, શાકભાજી, દારૂ અને તાડીનું પણ વેચાણ થયું હશે. છતાં ગામમાં વ્યવસ્થિત કોઈ દુકાન શરુ થઇ હોય તો તે હજાણી બીબીની દરગાહ બન્યા પછી જ ગણી શકાય. આજે જેને અબ્બાસભાઈની દુકાન કહેવામાં આવે છે તે હાતીમ સ્ટોર્સને અમે બાપાની દુકાન કહેતા. અમારા બાપદાદાઓ માટે તે બચુની દુકાન હતી. ટૂંકમાં દાઉદી વહોરા કોમના લોકોએ ગામમાં પહેલી વ્યવસ્થિત દુકાનની શરૂઆત કરી હશે એમ માની શકાય.

હું સમજણો થયો ત્યારથી દાંડીમાં ત્રણ દુકાન જોતો. એક હજાણીમાં હાતીમ સ્ટોર્સ, બસ સ્ટેન્ડ પાસે કેસુર પટેલની દુકાન અને ત્યારના કારિયા ફળિયામાં ભાણાભાઈની દુકાન હતી. તે ઉપરાંત ભાણાભાઈ ગામમાં શાકભાજીની લારી ફેરવતા.

કેસુર પટેલ ન્યુઝીલેન્ડ ગયા પછી તે બચુની દુકાન બની. ભાણાભાઈના ભાઈ, હીરાભાઈ દાંડી પરત ફર્યા અને એમણે પણ પોતાની શોપ અને લારી શરુ કરી. તેઓ અમેરિકા ગયા ત્યાં સુધી તે ચાલી. રામભાઈ ડાહ્યાભાઈ (ગાંધી ફળીયા) એ પહેલાં પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં ચણા, ચોકલેટ, બિસ્કિટ જેવી નાની નાની વસ્તુઓનું વેચાણ શરુ કર્યું. પછી પોતાના ઘરે એક દુકાન અને શાકભાજીની લારી શરુ કરી. એમના અવસાન પછી એમના દીકરા મનુભાઈએ એ વ્યવસાય પોતાના અવસાન સુધી ચલાવ્યો. ભાણાભાઈના અવસાન પછી એમની દુકાન અને લારી બંને બંધ થયાં. 1968-69 માં દેસાઈ ફળિયામાં મગનભાઈ કાનજીભાઈએ પણ દુકાનનો નિષ્ફળ પ્રયત્ન કરેલો.

વર્ષ 1974-75 માં કેસુર પટેલના બસ સ્ટેન્ડ પાસે સ્થાનિક ભાષામાં જેને માટે ઘુમટી શબ્દ છે, એવી બે દુકાન ખુલી. જેમાં એક હીરાભાઈનો જનરલ સ્ટોર અને બીજો કનુભાઈનો ટેલરિંગનો. પહેલીવાર શરુ થયેલી દાંડીની ક્રિકેટ ટુર્નામેન્ટ માટે અમ્પાયરના મોટા સફેદ કલરના ઝભ્ભા કનુભાઇએ મફત સીવી આપેલા. થોડો સમય આ બંને બરાબર ચાલ્યા. પછી એમને દાંડીના સ્થાનિક રાજકારણનું ગ્રહણ લાગ્યું.

સ્વરાજ ફળિયામાં દિનેશભાઇ ડાહ્યાભાઈ અને બિપીનભાઈ વલ્લભભાઈ, વાઘાફળિયામાં દાજીભાઈ બાવાભાઈ અને શાંતુભાઇ લલ્લુભાઇ, તળાવ ફળિયામાં કાંતિભાઈ વગેરે એ પણ પોતપોતાની રીતે દુકાન ચલાવી હતી..

વાઘાફળિયામાં ભગવાનદાસ કાલિદાસ અને બસ સ્ટેન્ડ ઉપર કેસુર પટેલ, એ બે બિઝનેસ માઇન્ડેડ માણસો હતા. ભગવાનદાસે 1965ની સાલમાં સોડાવોટર અને અનાજ દળવાની ઘંટી તથા ડાંગર છળવાનું હલર શરુ કરેલું. તે પૈકી અનાજ દળવાની ઘંટી હજુ પણ ચાલુ છે. કેસુર પટેલે ગામમાંથી દૂધ એકઠું કરી નવસારી સપ્લાય કરવાનો ધંધો બરાબર જમાવ્યો હતો. આ ધંધો દાંડી વિભાગ દૂધ ઉત્પાદક સહકારી મંડળી શરુ થઇ ત્યારે બંધ થયો. તેમણે ચિકન અને સાયકલ રિપેરિંગના બિઝનેસમાં હાથ અજમાવી જોયેલો. તેમની અનાજ દળવાની ઘંટી ત્રણ ચાર દસક સુધી ચાલતી રહી પછી બંધ થઇ.

આ બંને બિઝનેસ માઇન્ડેડ માણસોએ ગોબર ગેસ પ્લાન્ટ પણ બનાવ્યા હતા. ભગવાનદાસના આ પ્લાન્ટ સાથે વાઘા ફાળિયા માટે એક જાહેર જાજરૃની સગવડ પણ કરી આપી હતી. મોદીજી વડાપ્રધાન બન્યા પછી છે 2014માં ઘરે ઘરે શૌચાલય અભિયાન ચલાવ્યું પરંતુ ભગવાનદાસે ઇસ 1965માં જાહેર શૌચાલયની સગવડ વાઘા ફળિયાને આપેલી.

ગામમાં નાના પાયાના ભેંસના બે તબેલા કેસુર પટેલ અને નારણભાઇ પાંચાભાઈએ શરુ કરેલા. કેસુર પટેલનો બિઝનેસ ઝામ્યો.

અત્યારે દાંડીના દરિયા કિનારે જે ખાણી-પીણીના સ્ટોલ અને અન્ય સગવડ જોવા મળે છે, એનો પાયો દેસાઈ ફળિયાના છનાભાઇએ નાંખ્યો હતો. દરિયા કિનારે સર્કલ ઉપર તેમણે નાનકડી લારી ઉપર ચણા, દાણા, ચોકલેટ, કેન્ડી, બિસ્કિટ ઉપરાંત બીડી, સિગારેટ, તમાકુ, માવા, ગુટકા, જેવી વ્યસનિક આઈટેમ્સનું વેચાણ શરુ કર્યું. એમણે એકવાર મને જણાવેલું કે; “શરૂઆતમાં ક્યારેક આખા દિવસને અંતે એક પણ વસ્તુ ન વેચાઈ હોય એવા દિવસો પણ જોયા છે. આજે આ દરિયા કિનારે અનેક જાતના સ્ટોલ્સ છે. બાળકોનાં મનોરંજનની અને આનંદ પ્રમોદનની પણ સગવડ છે. વાહનોના પેઈડ પાર્કીંગની સુવિધા છે. ગામનાં ઘણાં કુટુંબોને અહીંથી રોજી રોટી મળે છે.

દાંડીના છેલ્લા બસ સ્ટેન્ડ ઉપર પણ કેટલાંક કુટુંબો પાસે નાના પાયાના વેપાર વ્યવસાય છે. નવા બનેલા સત્યાગ્રહ સ્મારક નજીક પણ નવા નવા સ્ટોલ્સ ઉભા થતા જાય છે. વૈશાલીબહેન શાકભાજીની લારી ફેરવી પોતાના કુટુંબનું ભરણપોષણ કરે છે.

દાંડીથી નવસારી શહેર માત્ર સોળ કિલોમીટરના અંતરે છે. જીવન જરૂરિયાતની લગભગ તમામ વસ્તુઓ ત્યાંથી જ આવે છે. છતાં નવસારીના બજાર કે વેપારધંધામાં દાંડીનું પ્રતિનિધિત્વ ખાસ નથી.

 નવસારીમાં આઝાદી પહેલાં ચપલાવાળા કુટુંબના હીરાભાઈ નાનાભાઈની ટેલરિંગની શોપ હતી. આઝાદી બાદ દેસાઈ ફળિયાના લાલભાઈ કાયાભાઈએ કાપડની દુકાન થોડાં વર્ષો માટે ચલાવેલી. સ્વરાજફળીયાના ભાણાભાઈ નારણભાઈની રેડિયો રીપેરીંગની શોપ હતી. વાઘાફળીયાના લલ્લુભાઇ બ્રિજલાલ પાસે અને સ્વરાજ ફળિયાના કેશવભાઈ સુખાભાઈ પાસે વર્કશોપ હતી. જેમાં લેથ મશીનો ઉપર એન્જીનીયરીંગનું કામ થતું. આવી જ એક કંપની હીરાભાઈ સુખાભાઈ પાસે પણ હતી. થોડા સમય માટે વાઘાફળીયાના મગનભાઈ ગોવિંદભાઈએ પણ આવો જ બિઝનેસ કર્યો હતો. વાઘાફળીયાના દેવાભાઇ મંગાભાઇ અને એમના દીકરાઓએ ઘડિયાળ રિપેરિંગનું કામ કર્યું. નવસારીમાં ટાવર પાસે હજુ પણ તેમની શોપ ચાલે છે. તળાવ ફળિયાથી નવીનભાઈની નવસારીના દુધિયા તળાવ શોપિંગ સેન્ટરમાં ટાયરની શોપ હતી.

સ્વરાજ ફળિયાના રણજીતભાઇ મોરારભાઈ અને ચંદ્રકાન્ત મોરારભાઈ મુંબઈમાં એન્જીનીયરીંગ કંપની ચલાવતા હતા. હવે એમના દીકરાઓ એ સંભાળે છે.

ન્યુઝીલેન્ડ, ઇંગ્લેન્ડ, અમેરિકા, કેનેડા વગેરે દેશોમાં દાંડીકરોએ બિઝનેસનો ઝમાવ્યા છે. પરંતુ તેમનો અહીં સમાવેશ કરતો નથી.

ગામમાંથી કેટલાક લોકોએ પબ્લિક ટ્રાન્સપોર્ટના ધંધામાં હાથ અજમાવ્યા. છેક ૧૯૮૩ ની આજુબાજુમાં ભગવાનદાસ કાલિદાસને ઘરે એમ્બેસેડર કાર આવી. પછી ગીરીશભાઈ બાબુભાઇ બીજી એમ્બેસેડર લાવ્યા. આમ તો વાઘાફળિયામાં રમણભાઈ અને ઈશ્વરભાઈ પાસે ટેક્સી હતી પરંતુ તેઓ ગુજરાત બહાર રાંચીમાં આ ધંધો કરતા હતા. પાછળથી સ્વરાજ ફળિયામાંથી પ્રવીણભાઈ છીકાભાઈ, પ્રવીણભાઈ દયાળભાઈ, પરિમલભાઈ અમૃતભાઈ, દેસાઈ ફળિયામાંથી કિરણ ભવનભાઈ વગેરે ટેક્સીના ધંધામાં પડયા.

૧૯૮૭ની સાલમાં સ્વરાજ ફળિયાના પરિમલ અમૃતભાઈએ પહેલ વહેલી થ્રિ વ્હેઈલર બજાજ ઓટોરિક્ષા વસાવી. ત્યાર બાદ કાંતિભાઈ ભાણાભાઈ, મગનભાઈ ઉંકાભાઈ, અશોકભાઈ છગનભાઇ વગેરે આ ધંધામાં જોડાયા

થ્રી વ્હેઈલર ટેમ્પો રીક્ષા (છકડો) ભાડે ફેરવવાનો ધંધો સ્વરાજ ફળિયાના બાબુભાઇ રવજીભાઈ દ્વારા શરુ થયો. જે ધર્મેશ રામકુમાર, કેતન સુમનભાઈ, અને ભાણાભાઈ સુધી વિસ્તર્યો.

તળાવ ફળિયાના પરસોતભાઈ ધીરજભાઈ પાસે માલવાહક ટ્રક હતી. ગામમાં બંધાતા ઘરો માટે ઈંટ, રેતી, કપચી, સિમેન્ટ, લાકડાં, લોખંડ વગેરે ઉપરાંત અન્ય કામો માટે આ ટ્રક એકમાત્ર સાધન હતું. ગામની સહકારી દૂધ મંડળીનું દૂધ નવસારી સુધી પહોંચાડવાનું કામ પણ આ ટ્રક મારફતે જ થતું. લગ્ન અને મોસાળા માટે ટ્રક સિવાય બીજો કોઈ સસ્તો વિકલ્પ ન હતો. અનિવાર્ય સંજોગોમાં દર્દીને મટવાડ કે નવસારી પહોંચાડવાનું સામાજિક પુણ્યનું કામ પણ પરસોતભાઈને શિરે આવતું રહેતું.  

૧૯૮૦ પછી વાઘા ફળિયાના રમણભાઈ રાંચીથી પરત થતાં તેમણે મેટાડોર માલવાહક ટેમ્પો વસાવ્યો. સાથે નરેશ રામભાઈએ પણ તેમનું અનુકરણ કર્યું. પછી અરવિંદભાઈ ડી.સી.એમ. ટોયોટા લાવ્યા. ગામમાં માલવાહક વાહનો વધી ગયા. પરસોતભાઈ કેનેડા ગયા પછી દેસાઈ ફળિયાના વિનુભાઈ જશમતભાઈએ  પણ ટ્રકના ધંધામાં ઝંપલાવ્યું. દેસાઈ ફળિયાના જયંતીભાઈ જીવણભાઈ અને રાજુભાઈ કોન્ટ્રાક્ટરે પણ ભારવાહક વાહનો વસાવ્યાં.

વર્ષ 1973ની આસપાસ તળાવ ફળિયાના રણજીતભાઇ કેશવભાઈએ ટ્રેક્ટર વસાવ્યું. ગામની ડાંગર પક્વતી લગભગ બધી જ જમીન તેમને ખેડવા માટે મળતી. લગ્ન બાદ ટ્રેકર વેચીને તેઓ ઇંગ્લેન્ડ સ્થાયી થયા.

આઝાદ ફળિયાના અમરતભાઈ મિસ્ત્રી અને ગામના પહેલા મકાન કોન્ટ્રેક્ટર હતા. ગામમાં તેમણે ઘણાં મકાનો બનાવ્યાં હતાં. વ્યવસાયે તેઓ સુથારીકામ કરતા. હવે તેમના દીકરા રાજુભાઈએ આ ધંધામાં સારું કાઠું કાઢ્યું છે.

જુના જમાનામાં ચપલાવાળા હીરાભાઈ નાનાભાઈ, તથા સોમભાઈ અને વાઘાફળિયામાં    પરભુભાઈ દરજીકામ કરતા. સિત્તેરના દશકમાં આઝાદ ફળિયાના કનુભાઇએ આ કામ શરુ કર્યું. દેસાઈ ફળિયામાં મગનભાઈ ટેલર સ્ત્રીઓના બ્લાઉઝ સીવવા માટે પ્રખ્યાત હતા.

કેટલાક માણસો ઈલેક્ટ્રીશિયન અને પ્લમ્બરનું કામ કરતા જેમાં આઝાદ ફળિયાના પ્રવીણભાઈ, દેવા ફળિયાના અરવિંદભાઈ વગેરે ગણાવી શકાય. દેવા ફળિયાના નવીનભાઈ પણ આ નાના પાયાનું સુથારી કામ કરતા.

સ્વરાજ ફળિયામાં વલ્લભભાઈ પરભુભાઈ અને એમના ત્રણ દીકરાઓએ થોડા સમય માટે હીરા ઘસવાની ઘંટી શરુ કરી હતી. તે ઉપરાંત અનાજ દળવાની ઘટી ઘંટી પણ ચાલતી.

ગામમાં મહત્તમ પુરુષોને દારૂ પીવાની લત હોવાથી આઝાદી પહેલાંથી જ દારૂ વેચવાનું અને ગાળવાનું કામ થતું. ગુજરાતની સ્થાપના થઇ ત્યારથી જ  દારૂબંધી અમલી હોવા છતાં, પોલીસથી બચીને કે તેમની રહેમ નજર હેઠળ દારૂ ગળાતો અને વેચાતો તથા પીવાતો રહ્યો છે.

મેં દાંડીમાં અનેક નવલોહિયા યુવાનોની અર્થી ઉઠતી જોઈ છે. તેનું એકમાત્ર કારણ દેશી દારૂ પીવાની લત. મારી સાથે સ્કૂલમાં ભણતા ઘણા મિત્રો અકાળે આ દુનિયા છોડી ગયા છે. તેઓ શરીરે મારા કરતાં વધારે ખડતલ હતા. તેમણે જીવનમાં ભાગ્યે જ દવાઓ લીધી હતી. પરંતુ દેશી દારૂ તેમને ઘણો વહેલો ભરખી ગયો.


 

 

 

 

 

 

 

No comments:

Post a Comment