26. રાજકારણ
ભારત એક લોકશાહી દેશ છે. એના બંધારણ મુજબ પંચાયતી
રાજમાં ગ્રામપંચાયત થી લઇ લોકસભા
સુધીની કક્ષાએ ચૂંટણીઓ થતી રહે છે. એને કારણે રાજકારણ ભારતના ઘરે ઘરમાં ઘુસી ગયું
છે. તેમાંથી દાંડી કેવી રીતે બાકાત રહી શકે ?
આઝાદી
પહેલાં ગામનું આંતરિક રાજકારણ હતું. તેમાં દેસાઈ લોકોનો મોટો પ્રભાવ હતો. તેમની
દાદાગીરી પણ ઘણી હતી. પોલીસ પણ તેમનું જ સાંભળતી. આથી જ તો માત્ર ચાર પાંચ કુટુંબો
હોવા છતાં તેઓ જ ગામના સર્વેસર્વા ગણાતા. તેમની પાસે શિક્ષણની પણ તાકાત હતી. જો કે
તેમનો વિરોધ થતો ખરો. પણ સરેરાશ ડર રહેતો.
દેસાઈ
કુટુંબોના અન્યત્ર સ્થળાંતર પછી ગામમાં માત્ર કોળી લોકો જ બહુમતીમાં રહ્યા. હજાણીમાં બે વહોરા અને એક દલિત તથા દેસાઈ
ફળિયામાં એક અને હળપતિવાસમાં થોડાં હળપતિ કુટુંબો જ રહયાં. આઝાદી બાદ ગામની નેતાગીરી કોળી લોકો
પાસે જ રહી.
ગામમાં
યુવક મંડળ દાંડીનો નિર્ણય અંતિમ ગણાતો. દેશના રાજકારણમાં પણ દાંડી માટે યુવક મંડળે પસંદ કરેલ, મહાત્મા ગાંધી જેના સર્વેસર્વા હતા
તે, કોંગ્રેસને જ જનસમર્થન મળ્યું. વર્ષ 1951 પ્રથમ, 1957 બીજી,1962 ત્રીજી તથા 1967 ચોથી લોકસભાની ચૂંટણીઓમાં દાંડીએ લગભગ 100 ટકા વોટ કોંગ્રેસને આપ્યા. દેશને જવાહરલાલ નહેરુ, લાલબહાદુર શાસ્ત્રી અને ઇન્દિરા
ગાંધી જેવા વડાપ્રધાન મળ્યા. ત્યારે કેંગ્રેસનું નિશાન હતું બે
બળદની જોડી. સૂત્ર હતું; “બે
બળદની જોડી. કોઈ ના શકે તોડી”. ગજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી, હિતેન્દ્ર દેસાઈ તેમના ચૂંટણી
પ્રચારની શરૂઆત દાંડીથી કરતા
પરંતુ
બે બળદની આ જોડી તૂટી. આંતરિક વિખવાદને કારણે કોંગ્રેસના ભાગલા પડયા. ઇન્દિરા
ગાંધીની શાસક કોંગ્રેસ અને મોરારજી દેસાઈની સંસ્થા કોંગ્રેસ. ઘણા ગાંધીવાદીઓ સાથે
દાંડી પણ મોરારજી દેસાઈની જોડે સંસ્થા કોંગ્રેસમાં ગયું. સંસ્થા કોંગ્રેસને નિશાન મળ્યું, રેંટિયો કાંતતી સ્ત્રી.
1971ની
લોકસભાની ચૂંટણીમાં દાંડી ગામ સુરત પશ્ચિમની બેઠક વિસ્તારમાં હતું. મોરારજીકાકાને
ઢગલે ઢગલા વોટ મળ્યા. તેઓ સુરતની બેઠક જીતી ગયા પરંતુ દેશમાં કોંગ્રેસની સરકાર
બની. ઇન્દિરા ગાંધી વડાપ્રધાન બન્યાં. ડિસેમ્બર 1971માં પાકિસ્તાન સામે
યુધ્ધ જીતીને બંગલાદેશને મુક્ત કર્યું. દેશ આખામાં ઈન્દીરાના નામનો ડંકો વાગવા
લાગ્યો. પણ કોર્ટના એક કેસમાં તેમની હાર થઇ અને તેમણે ખોટી રીતે દેશમાં કટોકટી
લાદી દીધી. મોરારજી દેસાઈ, અટલ બિહારી વાજપેયી, જ્યોર્જ ફર્નાન્ડિઝ વગેરે સહીત તમામ
વિપક્ષી નેતાઓને જેલમાં ધકેલી દીધા.
1977 માં લોકસભાની ચૂંટણી જાહેર થઇ. વિપક્ષોએ મોરારજીકાકાના નેતૃત્વમાં
જનતાપક્ષની રચના કરી. જુદા જુદા અનેક પક્ષોનો બનેલો એ જનતા મોરચો કોંગ્રેસ સામે એક
થઈને લડયો.
કટોકટી દરમ્યાન
વલ્લભભાઈ પટેલનાં દીકરી મણિબહેને દાંડીની મુલાકાત લીધી. તેઓ દાંડીની પ્રજાને
સંબોધી ન શકે એટલા માટે ઇન્દિરા સરકારે એસ.આર.પી. ની એક કંપની દાંડીમાં ઉતારી દીધી.
ગામના અનેક લોકો મણિબહેનને સાંભળવા માટે ટેકરી ઉપર ભેગા થયા. પરંતુ ઈન્દીરાની
જુલ્મી પોલીસે એમને હાંકી કાઢ્યા. કટોકટીને કારણે
પ્રજા ઈન્દિરાથી નારાજ હતી.
પરંતુ મણિબહેન સામે થયેલા બળપ્રયોગને લીધે ગામલોકોના મનમાં ઇન્દિરા માટે નફરત અને
ઘૃણાના ભાવ જન્મ્યા. ઇલેક્શનમાં કોંગ્રેસ વિરુદ્ધ વોટિંગ થયું. જનતા સરકાર
અસ્તિત્વમાં આવી. મોરારજી દેસાઈ વડાપ્રધાન બન્યા.
લગભગ
1979માં નવસારીની તાલુકા પંચાયતની
ચૂંટણીમાં મટવાડની સીટ ઉપરથી દાંડી ગામના વડીલ કેશવભાઈ નાનાભાઈ જનતા પક્ષના ઉમેવાર
હતા. સામે મટવાડ ગામના વલ્લભભાઈ, જેમને સરદાર પણ કહેવાતા, તેઓ કોંગ્રેસના ઉમેદવાર હતા. આ
ચૂંટણીમાં કેશવભાઈ નાનાભાઈની જીત થઇ
ખંધી
ઈન્દીરાએ જનતા સરકાર તોડી. 1980માં
ફરી ઈલેક્શન થયું. આ વેળા દાંડી માટે જનતા પક્ષના ઉમેદવાર અશોક મહેતા હતા. દાંડીએ
તો વોટ આપ્યા પણ સુરત નવસારી અને સમગ્ર ભારતમાં કોંગ્રેસનું સ્ટીમ રોલર ફરી
વળ્યું. જનતા પક્ષ ધોવાઈ ગયો. અશોક મહેતા હારી ગયા.
31 ઓક્ટોબર
1984ના રોજ તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા
ગાંધીની હત્યા થઇ. રાજીવ ગાંધીને વડાપ્રધાન બનાવાયા. નવી ચૂંટણી ડિસેમ્બર 1984માં થઇ. ફરીથી દાંડીએ કોંગ્રેસ
વિરુધ્ધ વોટિંગ કર્યું.
હવે
વિધાનસભાની ચૂંટણીઓ ઉપર નજર નાખી લઈએ. જુના મુંબઈ
રાજ્યમાં પહેલાં મોરારજી દેસાઈ અને પછી યશવંતરાવ ચવાણ મુખ્યપ્રધાન હતા. ત્યારે
આપણા વિભાગના વિધાનસભ્ય લલ્લુભાઇ મકનજી હતા. ગુજરાત રાજ્યની સ્થાપના પછી જલાલપોર
મત વિસ્તારના ધારાસભ્ય ગોસાંઈભાઈ બન્યા. આ બંને અવિભક્ત કોંગ્રેસીઓને દાંડીએ ખોબે
ખોબા ભરીને વોટ આપ્યા.
1985ની વિધાનસભાની ચૂંટણીમાં ગામમાં બે અલગ અલગ
વિચારધારાઓ ઉભી થઇ. કોંગ્રેસના વસંતભાઈ પરભુભાઈ અને જનતા દળના ગોસાંઈભાઈ છીબાભાઈ
વચ્ચે ટક્કર થઇ. જેમાં કોંગ્રેસનો વિજય થયો.
દાંડી માટે
પાણીની નવી યોજનાના મુદ્દે કોંગ્રેસના નેતાઓ રાજ રમત રમી ગયા. દાંડીને છેતરી ગયા.
સોમભાઈની ક્યારીની સામે એક જગ્યાએ થોડું ચણતર કરી નવી યોજનાની વિગત દર્શાવતી તકતી
મુકાઈ. તેનું ઉદઘાટન સી.ડી.પટેલે કર્યું. પછી કોંગ્રેસ રાજમાં એ યોજના ક્યાં હવાઈ
ગઈ એની કોઈને ખબર પડી નહીં.
એક
સમયે કોંગ્રેસ અને કોંગ્રેસીઓ દાંડીને સ્વીકાર્ય ન હતા. પછીથી તેઓના દાંડીમાં
હારતોરા કરવામાં આવ્યા. કોંગ્રેસનો વિરોધ કરનારાઓ જ તેમની નજીક ગોઠવાઈ ગયા.
દાંડીમાં એવાં ફંક્શનો થયાં, જેમાં
એક સમયે કોંગ્રેસનો ઘોર વિરોધ કરનારાઓ સી.ડી.પટેલ, એ.ડી.પટેલ, છોટુભાઈ સુખાભાઈ, મહેશભાઈ કોઠારી વિગેરે કોંગ્રેસીઓને
હાર પહેરાવીને કે ફૂલોના બુકે આપીને સ્વાગત કરતા હોય.
કહેવાય
છે રાજકારણમાં કશું જ અંતિમ નથી. આજનો મિત્ર આવતીકાલે દુશ્મન અને ગઈકાલનો દુશ્મન
આજે મિત્ર બની જાય. જેને પવન જોઈને સઢ ફેરવતાં આવડે અને ચાલતી ગાડીમાં ચપળતાથી ચડી
જવાની કળા હસ્તગત કરી લે, એ
જ સફળ રાજકારણી બની શકે. આ બાબત દાંડીથી દિલ્હી સુધી સૌને લાગુ પડે છે. આથી જ
પોલિટિક્સ પવિત્ર નથી, અતિશય
ગંદું છે.
1989 થી લોકસભામાં અને વિધાનસભામાં ફરી
પાછા કોંગ્રેસના વિરુદ્ધ અને મોટેભાગે ભાજપ તરફી ઝોક રહ્યો. તે દરમ્યાન લલ્લુભાઇ
પરભુભાઈ, નારણભાઇ પાંચાભાઇ અને ધીરુભાઈ
હીરાભાઈ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ લડયા. ધીરુભાઈ જિલ્લા પંચાયતની બાંધકામ
સમિતિના અધ્યક્ષ હતા. એમના સમયમાં જ દાંડી અને આટ વચ્ચેના રોડનું કામ થયેલું. જ્યારથી
અડવાણીની રામ રથ યાત્રા થઇ ત્યારથી દાંડી ભાજપના ભગવા રંગે રંગાયેલું રહ્યું છે. છેલ્લા સાત
ટર્મથી ભાજપના આર.સી.પટેલ, એમ.એલ.એ.છે. દાંડી તેમની સાથે છે. બે ટર્મથી સી.આર.પાટીલ સાંસદ છે.
No comments:
Post a Comment