23. રસ્તા, રોડ અને વાહન વ્યવહાર
દાંડી ગામનું પહેલ વહેલું વાહન વ્યવહારનું સાધન વહાણ, હોડી અને મછવા હતાં. કારણકે મૂળે દાંડી બેટ કે દ્વીપ
પર વસેલું ગામ છે. વહોરાઓ અને અનાવિલો ક્યારેક ક્યારેક આટથી બળદગાડું કે
ઘોડાગાડીમાં દાંડી આવ્યા હોવાના સંદર્ભો છે પરંતુ તે માત્ર શિયાળા-ઉનાળા દરમ્યાન માત્ર
નાની ભરતીના દિવસો દરમ્યાન શક્ય બનતું.
જો કે સી.ફોર્ડ દ્વારા બનાવેલા માટીના બંધો મારફત દરિયાની
ભરતીના ખારાં પાણી રોકીને ખેતી શરુ થતાં ગાડાં વ્યવહાર શક્ય બન્યો હતો ખરો પરંતુ
માટીના એ બધો તૂટતાં દાંડી ફરીથી બેટમાં ફેરવાયું. અને ગાડાં વ્યવહાર લગભગ બંધ
થયો. ગાંધીજીએ પોતે
લખ્યું છે તે મુજબ મટવાડથી જ કાદવમાં પાંચ માઈલ
પગપાળા ચાલીને દાંડી જવું પડતું.
દાંડી અને સામાપુર વચ્ચે બે મોટી ખાડીઓ હતી. દાંડી અને દરિયા
કિનારા વચ્ચે પણ એક મોટી ખાડી હતી. આ ત્રણે ખાડીઓ ઉપર લાકડાના પુલો હતા જે
ગામલોકોએ પોતાની મહેનત અને ખર્ચ કરીને બનાવ્યા હતા. અવારનવાર તેનું સમારકામ પણ
થતું. એમાં કાનજીભાઈ નાનાભાઈ ચપલાવાળા જેઓ વઘઇ ખાતે લાકડાના વેપારીને ત્યાં કામ
કરતા હતા તેમનો ફાળો વિશેષ રહ્યો હતો.
|
દાંડી
અને સામાપુર વચ્ચેના લાકડાના પુલ ઉપર પગપાળા વ્યવહાર દર્શાવતો સ.ન. ૧૯૫૫ માં
લેવાયેલ ફોટો. (
ફોટોગ્રાફ: અમૃતભાઈ મકનજી પટેલ) |
|
દેસાઈ
ફળીયા અને દરિયા કિનારાને જોડતા લાકડા ના પુલ ઉપરથી ગાંધી અસ્થિ વિસર્જન માટે જઈ
રહેલું સરઘસ. 12 ફ્રેબ્રુઆરી ૧૯૪૮. (ફોટોગ્રાફ: ધીરુભાઈ એચ. પટેલ) |
સ.ન.1961 માં તત્કાલીન વડાપ્રધાન
જવાહરલાલ નહેરુ દાંડી આવ્યા, ગાંધી સ્મારકનું ઉદઘાટન કર્યું
અને મટવાડ બંદર આગળ ખુંટડા ખાડી પર બે પુલોનું નિર્માણ થયું. પછી સડક બનતાં દાંડી
દેશના અન્ય ભાગો સાથે રોડ માર્ગે જોડાયું. પહેલા માત્ર કપચી અને રેતીનો અને
ત્યારબાદ ડામરનો રસ્તો બન્યો. લગભગ ૧૯૬૫ માં ડામરનો રસ્તો બન્યો.
ગામના આંતરિક રસ્તાઓમાં આઝાદ ફળીયાથી સ્વરાજફળીયાની પીચીંગ
સુધીનો રસ્તો રાજમાર્ગ કહેવાય. બીજો મુખ્ય રસ્તો વાઘાફળીયાથી શરૂ થઇ ગાંધી
ફળિયામાંથી પસાર થઇ દેસાઈ ફળિયાને જોડી ફરીથી આઝાદ ફળિયાના પ્રવેશદ્વારે
રાજમાર્ગને મળે છે. ઉપરાંત દરેક ફળિયાના રસ્તાઓ આ બે પૈકી એક સાથે જોડાય છે. એક
રિંગરોડનું આયોજન થયું હતું પરંતુ સરકારની વારંવાર બદલાતી યોજનાઓને કારણે એ શક્ય બન્યું
નથી. ગ્રામ પંચાયત દ્વારા આ રસ્તાઓ ઉપર માટીકામ અને રેતી, કાંકરા,
કપચી, છારૂ વગેરે પથરાતા રહ્યા. અંતે દાંડી
ગામ હેરિટેજની શ્રેણીમાં આવતાં રસ્તાઓ ડામરના અને સિમેન્ટ બ્લોકના બન્યા છે. કહી
શકાય કે ગામના તમામ ઘરો સુધી જવા માટે પાકા રસ્તા છે.
જ્યારથી રોડ બન્યો ત્યારથી નવસારીથી દાંડી ને જોડતી બસ સેવા
શરુ થઇ. મારી જાણ મુજબ ૧૯૬૭માં દિવસ દરમ્યાન આઠ બસો દોડતી. પછી પેસેન્જરો મળતાં
સ.ન. ૨૦૦૦ સુધીમાં એ સંખ્યા વધીને સત્તર થી અઢાર ની થઇ. સિત્તેર અને એંસીના
દાયકામાં નવસારીથી વાયા મછાડ - કોથમડી અને
વાયા આટ થઈને પણ દાંડી સુધીની માર્યાદિત બસ સેવા ઉપલબ્ધ હતી. ઉપરાંત દાંડી-અમદાવાદ,
દાંડી- પોરબંદર અને દાંડી- સુરત જેવી
લાંબા અંતરની એક્સપ્રેસ બસ સેવા પણ મળી હતી. જે અમુક સમય બાદ બંધ થઇ.
જો કે દાંડીનો નવસારી સાથેનો બસ વ્યવહાર વર્ષ 1955માં
ભરતીનાં ખારાં પાણી આવતાં અટક્યા બાદ તરત જ વાયા આટ શરુ થયેલો. ઘણી મહેનત પછી પણ એ
પ્રથમ બસના મુસાફરોનાં નામ મળ્યાં નથી. આ
બસ કોઈ ગાડાવાટ ઉપર જ ચાલી હશે.
પરસોતભાઈની ટ્રક દર વરસે દિવાળી પછી પરસોતભાઈ પોતાની ટ્રકનો
રસ્તો બનાવતા. જે ઉપરથી આટ જઈ ટ્રક માટેના હળપતિ કોમના મજૂરો મેળવતા.અને એ જ રસ્તા
ઉપરથી ધૂળ ઉડાડતી ઉડાડતી જાન આટ, ઓંજલ,
કકરાડ, માંડલિળીયા વગેરે ગામે જતી. અરે આવડાફળીયા, મોખલા અને કોથમડી સુધી પણ ખારપાટના રસ્તે ટ્રકમાં જાન લઇ જવાતી. ટ્રકમાં
પેસેન્જરોની મુસાફરી ગેરકાયદે હતી અને હજુ પણ છે.
ખાનગી વાહનોમાં સૌ પ્રથમ સાયકલનું આગમન થયું હશે. પચાસ,સાઠ અને
સિત્તેરના દાયકામાં પણ સાયકલનું ઘણું મહત્વ હતું. સાઠના દાયકામાં આખા ગામમાં માંડ
પાંચેક સાયકલો હશે. સૌથી પહેલી સાયકલ કોણે વસાવી એની જાણ નથી. પરંતુ ગામના કેટલાક
લોકો નવસારી મિલમાં નોકરી કરતા હતા તેઓ દરરોજ તેમની સાયકલ ઉપર જ આવ-જા કરતા હતા.
૧૯૬૬ ના અરસામાં દેસાઈ ફળિયાના ભાણાભાઈ ગોપાલભાઈ આફ્રિકાથી
આવ્યા ત્યારે તેમના ઘરે ગામનું પ્રથમ વાસ્પા સ્કુટર આવ્યું. અમૃતભાઈ મકનજી પાસે
લ્યુના,
અમ્રતભાઈ મિસ્ત્રી પાસે પહેલાં વિકી અને પછી રાજદૂત મોટર સાયકલ, ગણેશભાઈ ખાપાભાઈ પણ મુંબઈથી લેમ્બ્રેટા
સ્કૂટર લાવ્યા. ભગવાનદાસ કાલિદાસ પાસે બજાજ સ્કૂટર આવ્યું. આમ ૧૯૮૨ સુધીમાં ગામમાં
ગણ્યા ગાંઠયા દ્વિચક્રી વાહનો હતાં. આજે પરિસ્થીની ઘણી બદલાય ગઈ. વાહનો વિનાનું
કોઈ ઘર નથી.
ગામની પ્રથમ કાર દેસાઈ ફળિયાના છોટુભાઈ કાલિદાસ લઇ આવ્યા. સિત્તેરના
દશકમાં હજાણી વાળા અબ્બાસભાઈએ પણ ટૂંકા સમય માટે એક વેન વસાવી હતી. પછી છેક ૧૯૮૩
ની આજુબાજુમાં ભગવાનદાસ કાલિદાસને ઘરે એમ્બેસેડર કાર આવી. પછી ગીરીશભાઈ બાબુભાઇ
બીજી એમ્બેસેડર લાવ્યા. આમ તો વાઘાફળિયામાં રમણભાઈ અને ઈશ્વરભાઈ પાસે ટેક્સી હતી
પરંતુ તેઓ ગુજરાત બહાર રાંચીમાં આ ધંધો કરતા હતા. પાછળથી સ્વરાજ ફળિયામાંથી પ્રવીણભાઈ
છીકાભાઈ,
પ્રવીણભાઈ દયાળભાઈ, પરિમલભાઈ અમૃતભાઈ, દેસાઈ ફળિયામાંથી કિરણ ભવનભાઈ,તળાવ ફળિયાના.... વગેરે ટેક્સીના ધંધામાં પડયા.
૧૯૮૭ની સાલમાં સ્વરાજ ફળિયાના પરિમલ અમૃતભાઈએ પહેલ વહેલી
થ્રિ વ્હેઈલ બજાજ ઓટોરિક્ષા વસાવી. ત્યારબાદ કાંતિભાઈ ભાણાભાઈ, મગનભાઈ
ઉંકાભાઈ, અશોકભાઈ છગનભાઇ વગેરે આ ધંધામાં જોડાયા
થ્રી વ્હેઈલ ટેમ્પો રીક્ષા (છકડો) ભાડે ફેરવવાનો ધંધો સ્વરાજ
ફળિયાના બાબુભાઇ રવજીભાઈ દ્વારા શરુ
થયો. જે ધર્મેશ રામકુમાર,
કેતન
સુમનભાઈ, અને ભાણાભાઈ સુધી
વિસ્તર્યો.
તળાવ ફળિયાના પરસોતભાઈ ધીરજભાઈ પાસે માલવાહક ટ્રક હતી.
ગામમાં બંધાતા ઘરો માટે ઈંટ, રેતી, કપચી,
સિમેન્ટ, લાકડાં, લોખંડ
વગેરે ઉપરાંત અન્ય કામો માટે આ ટ્રક એકમાત્ર સાધન હતું. ગામની સહકારી દૂધ મંડળીનું
દૂધ નવસારી સુધી પહોંચાડવાનું કામ પણ આ ટ્રક મારફતે જ થતું. લગ્ન અને મોસાળા માટે
ટ્રક સિવાય બીજો કોઈ સસ્તો વિકલ્પ ન હતો. અનિવાર્ય સંજોગોમાં દર્દીને મટવાડ કે
નવસારી પહોંચાડવાનું સામાજિક પુણ્યનું કામ પણ પરસોતભાઈને શિરે આવતું રહેતું.
૧૯૮૦
પછી વાઘા ફળિયાના રમણભાઈ રાંચીથી પરત થતાં તેમણે મેટાડોર માલવાહક ટેમ્પો વસાવ્યો.
સાથે નરેશ રામભાઈએ પણ તેમનું અનુકરણ કર્યું. પછી અરવિંદભાઈ ડી.સી.એમ. ટોયોટા
લાવ્યા. ગામમાં માલવાહક વાહનો વધી ગયા. પરસોતભાઈ કેનેડા ગયા પછી દેસાઈ ફળિયાના
વિનુભાઈ જશમતભાઈએ પણ ટ્રકના ધંધામાં
ઝંપલાવ્યું. દેસાઈ ફળિયાના જયંતીભાઈ જીવણભાઈ અને રાજુભાઈ કોન્ટ્રાક્ટરે પણ ભારવાહક
વાહનો વસાવ્યાં.
No comments:
Post a Comment