5. આઝાદી પહેલાં
દાંડી
ગામનો ઇતિહાસ તપાસતી વખતે આ ત્રણ બાબતો પણ યાદ કરી લેવી જોઈએ. કારણકે હવે એ ખરેખર
ઇતિહાસની ગર્તામાં ધકેલાઈને લગભગ અદ્દશ્ય થઇ ગઈ છે.
દેસાઈવાડ : દેસાઈ ફળિયું.
આમ તો આખું ગામ કોળી પટેલ લોકોનું. પણ સી.
ફોર્ડના બંધની જાળવણી તથા જમીનનું મહેસુલ ઉઘરાવવાની કામગીરી માટે દેસાઈ લોકો
બહારથી આવીને વસ્યા. સી. ફોર્ડના બંધ 1870માં બન્યા. આથી દેસાઈ લોકો તે પછી
દાંડીમાં આવ્યા હોવા જોઈએ.
જ્યાં દેસાઈ લોકોની વસ્તી હોય ત્યાં હળપતિવાસ
હોવાના જ. મૂળે દેસાઈ કુટુંબો મોટા ખેડૂત. એમને ખેતીકામ માટે ખેતમજૂરોની જરૂર રહે.
આથી આ બુદ્ધિશાળી પ્રજાએ હળપતિઓને પોતાની નજીક રાખ્યા. અને આ હળપતિઓ તેમનાં ઘરકામ
પણ કરતા. દાંડીમાં આ જ કારણે હળપતિઓનું આગમન થયું. આજે પણ હળપતિવાસ દેસાઈ ફળિયાની
બાજુમાં જ છે.
તેઓ ભણેલા,
સરકારી નોકરી વાળા, ઉજળિયાત કોમના એટલે ગામમાં તેમનું જ
વર્ચસ્વ સ્થપાયું. આ દેસાઈ લોકો ગામના અન્ય લોકો ઉપર દાદાગીરી પણ કરતા. દેસાઈનો
હુક્કમ થાય એટલે હળપતિ મજુરે જે તે કુટુંબમાં મજૂરી કામ માટે જવાનું ફરજીયાત બને.
કોઈ બહાનાબાજી ચાલી ન શકે.
ગામનાં કોળી લોકો છાનાંછપનાં દેસાઈના ખેતર કે
વાડામાંથી ઘાસ કાપતાં પકડાઈ જાય તો તેમનાં દાતરડાં કે અને કોદાળી, કુહાડી જેવાં ઓજારો જપ્ત કરી લે.
દેસાઈલોકોના ગામમાં આવવાથી સૌથી મોટો ફાયદો એ થયો
કે તેમણે ગામમાં પધ્ધતિસરની પ્રાથમિકશાળા શરુ કરી. બે ત્રણ કુવા પણ બાંધ્યા. એમનાં
પોતાનાં રહેઠાણનાં પાકા મકાન બાંધ્યાં.
પણ ગામમાં ઉજળિયાત અને બિનઉજળિયાત એવા બે ભાગ પડી
ગયા. વસ્તીમાં એમનાં પાંચ-છ ઘર એટલે માંડ પંદરેક માણસની વસ્તી છતાં એ ફળિયાનું નામ
‘દેસાઈ ફળીયા’ પડ્યું, અને હજુ આજે પણ એ જ નામ હયાતી ધરાવે છે.
વખત જતાં બંધો ધોવાઈ ગયા. ડાંગરનો પાક બંધ થઇ
ગયો. અને દરિયાની ભરતીનાં પાણીનો પ્રવાહ લોકોનાં ઘણા ઘરનાં બારણાં સુધી પહોંચી
ગયો. ત્યારે આ બુધ્ધિજીવી દૂરંદેશી લોકો તેમનાં ઘરબાર દાંડીના લોકોને વેચીને ખરસાડ, અબ્રામા, પનાર, સુલતાનપુર
વગેરે તરફ ચાલ્યાં ગયાં. હવે આજે દાંડીમાં એકપણ દેસાઈ કુટુંબ
નથી !
બંગલા
હજાણી દરગાહ સ્થપાયું પછી પૈસાદાર અને વગદાર ચાર
મુસ્લિમોએ કદાચ દાંડીમાં પહેલ વહેલાં ઈંટવાળા મકાન બનાવ્યાં હતાં. જે સમયે
દાંડીમાં હોડી સિવાય કોઈપણ પ્રકારનું વાહન આવી શકતું ન હતું તે સમયે મુસલમાન ભાઈઓ
મકાન કે બંગલા બાંધવા માટે ઉપયોગમાં લેવાયેલા રેલવેના પાટા જેવા લોખંડના ગર્ડર
કેવી રીતે દાંડીમાં લાવી શક્યા હશે?
એમ જાણવા મળત્યુ મળ્યું છે કે તે સમયના લોકો
દરિયાકાંઠાના અમુક પ્રકારના કાલાં અને છીપલાં માંથી સિમેન્ટ જેવો પદાર્થ બનાવતા.
અને તે ઇંટના ચણતરમાં વાપરતા.
આવા ઇજ્જતદાર મુસલમાનો એહમદઅલી ગુલામહુસેન ડાયા, અબ્દુલહુસેન ચાંગાભાઇ અને સૈફીવીલવાળા સૈફુદ્દીનનો ગામમાં ઘણો પ્રભાવ હતો.
એમણે બંધાવેલા ચાર બંગલા ખુબ જાણીતા હતા.
1.
સ્વરાજફળિયામાં સૈફીવીલા (જે સુખલા છીબાના નામે ઓળખાતો) જ્યાં હાલ મહાત્મા
ગાંધીજીનું મ્યુઝિયમ છે. સૈફીવીલાની બાજુમાં એક નાનો બંગલો
હતો જેની બંગલી તરીકે ઓળખ હતી.
2.
સ્વરાજ ફળિયામાં દાજી ગોહલાને નામે
ઓળખાતો બંગલો જ્યાં હાલ ધર્મેશનું ઘર છે.
3.
નાનીયા ખાલપાને
નામે ઓળખાતો બંગલો, પહાડ તરીકે જાણીતા વિસ્તાર (જ્યાં
હાલ પ્રકાશભાઈ રામજીભાઈનું ઘર છે) માં શેઠ અબ્દુલ્લાનો બંગલો
હતો.
4.
ચોથો બંગલો ઠેઠ
દરિયા કિનારે હતો જે ને દરિયો ગળી ગયો.
સી.ફોર્ડના બંધો તૂટ્યા
પછી ગામની ફરતે દરિયાનું પાણી ફરતું ત્યારે વર્ષો સુધી બંગલાના માલિકો દાંડી આવ્યા જ નહીં. આથી જેમને સારસંભાળનું કામ
સોંપેલું તેઓ તેના માલિક બની ગયા. સૈફીવીલા સિવાય આજે એકેય બંગલો રહ્યો
નથી.
સરકારી ઉતારો
સ્વરાજ પહેલાં દાંડી ગામનો સરકારી વહીવટ સંભાળનાર
'પોલીસપટેલ' હતો. ગામની જ કોઈ
મોભાદર અને લાયકાતવાળી વ્યક્તિ આ હોદ્દો સંભાળતી. તાલુકામાંથી
(જલાલપુર) મામલતદાર, રેવન્યુ અધિકારી કે પોલીસવડા ગામની
મુલાકાતે પધારે ત્યારે તેની સરભરા તથા જરૂરી માહિતી પુરી પાડવાનું કામ પોલીસપટેલ
કરતા.
પોલીસ પટેલને દફતર રાખવા માટે, ઝગડાળુ મિટિંગ માટે કે રાત્રિરોકાણ માટે એક રૂમ બાંધવામાં આવેલી. તે ઉતારા
તરીકે ઓળખાતી.
હાલમાં દેસાઇફળિયાનો વાસણ ભંડાર છે ત્યાં આ
ઉતારાનું મકાન હતું. આ ઉતારામાં તે સમયે ગામનું બધું સરકારી દફતર- રેકર્ડ રહેતા.
તેમાં કોઈ રહેતું ન હતું. જયારે જરૂર પડે ત્યારેજ તેનું બારણું ખોલવામાં આવતું.
એટલે એ મકાન અવાવરુ રહેતું.
સન 1942માં “હિન્દ છોડો” આંદોલને વેગ પકડયો હતો. કાંઠાવિભાગમાં
જબરજસ્ત આંદોલન ચાલતું હતું. કાંઠાવિભાગના
પંદર-વીસ યુવાનો સરકારી મિલકતનો નાશ કરવાની પ્રવૃત્તિ કરતા
હતા. એમણે એક રાતે ઉતારો સળગાવી દીધો. એટલે ગામની વિગતો દર્શાવતું તમામ દફતર
રેકર્ડ બળી ગયું.
આ
બાબતે નરસિંહભાઇ નાનાભાઈએ “મારાં સંભારણાં”માં વિગતવાર
જણાવ્યું છે. 1942માં મહાત્મા ગાંધીજીએ હિન્દ
છોડોની હાકલ કરી. અંગ્રેજોએ તેમને જેલમાં પૂર્યા. આથી લોકોએ પોતાની સૂઝ પ્રમાણે
આંદોલન કર્યું. સરકારી કામમાં રુકાવટ થાય તેવી
પ્રવૃત્તિઓ શરુ થઇ. ગામેગામ સરકારી દફ્તરો બાળવામાં
આવ્યાં.
દાંડી
ગામમાં શાળાનું દફતર, સરકારી દફતર અને સી ફોર્ડનું દફ્તર જે નાનુભાઈ
દેસાઈને ઘરે રહેતું તેને પણ બાળવામાં આવ્યું. રાત્રે નાનુભાઈ
દેસાઈનું ઘર ઉઘડાવીને સી ફોર્ડનું દફતર બાળ્યું. ક્રાંતિકારીઓની ટોળકી
પોતાના ટાર્ગેટ ઉપર જવા પહેલાં ફટાકડાના ધડાકા કરે. એટલે આજુબાજુના
ઘરના લોકો સમજે કે આ ટોળકી પાસે બંદૂક છે. બંદૂકના ડરથી કોઈ બહાર નીકળે નહીં અને ટોળકી પોતાનું કામ પતાવીને ભાગી
જાય.
તે
વખતે ગામના પોલીસ પટેલ તરીકે મકનભાઈ રવજીભાઈ હતા. તેમણે જલાલપોર ખબર આપી કે અમારા
દાંડી ગામે દફતર બાળવામાં આવ્યું છે. જલાલપુરના પોલીસ ઇન્સ્પેક્ટર પંડયા પોલીસો
સાથે તપાસ કરવા આવ્યા. તે વખતે પોલીસનો જુલમ ભારે હતો. એટલે સૌ જુવાનિયા
ભાગી ગયેલા. છતાં નાનુભાઈ દેસાઈના ઘરે પરભુભાઈ, શાંતુભાઇ
મકનભાઈ અને અમૃતભાઈ ડાહ્યાભાઈને બોલાવી પકડી લીધા. પછી નરસિંહભાઇ માસ્તરને પણ કપટ
કરી પકડયા. એમનાં ખાદીનાં કપડાં પ્રત્યે પંડયાને ભારે સૂગ હતી. પછી આ ચારને
પહેલાં મટવાડ અને પછી જલાલપુર પોલીસ સ્ટેશને બંધ કરી દીધા.
જલાલપુરમાં
એમને ખુબ જ પરેશાનીનો સામનો કરવો પડયો. પછી ત્યાંથી તેમને સાબરમતી જેલમાં
ટ્રાન્સફર કરાયા. ત્યાં શાંતુભાઇ અને અમરતભાઈએ
માફીપત્ર લખી આપ્યો એટલે એમનો છુટકારો થયો. છ માસ પછી
નરસિંહભાઇ અને પરભુભાઈનો છુટકારો પુરાવાના અભાવે થયો.
જોવા
જેવી બાબત એ છે કે ભારત ગુલામ હતું. ગણ્યાગાંઠયા અંગ્રેજો હિન્દુસ્તાનમાં હતા.
ક્રાંતિકારીઓ હિન્દુસ્તાની હતા. પોલીસ પણ હિન્દુસ્તાની. દાંડીમાં સરકારને વફાદાર નાનુભાઈ
દેસાઈ, ઉજળિયાત, અનાવિલ બ્રાહ્મણ. ખાદીને ધિક્કારતો જલાલપુરનો
ઇન્સ્પેક્ટર પંડયા, ઉજળિયાત, બ્રાહ્મણ. દાંડીના ચારે દેશભક્ત
આરોપીઓ પછાત જાતિના કોળી પટેલ !
દાંડીના
સપૂત અને હિન્દુસ્તાનની આઝાદીના લડવૈયા એવા પરભુભાઈ, નરસિંહભાઇ, અમૃતભાઈ અને શાંતુભાઈને શત શત વંદન !
No comments:
Post a Comment