Saturday, April 5, 2025

ઐતિહાસિક દાંડી ગામનો પરિચય - 16 મહિલા વર્ગ

 

16. મહિલા વર્ગ

સ્ત્રી વિનાના સમાજની કલ્પના પણ શક્ય નથી. આથી જયારે પણ ગામ વસ્યું હશે ત્યારે પુરુષ, સ્ત્રી અને બાળકો ભેગાં આવીને વસ્યાં હશે. ઘરની સ્ત્રીએ પુરુષને ખેતી અને માછલી પકડવાના કામમાં મદદ કરી હશે. પશુપાલન પણ કર્યું હશે.

હિન્દુસ્તાન ગુલામ હતું અને કોળી લોકો પાસે શિક્ષણ, અક્ષરજ્ઞાન ન હતું, ત્યારથી સ્ત્રીઓને યોગ્ય સામાજિક દરજ્જો પ્રાપ્ત થયો ન હતો. છેક આઝાદી મળી ત્યાં સુધી સ્ત્રીઓનું સ્થાન ક્યાંયે ન હતું. સંતાનોત્પત્તિ, રસોડું અને જરૂર પડયે પતિ કે પુરુષવર્ગને કામકાજમાં મદદ કરવી એ જ સ્ત્રીનું કર્તવ્ય ગણાતું.

પુરુષો તેમની પત્નીને મારતા. પોતાના પતિના હાથનો માર ન ખાધો હોય એવી સ્ત્રી ગામમાં ભાગ્યે જ મળે. દારૂ કરતાં તાડી પીવાનું વિશેષ બનતું. તેના ઘેનમાં પણ પુરુષો ઘરમાં મારામારી કરતા. પત્નીને મારવું એ પુરુષનો અધિકાર અને માર ખાઈને બેસી રહેવું એ સ્ત્રીનું કર્તવ્ય! નાની નાની બાબતોમાં સ્ત્રીઓનું અપમાન કરવામાં પુરુષો ગર્વ અનુભવતા.

પતિ અને પત્ની જાહેરમાં એક સાથે ચાલી પણ ન શકે. મોટેભાગે પતિ આગળ ચાલતો હોય અને તેનાથી પંદર વિસ ફૂટ પાછળ પત્ની તેને અનુસરતી હોય. ગામ પરગામ જવાનું હોય કે ખેતર ક્યારી પર, પરંતુ જોડાજોડ કોઈ દંપતી ચાલતું નહીં. જુના લોકોમાં આવું તો છેક 1985-90 સુધી ચાલ્યું. તે પેઢીની વિદાય બાદ જ પરિવર્તન આવ્યું.

ધીરુભાઈ એમની નોંધમાં જણાવે છે કે; તેઓ નવસારી હાઈસ્કૂલમાં અને ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદમાં ભણતા અને વેકેશનમાં ઘરે આવતા ત્યારે યુવક મંડળ કે વિદ્યાર્થી મંડળ મારફત રાતે નાટકો, સંગીત વગેરેનો મનરંજન કાર્યક્રમ થતો. પરંતુ આમાં સ્ત્રીઓનું ક્યાંયે સ્થાન ન હતું.

વિશ્વની પચાસ ટકા વસ્તી ધરાવતો મહિલા વર્ગ જ્યાં ને ત્યાં શોષિત રહ્યો છે. દાંડી પણ એમાં અપવાદ નથી જ. એક નોંધપાત્ર બાબત એ હતી કે દાંડીથી જાન બીજા કોઈપણ ગામમાં જતી ત્યારે બેન્ડનો બધો જ સામાન જાનમાં જોડાયેલાં બહેનો ઉપાડી લેતાં ! લગભગ 1960 સુધી તો આવું જ ચાલ્યું.

1920 પછી શરુ થયેલી પ્રાથમિક શાળા, 1930ની ગાંધીજીની દાંડીકૂચ પછી આવેલી જાગૃતિ અને આઝાદી બાદ મળેલી અનુકૂળતાને લઈને ગામનો મહિલાવર્ગ ધીરે ધીરે બેઠો થવા લાગ્યો.

હવે સ્કૂટર અને કાર ડ્રાઈવીંગ કરનારી મહિલાઓ જોવા મળે છે. તેઓ આ બાબતે તેમના પિતા, ભાઈ કે પતિ યા પુત્ર પર આધારિત નથી.

શિક્ષણ

વર્ષ 1920ની આસપાસ દાંડીમાં પ્રાથમિક શાળા શરુ થઇ. એના પ્રથમ બેચના પહેલા ધોરણમાં પ્રવેશ મેળવનારાઓમાં દેવાફળીયાનાં મીઠીબહેન પટેલ હતાં. દાંડીનાં પહેલાં મહિલા વદ્યાર્થીની બનવાનો યશ તેઓ લઇ ગયાં.

આઝાદી પછી પ્રાથમિક શાળામાં છોકરીઓની સંખ્યા વધી. 1950 પછી ગામમાં જન્મેલી કોઈપણ કન્યા અક્ષરજ્ઞાન વિનાની ન રહી. પરંતુ ફાઇનલ (સાતમું ધોરણ) ની પરીક્ષા પહેલાં સુરત પછી નવસારી અને બાદમાં કરાડી લેવાતી. આથી ઘણી કન્યાઓ તે પરીક્ષામાં બેસવાથી વંચિત રહી. ફાઇનલનું એસ.એસ.સી. જેવું બોર્ડ હતું. પરિણામ વર્તમાનપત્રોમાં આવતું.

વર્ષ 1969 માં વિનય મંદિર બન્યું તે પહેલાં હાઈસ્કૂલના અભ્યાસ માટે કરાડી અથવા નવસારી જવું પડતું. ગરીબીને કારણે મોટાભાગના કુટુંબોને તે પોષાય તેમ ન હોવાથી છોકરા કે છોકરી હાઈસ્કૂલમાં જવાનું ટાળતાં. છતાં કેટલીક કન્યાઓ કરાડી અને નવસારી તથા મઢી, સુરત તરફ ભણવા ગઈ હોવાના દાખલા છે.

વિનય મંદિર બનવાનો મોટો ફાયદો એ થયો કે ગામનાં છોકરા અને છોકરીઓ ઓછામાં ઓછું એસ.એસ.સી. સુધી તો ભણતાં થયાં.

ગામમાંથી ગ્રેજ્યુએટ થયેલી છોકરીઓની સંખ્યા આંગળીના વેઢે ગણાય તેટલી છે. એનું મૂળ કારણ નબળી આર્થિક પરિસ્થિતિ, અભ્યાસ પ્રત્યે સમાજ અને કન્યાઓની ઉદાસી અને લગભગ સોળ સત્તર વર્ષની ઉંમરે કન્યાઓને પરણાવી દેવાનો વણલખ્યો સામાજિક નિયમ જવાબદાર ગણી શકાય.

છતાં સિત્તેરના દશકમાં સ્વરાજ ફળિયાથી ચંપાબહેન દયાળજી ગ્રેજ્યુએટ થયાં અને વાઘાફળિયાથી રમાબહેન ભગવાનદાસ એમ.. થયાં. 1973માં તળાવ ફાળિયાથી મંજુલાબહેન છોટુભાઈએ બી.એસ.સી. (માઈક્રોબાયોલોજી) કર્યું. તેમનાંથી મોટાં બહેન સુશીલાબેને એમ..બી.એડ. કર્યું હતું.  એંસીના દશકમાં તળાવફળીયાથી દમયંતીબહેન અને સ્વરાજફળીયાથી પ્રિતીબહેન અમૃતભાઈ પોષ્ટગ્રેજ્યુએટ થયાં. પ્રિતીબહેન એમ..માં સાયકોલોજી વિષયનાં ગોલ્ડ મેડાલીસ્ટ છે. 2021ના વર્ષમાં શિવાની શશીકાંત B.Sc. Hort કર્યું. વીણાબહેન બાબુભાઈએ ડિપ્લોમા એન્જીનીયરીન્ગ કર્યું અને બીલીમોરા આઈ.ટી.આઈ.માં શિક્ષિકા તરીકે સેવા બજાવે છે. આ ઉપરાંત હવે તો ઘણી કન્યાઓ ગ્રેજ્યુએટ થઇ છે. પરદેશ જઈને પણ અભ્યાસ કરે છે. દાંડીની બહાર નવસારી, સુરત, વડોદરા, અમદાવાદ, મુંબઈ વગેરે સ્થળોએ રહીને કેટલીક કન્યાઓ ગ્રેજ્યુએટ થઇ છે પરંતુ તેમનો અહીં સમાવેશ કરેલ નથી. ( આ વિગતો અધૂરી હોવાની ઘણી સંભાવના છે. જેમની પાસે સાચી માહિતી હોય તેમને મારા બ્લોગમાં અથવા ઈમેલ કે ફોન દ્વારા માહિતી મોકલી આપવા ખાસ વિનંતી છે.)

નરસિંહભાઇ નાનાભાઈ એમના પુસ્તિકા મારાં સંભારણાં માં જણાવે છે કે એમનાં ધર્મપત્નિ ગંગાબહેન જલાલપુરથી બદલી કરી પ્રાથમિક શાળા દાંડીમાં હાજર થયાં ત્યારે દાંડીને પ્રથમ મહિલા શિક્ષિકા મળ્યાં અને તે પણ દાંડીના જ પુત્રવધૂ !

 ત્યારબાદ દાંડી શાળામાં બીજાં બે, શારદાબહેન સોમભાઈ અને જમુબહેન નારણભાઇ નામે મહિલા શિક્ષિકા આવ્યાં જે પણ દાંડીનાં પુત્રવધુ હતાં.

દાંડીની દીકરીઓ પણ આ બાબતમાં પાછળ પડી નથી. વાઘાફળીયાથી પાર્વતીબહેન નારણભાઇ, મણિબહેન સોમાભાઈ, ભાનુબહેન સોમાભાઈ, પ્રભાબહેન ડાહ્યાભાઈ તથા તળાવ ફળિયાથી કાન્તાબહેન છીબાભાઈ, આઝાદ ફળિયાથી પાર્વતીબહેન મોતીભાઈ અને દેસાઇફળીયાથી રુક્ષ્મણીબહેન (દયાળજીનાં પત્ની), પાનીબહેન મકનભાઈ, ભારતીબહેન ઉંકાભાઈ પ્રાથમિક શાળાનાં શિક્ષિકા બન્યાં.

આ ઉપરાંત સ્વરાજફળીયાથી પ્રિતીબહેન અમૃતભાઈ પટેલ હાયર સેકન્ડરી સ્કૂલમાં શિક્ષિકા તરીકે જોડાઈને હાલમાં જ નિવૃત્ત થયાં. હમણાં જ નિવૃત્ત થયેલ ભારતીબહેન પ્રાથમિક શાળા દાંડીમાં આચાર્યા હતાં. પરંતુ કમનસીબે હવે છેલ્લાં ત્રીસ વર્ષથી કોઈ બહેને આ દિશામાં જવાનું વિચાર્યું નથી. અથવા જઈ શક્યાં નથી. બાકીના બધાં નિવૃત્ત થયાં છે અને ઘણાંનો તો સ્વર્ગવાસ થઇ ચુક્યો છે.

વીસમી સદીના સાતમા દસકામાં સરકારી નિયમોનુસાર દાંડીમાં સરપંચ પદ મહિલા માટે અનામત આવ્યું. ગ્રામજનોની લાગણીને માન આપીને ગાંધી ફાળિયાથી કમળાબહેન છોટુભાઈ એ સેવા માટે તૈયાર થયાં અને પાંચ વર્ષ સુધી સેવા આપી. આમ ગાંધી ફળિયાએ ગામને પ્રથમ મહિલા શિક્ષિકા અને પ્રથમ મહિલા સરપંચ આપ્યાં.

દયાળજીભાઈ અને રુક્ષ્મણીબહેન અલિયાબાડાથી નિવૃત્ત થઈને આવ્યાં પછી એ દંપતીએ ગામનાં જાહેર કામોમાં રસ લેવા માંડયો. રુક્ષ્મણીબહેન સરપંચ બન્યાં. કલાબહેન વિનુભાઈ પણ પાંચ વર્ષ માટે સરપંચપદે સેવા આપી. હાલ નિકિતાબહેન રાઠોડ ચોથાં અને પ્રથમ શીડયુલ ટ્રાઈબ મહિલા સરપંચ છે. ઉપસરપંચ પણ પદે પણ મહિલા જ આરૂઢ છે.

સી ફોર્ડના બંધ તૂટ્યા અને ખેતી બંધ થઇ તે પહેલાં અને ખેતી સહકારી મંડળી અસ્તિત્વમાં આવી, બંધો નવેસરથી બન્યા, પાછી ખેતી શરુ થઇ ત્યારથી મહિલાવર્ગનો પુરુષવર્ગને પુરેપુરો સાથ મળતો રહ્યો છે. 1972માં દૂધ ઉત્પાદક સહકારી મંડળી બન્યા પછી સ્ત્રી-પુરુષના સહકારમાં પણ વધારો થયો.

ડાંગરની ક્યારીમાં ખોદકામ, અન્ય માટીકામ, છાણીયા ખાતરનું કામ, વાવણી, ફેરરોપણી, કાપણી, ઝુડણી, ટ્રાન્સપોર્ટેશન વગેરે દરેક કામોમાં સ્ત્રીઓ જોતરાઈ છે. પશુપાલનમાં લીલાઘાસના મોટા મોટા ભારા બાંધી, માથા પર ઉઠાવી, કેડ સમા પાણીમાં એકાદ બે કિલોમીટર ચાલીને લાવવાનું અતિભારે કામ મહિલાવર્ગે હોંશે હોંશે કર્યું છે.

પૂર્ણાનદી જ્યાં દરિયાને મળે છે એ વિસ્તારને દાંડો કહેવાય છે. ત્યાંથી આલ (ખારી ચાર) તથા તિવાર (મેન્ગ્રોવ- સ્થાનિક ભાષામાં તવરાં) કાપીને તેના લગભગ ત્રીસ પાંત્રીસ કિલો વજનના ભારા કાદવવાળા રસ્તે ચાલીને લાવનાર દાંડીની શક્તિશાળી મહિલાઓ જ હતી. દરિયાની ભરતીનો સમય જોઈને હાથમાં જુવારનો વાસી રોટલો અને વાસી શાક અથવા મેથિયું અથાણું લઇ ચાલતાં- ચાલતાં, ખાતાં- ખાતાં દાંડા સુધી જવાનું અને ભારો ચાર લઈને આવવાનું કેટલું કઠિન હતું  તે તો તેઓ જ જાણે. જવા આવવાનું છ કિલોમીટર અંતર થાય ! પણ એ વાસી રોટલો ખાવામાં એમને જે આત્મસંતોષ મળતો અને જઠરાગ્નિ તૃપ્ત થતી તે કદાચ આજના પીઝા, બર્ગર અને બુફે લંચ કે ડિનર કરતાં અનેક ઘણો વધારે હતો.

સાચા અર્થમાં દાંડીની મહિલાઓએ પુરુષો સાથે ખભેખભા મિલાવીને કામ કર્યું છે. આવું છેક 1985 સુધી ચાલ્યું. પછી ધીરે ધીરે ઘટતું ગયું. આજે આટલું હાર્ડવર્ક કરવા કોઈ રાજી નથી.

હાલ દરિયાકિનારા ઉપર અને સોલ્ટ મેમોરિયલની સામે નાના નાના સ્ટોલ, વાહન પાર્કિંગ વગેરે સ્મોલ બિઝનેસમાં વુમન પાવર જોવા મળે છે. અને મ્યુઝિયમમાં કેટલી બધી બહેનો પોતપોતાની લાયકાત મુજબ કામ કરીને પોતાના કુટુંબનું ભરણપોષણ કરી રહી છે. શાકભાજીની લારી ચલાવતાં વૈશાલીબહેન અન્ય સ્ત્રીઓ માટે પ્રેરણા બની શકે છે.

            દાંડીની સ્ત્રીઓએ ઝીલેલું બીજું દારુણ દુઃખ તે મીઠા પાણીંની તંગી. ગામ વસ્યું ત્યારથી આ ભારે મોટો પ્રશ્ન હતો. વર્ષો સુધી ગામમાં એક જ કૂવો હતો. તેમાં પણ મીઠા પાણીનું નાનકડું ઝરણું હતું. કુવામાં ઘડો ડૂબે એટલું પણ પાણી પણ થતું નહીં આથી લોટા વડે બેડું ભરવું પડતું. ઘણીવાર રાતે કે ખુબ વહેલી પરોઢે જાવ તો એકાદ બેડું પાણી મળે !

            વર્ષ 1964 પછી મટવાડથી પાણી મળવાની શરૂઆત થઇ પછી પણ રાહત તો ન જ મળી. એક તો પાણી ઓછું આવે અને તે પણ ઓછા સમય માટે ઓછા દબાણથી આવે. વર્ષ 1995 પછી ગામને આ બાબતે રાહત થઇ. સ્ત્રીઓના સૌથી વધુ ઝગડા ટાંકી કે સ્ટેન્ડપોષ્ટ (જાહેર નળ) આગળ થયા.

પહેરવેશ

બસો અઢીસો વરસ પહેલાં દાંડીની મહિલાઓનો પહેરવેશ આદિવાસી પ્રજાને મળતો આવતો હતો. આમ પણ અતિભારે વરસાદનો વિસ્તાર, દરિયો કિનારો, રસ્તાનો અભાવ, કાદવ અને કીચડમાંથી ચાલવાનું અને ઉપરથી ગરીબી. આવા સંજગોમાં મહારાષ્ટ્રીયન ઢબનો ગુજરાતી પહેરવેશ હતો. જેને સામાન્ય ગુજરાતી ભાષામાં કાછડો કહેવામાં આવે છે. પગમાં ચાંદી, રૂપું વગેરે ધાતુનાં કડાં પણ વપરાશમાં હતાં.

જુના લોકો જે વેશ પહેરતાં તેનાં સ્થાનિક ભાષામાં નામ હતાં ફડક, સીમસાડી, લૂગડું, કાછડી, મોહન ઇત્યાદિ. તે હવે લગભગ નામશેષ થયાં છે. કાદવમાં કપડાં ઊંચાં કરીને ચાલવાનું ફાવે નહીં એટલે ઘૂટણ સુધીનો ભાગ ખુલ્લો રહે એવા પ્રકારે કાછડો મારવામાં આવતો. આ પહેરવેશ જોઈને ઉમાશાંકર જોશીએ કહેલું; ‘સાત વાર લાંબી સાડી, તો યે અડધી ટાંગ ઉઘાડી.’

દાંડીકૂચ પછી ગામમાં ગાંધીવિચાર અને સ્વદેશીને ખુબ પ્રોત્સાહન મળ્યું. ખાદી લોકપ્રિય બની. મહિલાઓએ પણ ખાદીનાં કપડાં અપનાવ્યાં. કેટલાંક બહેનોએ ભાઈઓના ખાદીની બ્લ્યુ હાફપેન્ટ અને સફેદ શર્ટની નકલ કરીને પોતાને માટે ખાદીની બ્લ્યુ હાફપેન્ટ અને બ્લાઉઝ ઉપર સફેદ ઓઢણી ઓઢવાનું શરુ કર્યું. આ નવી ફેશન કહેવાઈ અને બહેનોને તે માફક પણ આવી. આ બહેનો સુધારાવાદી ગણાયાં.

આ ડ્રેસ જોઈને દાંડીની મુલાકાત વેળા કાકાસાહેબ કાલેલકર ખુબ જ પ્રભાવિત થયેલા. એમણે કાંઠાની બહેનોને પશ્ચિમની સ્ત્રીઓ જેટલી આધુનિક ગણાવેલી.

આઝાદી પછી ધીમે પગલે સાડીનો પગપેસારો થયો. સાડીને ત્યારે છોગો કે સૉગો નામ મળેલું. કુંવારી છોકરીઓ ચણીયો અને ઓઢણી ઓઢતાં. જયારે સ્કર્ટ આવ્યા ત્યારે વડીલોએ વિરોધ કરેલો. પરંતુ હંમેશાં ફેશનની જીત થતી રહે છે.

1980 સુધી બ્લ્યુ હાફપેન્ટ વાળા એકલદોકલ બહેનો જોવા મળતાં. પછી સ્કર્ટ, સાડી સાથે પંજાબીડ્રેસ અને પેન્ટ, શર્ટ, ટીશર્ટનો વપરાશ ચાલુ થઇ ગયો. હવે એકવીસમી સદીમાં સાડી પણ અદ્દશ્ય થવા લાગી છે. ટૂંકમાં દાંડીની મહિલાઓ પહેરવેશની બાબતમાં દુનિયાથી પાછળ નથી.

વ્યક્તિ વિશેષ

ગામનાં લોકો હજુ જુનવાણી વિચારસરણીને પકડી રહ્યાં હતાં ત્યારે વાઘાફળીયાથી સોમભાઈ ડાહ્યાભાઇની દીકરી ભારતી નૃત્યમાં નામના મેળવી રહી હતી. નાની ઉંમરમાં એકલી સુરત જઈ નાથુરામ પહાડે પાસે ક્લાસિકલ નૃત્ય શીખી. પછી મુંબઈમાં પણ ક્લાસીસ કર્યા. એના સમયમાં 1967 થી 1977 સુધી આખા કાંઠા વિભાગમાં એ એકલી છોકરી હતી જેણે શોખ માટે નૃત્યની પસંદગી કરી હતી. એમાં એ પોતાનું કેરિયર પણ બનાવી શકી હોત. પરણીને અમેરિકા ગયા પછી ત્યાં એણે નૃત્યના ઘણા સ્ટેજ પ્રોગ્રામ કરેલા.

દાંડીની દીકરી પારુલ દાંડીકર ભૂમિપુત્ર સામાયિકની સંપાદિકા છે. દાંડીની એક પુત્રવધુ, સુરત અને આહવા આકાશવાણીના સુરત અને આહવા એફ.એમ. કેન્દ્રના ઉદઘોષિકા છે.

થોડી યુવતીઓ, જરૂરી પરીક્ષાઓ પાસ કરી, પોતાની રીતે કેનેડા, ન્યુઝીલેન્ડ, ઇંગ્લેન્ડ વગેરે દેશોમાં અભ્યાસ અથવા નોકરી ધંધા અર્થે જવામાં સફળ રહી છે.

સ્ત્રી જયારે પોતાની સામાજિક અને માનસિક સીમાઓના બંધનને તોડીને પોતાના પ્રચંડ તેજને પ્રભાવે ઉભી થાય છે ત્યારે એની શક્તિ, એના તેજની સામે આ જગત ઝાંખું પડી જાય છે.

 

 

No comments:

Post a Comment