31. જતાં જતાં
અહીં એવી વાતો
કે બાબતોને જગ્યા આપવી છે, જેનું ઇતિહાસમાં ખાસ મહત્વ ન પણ હોય શકે. છતાં છેક નજરઅંદાજ કરવું
પણ યોગ્ય ન ગણાય. કેટલીક બાબતો ફની છે. કેટલીક ખરેખર માહિતી છે.
લગભગ 1973-74 નું વર્ષ હશે. એક બળદને હડકાયું કૂતરું કરડયું. હડકવાનો રોગ અતિ ગંભીર ગણાય. એકવાર થાય પછી એનો કોઈ ઈલાજ નથી. નવસારીથી આરોગ્યખાતાંના
માણસોએ આવીને ગામનાં તમામ કૂતરાંઓને ઝેર ખવડાવ્યું. થોડા સમય માટે ગામમાં કોઈ પણ
સ્ટ્રીટ ડોગ ન રહયા. એક મોટો ખાડો ખોદી તેમાં એકસાથે અમારા ફળિયાનાં દસ કૂતરાંને અમે દફનાવ્યાં
હતાં.
ગામનું એકમાત્ર
દલિત કુટુંબ હજાણી દરગાહના કેમ્પસમાં રહેતું હતું. એમનાં વડીલ માતાજીનું નામ
કંકુબહેન. તેઓ ગામનાં યુવક મંડળ દ્વારા યોજાતી મીટિંગોની માહિતીનું પેપર લઈને આખા
ગામમાં ફરતાં. અને જે એ પેપર વાંચે તેની સહી કરાવતાં હું એમને ‘ગામ દાંડીનાં માહિતી પ્રસારણ મહિલા કર્મી ગણતો’. હું એમને એક સવાલ કાયમ કરતો; "કંકુબહેન, કેટલી ઉમર તમારી?" અને જવાબ મળતો; "હશે, એકસો બસો".
સિત્તેરના
દશકમાં આફ્રિકાથી આવેલ મટવાડ ગામના એક વડીલ તરબૂચ વેચવા માટે પોતાનું સ્ટેશન વેગન
લઈને આવતા. તેઓ એક ગીત ગાતા જેમાં બાળકોને બહુ મઝા પડતી.- એક ખાય, બીજાનું મન થાય, ત્રીજો પૈસા લેવા જાય, ચોથો માઈને તેડવા જાય, પાંચમો કૂદી કૂદીને ખાય.
એક ફેરિયો
વાળમાં નાંખવાનું તેલ વેચવા આવતો. એ તેલનું નામ ધૂપેલ હતું. કોઈ બે કે ત્રણ જાતનાં
તેલનું એ મિશ્રણ હતું.
એક મુસ્લિમચાચા - ફેરિયા આવતા. તેઓ બૂમ મારતા - લીખ્યા વાળો, પીખ્યા વાળો, કંકુની દાબડી વાળો, એકડિયાંની ચોપડી વાળો.
ક્યારેક
સારંગીવાળો આવે, ક્યારેક સ્ટ્રીટ જાદુગર આવે, કોઈવાર જોષી પણ આવી ચડે. શાકભાજી, બિસ્કિટ, ચણા-દાણા, ખમણ, કપડાં, કાપડ, ચાદર વગેરેના ફેરિયાઓ આવતા રહેતા. મદારી આવે અને માંકડા પાસે ખેલ કરાવે તેમાં
અમને બહુ મઝા પડતી.
વર્ષ 1970-71 ના શિયાળામાં, રોટરી ક્લબ નવસારી તરફથી, વિનમૂલ્યએ કાકડા (ટોન્સિલ) ની સર્જરીનો કેમ્પ
યોજાયો. વિનય મંદિરના જુના મકાનને જ ઓપરેશન થીએટર બનાવી દીધું. મારા ટોન્સિલની
સર્જરી એમાં થયેલી. હું એ કેમ્પનો પ્રથમ પેશન્ટ હતો.
વર્ષ 1985 માં આંખોના મોતિયા અને 1992 માં દાંત માટે પણ કેમ્પ યોજાયેલા. તેમાં પેશન્ટની
સર્જરી નવસારીમાં થયેલી. પણ બંને વાર એનું કેન્દ્ર વિનય મંદિર જ હતું.
વર્ષ 1971ના ઓક્ટોબર - નવેમ્બર મહિનામાં, દિવાળી પછી, ગામમાં ‘દારૂ છોડો’ અભિયાન શરુ થયેલું. દેસાઈ ફળિયાના મગનભાઈ
કાનજીભાઈની આગેવાનીમાં આ સારું ગણાય એવું અભિયાન હતું. દરેક ફળીયામાં વારાફરતી રાત્રીસભાઓ યોજાઈ. યુવાનોએ દારૂ ન પીવાના અને વેચનારાઓએ ન વેચવાના
સોગંદ લીધા. પરંતુ એકાદ મહિનાની અંદર જ આ તમામ સોગંદ તૂટી ગયા. અને પછી દારૂનું
દુષણ વધુ પ્રમાણમાં પ્રસરી ગયું. ગામના અનેક પુરુષો અને ખાસ કરીને યુવાનો એના ખપ્પરમાં
હોમાઈ ગયા.
ગામમાં બીડી અને
સિગારેટના સ્મોકર ઘણા ઓછા છે. પરંતુ તમાકુ અને
ગુટખાના વ્યસનીઓની સંખ્યા ચિંતાજનક હદે વધતી જાય છે. જે દેશમાં ધનની લાલચે અમિતાભ બચ્ચન, અજય દેવગણ, અક્ષયકુમાર, સુનિલ ગવાસ્કર, વીરેન્દ્ર સહેવાગ, કપિલદેવ વગેરે સેલિબ્રિટી જ એની જાહેરાત કરતી
હોય, ક્રિકેટ મેચની સ્પોન્સર પણ આવી જ કંપનીઓ હોય
ત્યાં એના સેવનનું પ્રમાણ વધે જ એમાં કશી નવાઈ ન કહેવાય.
ગામમાં અને
સમગ્ર કાંઠામાં ક્રિકેટનું કથળેલું ધોરણ પણ ચિંતા ઉપજાવે એવું છે. યુવાનો શારીરિક
શ્રમ કરાવતી રમતોને બદલે મોબાઈલમાં જ રચ્યા પચ્યા રહે છે. ચાલવાનું તો લગભગ ભુલાઈ
જ ગયું છે. બે પાંચ મિનિટના વોકિંગ ડિસ્ટન્સ પર જવા માટે પણ મોટર બાઇકનો ઉપયોગ થાય
છે.
દરિયા કિનારાના
ધોવાણને રોકવા માટે જંગલ ખાતાં તરફથી ઉછેરેલ બાવળ અને શરૂનાં ગેરકાયદે લાકડાં
કાપવાનું વર્ષોથી ચાલુ છે. એક સમયે શરુનાં ઝાડને લીધે શંકુન્દ્રમ જંગલ જેવો આભાસ
થતો. તમામ શરૂનાં ઝાડ સ્થાનિક વીરપ્પનો (લાકડાંચોર) ને કારણે નામશેષ થયાં. અમુક લોકોએ તાડનાં છટીયાં (પાન ) કાપી લાવી પોતાનાં છાપરાં અને કોઢારમાં
ઉપયોગમાં લીધાં. વારંવાર પાન કાપવાથી તાડ પણ ગયા. ગાંડા બાવળ પોતાની વિપરીત પરિસ્થિતિમાં પણ ઉગી
નીકળવાની અને ઉગ્યા પછી ટકી જવાની વિશેષ શક્તિને કારણે ટકી બચી ગયા છે. હવે તો ઘરે ઘરે ગેસ લાઈન આવી ગઈ હોવા છતાં પણ
લાકડાંની ચોરી અટકતી નથી.
No comments:
Post a Comment