Sunday, April 6, 2025

ઐતિહાસિક દાંડી ગામનો પરિચય - 24 રમત ગમત

 

24. રમત ગમત

ગામની સ્થાપના થઇ હશે ત્યારથી બાળકો કોઈક ને કોઈક પ્રકારની રમતો જરૂર રમ્યાં હશે. પરંતુ એ રમતોના કોઈ રેફરન્સ મળતા નથી. દાંડીકૂચ પછી જન્મેલાં બાળકો એટલે ધીરુભાઈ હીરાભાઈ, સોમભાઈ ડાહ્યાભાઈ, વલ્લભભાઈ ભાણાભાઈ વગેરેના સમયથી માહિતી ઉપલબ્ધ છે.

એમની રમતોમાં દેશી રમતોનું પ્રાધાન્ય હતું. જેમાં લાંબી દોડ, ટૂંકી દોડ, ઊંચા કુદકા, લાંબા કુદકા,  કોથળા કૂદ, ભાલા ફેંક, ગોળા ફેંક, કબડ્ડી, ખોખો, લંગડી, આટાપાટા વગેરે ગણાવી શકાય.

નવસારી લુણસીકૂઈના મેદાનમાં યોજાતા ઓલિમ્પિકમાં દાંડીના ભાઈ-બહેનો ઉત્સાહભેર ભાગ લેતાં. ઇનામો જીતતાં. સાબિતીરૂપ વલ્લભભાઈ ભાણાભાઈના કુટુંબ પાસે આવાં જૂનાં પ્રાણપત્રો છે.

વિનય મંદિર દાંડીમાં જ્યાં સુધી અજીતભાઈ નામના રમત ગમતના શિક્ષક હતા ત્યાં સુધી ક્રિકેટ અને ખોખોની રમતમાં જિલ્લા અને રાજ્ય કક્ષાએ દાંડીનું નામ ગાજતું રહેતું.

હવે ભુલાઈ ગયેલી કેટલીક દેશી રમતો, જે હું પણ રમ્યો છું, તેને યાદ કરી લઈએ. લખોટી, લાખોટા અને લખોટાની ઘણી રમતો હતી. ભમરડાની રમતમાં અમારા જ કોક મિત્રનો ભમરડો તોડવાની મઝા લેતા. ગિલ્લી-દંડા, સાત તાળી, સાત ઠીકરી, ખીલો, કબડ્ડી, ગુલ્લો રમવાની ખુબ મઝા આવતી. ઉપરાંત સંતાકૂકડી (થપ્પો) જેવી બાલરમત પણ હવે કોઈ રમતું જણાતું નથી.

હવે નવા જમાનાની નવી રમતો છે. વિડીયો ગેમ અને ઓન લાઈન ગેમ રમાય છે. જે અમારા જેવા વીસમી સદીના માણસોને તો આવડતી પણ નથી.

વોલીબોલ

ગામમાં કદાચ ક્રિકેટ અને વોલીબોલનું આગમન એક સાથે જ થયું હશે, પરંતુ શરૂઆતના સમયમાં ક્રિકેટની સરખામણીમાં વોલીબોલની રમત તરફ વધારે ઝોક રહ્યો હતો.

ધીરુભાઈ યુવાન હતા ત્યારે તેઓ ગામમાં વોલીબોલ રમતા. એક વાર બોલ ફાટી જતાં યુવાનોએ રમત ગમત મંડળના મંત્રી પાસે બીજા બોલની માંગણી કરી. મંત્રીજીએ નવા બોલ માટે નાણાં તો ન જ ફાળવ્યાં, ઉપરથી કહ્યું કે; “આમ વરસમાં જ બોલ ફાડી નાંખવાના હોય તો લાકડાંના બોલથી રમો.

દાંડીની વોલીબોલની ટીમ કરાડી અને આવડા ફળિયાની ટુર્નામેન્ટ રમવા જતી, વિનય મંદિરમાં આ રમત રમાતી રહી છે ખરી.

સાયકલ સ્પર્ધા

મહાત્મા ગાંધીજીના જન્મદિન બીજી ઓક્ટોબર 1971ના રોજ સૌરાષ્ટ્રના દૈનિકપત્ર ફુલછાબના પ્રયાસોથી પોરબંદરથી દાંડી સુધીની 1050 કિલોમીટરની સાયકલ સ્પર્ધાનું આયોજન થયું. સમગ્ર ભારતમાં આટલી લાંબી સાયકલ સ્પર્ધા પ્રથમ વાર યોજાઈ હતી. પાંચ દિવસની આ સ્પર્ધા છઠ્ઠી ઓક્ટોબરે દાંડીમાં પુરી થતી હતી. દરરોજ સમાચારપત્રોમાં આ અંગેના સમાચારો આવતા. આથી અમારા દિલમાં ઇંતેજારી અને કુતુહલ વધતું જતું હતું.

અષ્ટગામ ભુલાફળિયાના જયંતીભાઈ દેવાભાઇએ પ્રથમ ક્રમ મેળવ્યો. પછી વધુ ત્રણ વર્ષ સુધી તેનું આયોજન થયું. એ ત્રણે વર્ષ દરમ્યાન ભાવનગરના કાનાભાઇ ભીમાભાઇ રબારી પ્રથમ ક્રમે આવ્યા. બીજા વર્ષે દાંડી વાઘાફળીયાના શાંતુભાઇ ભગવનદાસે પણ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જો કે તેઓ પ્રથમ દસ માં પોતાનું સ્થાન મેળવી શકેલા નહીં. પરંતુ 1050 કિલોમીટર સાયકલ ચલાવવી એ કંઈ જેવી તેવી વાત ન ગણાય.

ત્રીજા વર્ષે પાંચલીફળીયાના છીમાભાઈ ધીરજભાઈ અને દેસાઇફળિયાના ગીરીશભાઈ  ગોસાંઈભાઈએ સ્પર્ધામાં ભાગ લેવાની હિંમત કરી. તેમાંથી ગીરીશભાઈ દસમા ક્રમે આવ્યા. દાંડી  ના લોકો એ તો પ્રથમ ક્રમ મેળવ્યો હોય એટલોજ આનંદ લીધો.

આ સાથે ગામ અને કાંઠા વિભાગને રમતનું નવું ક્ષેત્ર મળ્યું. ઉકાઈ થી દાંડી, નવસારી થી દાંડી, ચાર રસ્તા થી દાંડી અને સામાપુર થી દાંડી જેવી અનેક સાયકલ સ્પર્ધાઓ યોજાઈ. જેમાં આવડા ફળિયાના વિનુભાઈ ધાણી, દાંડીના પ્રવીણભાઈ છીકાભાઈ વગેરે વિજેતા બનતા રહ્યા.

પરંતુ ચાર પાંચ વરસમાં આ ઉત્સાહ ઓસરી ગયો. સાયકલ સ્પર્ધાઓ બંધ થઇ ગઈ.

 

ક્રિકેટ

દાંડીમાં ક્રિકેટની શરૂઆત કોણે, ક્યારે અને કેવી રીતે કરી એનો કોઈ ઇતિહાસ જડતો નથી. દેસાઈ લોકો અથવા નવસારી તરફ ભણવા ગયેલા વિદ્યર્થિઓ ગામમાં ક્રિકેટ લઇ આવ્યા હોય એવું લાગે છે.

પહેલી ક્રિકેટ સુતરના ગૂંથેલા બોલ અને લાકડામાંથી બનાવેલ બેટ વડે રમાઈ હશે. આવા બોલ અને બેટનું ચલણ 1975 સુધી હતું. જો કે તે પહેલાં ટેનિસ બોલ અને સીઝન બોલની ક્રિકેટ શરુ થઇ ચુકી હતી.

ગામનાં દરેક ફળિયાનાં છોકરાઓ પાસે પણ ટેનિસ ક્રિકેટની ટીમ હતી. દિવાળી પછી અમે છોકરાઓ ગામ બહાર ખાંજણમાં મેદાન બનાવી રમતા. મારો દાખલો આપું તો, કાળા ફળીયા અને વાઘા ફળીયા વચ્ચે દરેક વીક એન્ડમાં બે મેચ રમાતી. એક દિવસ અમે, કાળા ફળીયા વાળા, વાઘા ફળિયાના મેદાનમાં જઈએ, બીજા દિવસે તેઓ અમારા મેદાનમાં આવે. અમ્પાયરીંગના મુદ્દે અવશ્ય ઝગડા થાય.

દાંડી ગામની ક્રિકેટ ટીમ પાસે અલગ અલગ સમયે ત્રણ જુદી જુદી જગ્યાએ મેદાન હતાં. હાલ છે તે રાધાકૃષ્ણ મંદિર અને વિનય મંદિરની વચ્ચે ગ્રાઉન્ડ, બાગ અને આઝાદફળીયા ની બહાર. આ મેદાનો ઉપર કાંઠાના વિવિધ ગામોની ટીમ સામે દાંડી રમતું. મોટે ભાગે એક દિવસમાં બંને ઇનિંગ પુરી થઇ જતી. પછી ધીરે ધીરે રમતનું સ્તર સુધરતાં એક ઇનિંગ પણ માંડ પુરી થતી.

ક્રિકેટ બેટ ખુબ જ વજનદાર રહેતાં, ઉપરથી તેને ખાસ કેમિકલનું આવરણ ચઢાવેલું રહેતું. દેશી ભાષામાં તેને ચરબીવાળું બેટ કહેવાતું. ગ્લવ્ઝ અને પેડસની ક્વોલિટી પણ ઘણી ઉતરતી કક્ષાની હતી. અડધી જ પીચ બનતી અને અડધી કારપેટ પથરાતી. આર્થિક પરિસ્થિતિ એટલી ખરાબ કે ગામની ટીમ પાસે માત્ર બે બેટ હતાં. એક ખેલાડી આઉટ થઈને આવે, ત્યારે નવો ખેલાડી ટેનિસનું બેટ લઈને મેદાનમાં જાય. વચ્ચે બેટની અદલાબદલી થઇ જાય. અને ટેનિસ બેટ પાછું બહાર આવી જાય. સીઝન ક્રિકેટનાં ત્રણ સ્ટંમ્પ બેટીંગ સાઇડે રહે. બોલિંગ સાઇડે પીપરડીમાંથી બનાવેલાં સ્ટંમ્પ રખાતાં. ક્યારેક વધારે પવનની પરિસ્થિતિમાં બેલ્સ વિના જ રમત રમાતી.

વર્ષ 1972-73માં થોડાંક વર્ષોના વિરામ બાદ દાંડીની ટીમ મટવાડના મેદાનમા આર.નાના. ટ્રોફી રમવા ઉતરી. મછાડ સામે ઝીરો રન પર ત્રણ વિકેટ ગુમાવી. માંડ માંડ લગભગ 100 રન થયા. પરંતુ દાંડી ખરાબ રીતે હારી ગયું. મગનભાઈ કાનજીભાઈનું દિલ તૂટ્યું. પોતાના મોટાભાઈ સાથે મળીને પિતાજીના નામની કાનજીભાઈ નાનાભાઈ પટેલ એન્ડ સન્સ ક્રિકેટ રોલિંગ ટ્રોફી શરુ કરાવી. પહેલાં ત્રણ વરસ તેઓએ સ્પોન્સરશીપ રાખી. પછીથી રમત ગમત મંડળ દાંડીના નામની ટ્રોફી ચાલુ થઇ. જે હજુ સુધી ચાલુ છે. જો કે હવે એનાં રૂપ રંગ બદલાયાં છે.

દાંડી અને મટવાડમાં ફાયનલ મેચ ત્રણ દિવસ સુધી રમાતી. બંને મેદાનો ઉપર બરાબરની ભીડ જામતી. લગભગ 1979નું વર્ષ હશે. મટવાડના મેદાન ઉપર દાંડી અને મટવાડ વચ્ચે ફાયનલ મેચમાં દાંડી લગભગ હારી ચકયું હતું. આથી મોટાભગના દાંડીના પ્રેક્ષકો બસ પકડીને ઘરે આવી ગયા હતા. પરંતુ દિલીપભાઈ લલ્લુભાઇ અને જયંતીભાઈ જસમત ભાઈની છેલ્લી જોડીએ કેચના ચાર ચાર સરળ ચાન્સ મેળવીને ખૂટતા દસ રન બનાવી લીધા અને દાંડી વિજેતા બન્યું.

આ સમાચાર દાંડી પહોચતાં ભાગી ગયેલા પ્રેક્ષકો, બેન્ડ અને બ્યુગલ લઈને પગપાળા દાંડી આવતી વિજેતા ટીમને સત્કારવા સામાપુર સુધી આવી ગયેલા. હું વિજેતા ટીમ સાથે પગપાળા દાંડી આવેલો, દાંડીને વિજેતા થતું જોવાનું ચુકી ગયેલા મિત્રો ખુબ અફસોસ વ્યક્ત કરી રહ્યા હતા.

દાંડી-બોદાલી અને દાંડી-સામાપુર વચ્ચે પણ એક એક વાર અંપાયરિગના મુદ્દે ડિસ્પ્યુટ ઉભા થયેલા. ત્યારે ધીરુભાઈની દરમ્યાનગીરીથી બંને વાર દાંડીની ટીમ ફરીથી ફિલ્ડિંગ માટે મેદાનમાં ઉતરેલી. અને બંને વાર પ્રથમ દડે જ હરીફ ટીમના ખેલાડીને આઉટ કરીને જ મેચ જીતી ગયેલી. ધીરુભાઈની ધીરજની આ રીતે બે વાર કસોટી થયેલી. બંને વાર કુદરતે લાજ રાખી હતી. કારણ કે દાંડી હારે તો દોષનો ટોપલો ધીરુભાઈના માથે જ ઢોળાય એવી પુરેપુરી શક્યતા હતી.

અહીં ક્રિકેટીય સહકારની વાત પણ કરી લઉં. દાંડીના મેદાનમાં જયારે દાંડીની ટીમ રમવા ઉતરે ત્યારે બીજા ગામના અમ્પાયર બોલાવવા એવી પ્રણાલી હતી. તેમાં કરાડીથી મન્સુ પટેલ અને ગીરીશભાઈ, મટવાડથી કાંતિભાઈ ભાણાભાઈ અને કાંતિભાઈ ફકીરભાઈ, આવડાફળીયાથી ચંદુભાઈ અને મોહનભાઇ, સામાપુરથી દિનેશભાઇ અને પ્રવીણભાઈ વગેરે માત્ર એક સંદેશો મળવાથી અચૂક આવી જતા અથવા બીજા ને મોકલતા. બીજી પણ ઘણી વ્યક્તિઓ છે પણ હવે મને તેમનાં નામો યાદ આવતાં નથી.

સારી અને પોઝિટિવ વાતો સાથે એક કડવી વાસ્તવિકતાની પણ ચર્ચા કરવા જેવી છે. એક સમયે લગભગ 1972-73 થી 1985 સુધી દાંડીની ટીમ સુપર પાવર ગણાતી. જેનું મુખ્ય કારણ તે સમયે દાંડીના યુવાનોમાં બેકારીનું પ્રમાણ ઘણું વધારે હતું તે છે. બપોરબાદ યુવાનો પ્રેકિસ પ્રેક્ટિસ માટે મેદાનમાં આવી જતા. કાંઠા વિભાગનાં લગભગ તમામ ગામોમાંથી યુવાનો હીરા ઘસવાનું કામ કરતા. જયારે દાંડીમાંથી આ કામ કરનારા માત્ર બે કે ત્રણ માણસો જ હતા. અમે કોલેજમાં ભણતા, સાંજે શટલની બસમાં ઘરે આવીએ ત્યારે સામાપુર પછી હું અને ગૌતમ માત્ર બે જ પેસેન્જર હોઈએ એવા ઘણા દિવસો જતા. તે અરસામાં એક ચોક્કસ સમયે (ઇ.સ.1974-75 હોય શકે) સામાપુરથી 73 અને દાંડીથી માત્ર પાંચ માણસો ગલ્ફના દેશોમાં કામ કરતા હતા. આ ગણતરી ત્યારે ગામના વડીલોએ કરી હતી.

દાંડી ક્રિકેટની વાત આવે એટલે ઘણા નામો યાદ આવે. છતાં અહીં ત્રણ ખેલાડીઓનો સમાવેશ કરું છું જેને ઓલ ટાઈમ ગ્રેટ ક્રિકેટર ઓફ દાંડી ગણી શકાય. પ્રથમ વિનુભાઈ જસમતભાઈ અને બીજા ગીરીશભાઈ ગોસાંઈભાઇ અને ત્રીજા નારણભાઇ પરભુભાઈ.

જો કે આ ઉપરાંત બીજા અનેક સારા ક્રિકેટરો દાંડીમાં પેદા થયા છે. જે પૈકી દિલીપ પ્રભુભાઈ, દિનુ સુખાભાઈ, પ્રદીપ લાલભાઈ, અશોક જીવણભાઈ, મુકેશ વલ્લભભાઈ વગેરે ને ગણાવી શકાય પરંતુ સ્થળ સંકોચને કારણે એમની વિગતવાર માહિતી આપવી શક્ય નથી. 

વિનુભાઈ જસમતભાઈ : વિનય મંદિર દાંડીનો સ્કૂલ યુનિફોર્મ, બ્લ્યુ હાફપેન્ટ અને સફેદ શર્ટ પહેરીને, પોતાના જીવનની પ્રથમ મેચ રમાનાર, નવમા ધોરણના વિદ્યાર્થી, વિનુભાઈ જસમતભાઈ દાંડી ક્રિકેટના સુનિલ ગવાસ્કર કે સચિન તેંડુલકર હતા. દાંડી, ગારડા કોલેજ નવસારી, દક્ષિણ ગુજરાત યુનિવસિટી અને મફતલાલ મીલ નવસારીની ક્રિકેટ ટીમના તેઓ આધારભૂત બેટસમેન હતા. સી.કે.નાયડુ ટ્રોફીમાં રમવા માટે પસંદ કરાયા પરંતુ કમનસીબે અંતિમ ઇલેવનમાં સ્થાન ન મેળવી શક્યા. મફતલાલ મીલ છોડીને એક વાર ગલ્ફમાં પણ ગયા. ત્યાં તેમને ફાવ્યું નહીં અને પરત થયા. દાંડીના મેદાન ઉપર ફાઇનલ મેચમાં બોદાલી સામે ફટકારેલ 236 રન તેમનો ઉચ્ચતમ સ્કોર છે. બેટિંગ ઉપરાંત સારા ઓફ સ્પિનર પણ હતા.

ગીરીશભાઈ ગોસાઈભાઇ: લગભગ છ ફૂટની ઊંચાઈ ધરાવતો આ ખેલાડી સ્ટ્રોક પ્લેયર હતો. ગિરીશ બેટિંગ કરે એટલે હરીફ ટીમના ફિલ્ડર બાઉન્ડરી ઉપર ગોઠવાય જાય. ચોગ્ગા અને છગ્ગા મારવા એ ગિરીશ માટે ડાબા હાથનો ખેલ. નવસારીના લુણસીકૂઈના ગ્રાઉન્ડ ઉપર તેણે ફટકારેલી સિક્સરનો બોલ શરબતીયા તળાવ સુધી ગયેલો. વલસાડની આવાંબાઇ હાઇસ્કૂલની ટીમ સામે રમતાં વિનય મંદિર દાંડી વતી 136 રન ફટકારીને વિક્રમ કરેલો. મોન્ટ્રિઅલ કેનેડામાં સોળ સિક્સર ફટકારવાનો વિક્રમ પણ તેને નામે નોંધાયેલ છે.

નારણભાઇ પરભુભાઈ: દાંડીની વીસમી સદીના સાઠ, સિત્તેર અને એંસીના દસકનો ઉત્તમ ઓલરાઉન્ડર. એના બોલિંગ એક્શન સામે ડાઉટ હોવાને કારણે દાંડીથી આગળ વધી ન શક્યો. જો મનોજ પ્રભાકર અને શોએબ અખ્તર ઇન્ટરનેશનલ ક્રિકેટમાં બોલિંગ કરી શકતા હોય તો નારણભાઇ કાંઠામાં શા માટે નહીં ? પરંતુ એમના સમયમાં ક્રિકેટના નિયમો વધુ સખત હતા. વેટરન ક્રિકેટર તરીકે તેમણે સદી ફટકારી છે.

No comments:

Post a Comment