17. સગવડો
પ્રાથમિક સગવડો
ગામ હોય એટલે
કેટલીક પ્રાથમિક સગવડો હોવી જરૂરી છે. જેમાં ખાસ રસ્તા, કુવા
અને તળાવનો સમાવેશ થાય. પછીથી દુકાન, શાળા, દવાખાનું,
પોસ્ટ ઓફિસ, બેન્ક, બસ - ટ્રેન વગેરે વગેરેનું લિસ્ટ લંબાતું જ જાય.
પીવાના અને
વાપરવાનાં પાણી સિવાય ગામમાં વસવાટ શક્ય નથી. એટલે જયારે પણ ગામ વસ્યું હશે ત્યારે
લોકોએ પોતાની રીતે પીવાના પાણીની વ્યવસ્થા કરી જ હશે.
કૂવા
આઝાદી પહેલાંથી રણછોડભાઈના
કૂવા તરીકે ઓળખાતો ગામમાં મીઠા પાણીનો એક જ કૂવો હતો. તેમાં મીઠા પાણીનું નાનકડું ઝરણું વહે. ઘડો ડૂબે તેટલું પાણી પણ ભાગ્યેજ
ભેગું થાય. પનિહારી બેડાં ભેગો એક લોટો પણ લઇ જાય. લોટે લોટે બેડું ભરાય. રાત્રે
થોડું વધુ પાણી ભેગું થાય એ હિસાબે કેટલાક લોકો રાત્રે પણ બેટરી લઈને પાણી ભરવા
જાય.
બીજો કૂવો તે ટેકરી ઉપરનો હવાડાવાળો. આ પાણી
મીઠું નહિ પણ થોડી ખારાશ વાળું. રાંધવા માટે ચાલે એવું ખરું. વિદ્યાર્થીઓ ઉનાળાના
વેકેશનમાં આ બંને કુવા નિયમિત રીતે સાફ કરતા.
આ કૂવાની બાજુમાં જ ઢોરને માટે એક હવાડો બનાવેલો.
નામનું મહેનતાણું લઈને એક ભાઈ નિયમિતપણે ઢેંકુડી વડે આ હવાડો ભરતા. (એક બાજુ પાણી ભરવાનો ડબ્બો હોય અને બીજી બાજુ ઉચ્ચાલન માટે પથ્થર બાંધેલો
હોય એવા લાકડાના દેશી જુગાડ જેને ગુજરાતી ભાષામાં ઢેંકુડી કહેવામાં આવે છે.)
ગામનું પશુધન ઘણું મોટું. જેમાં મુખ્યત્વે ભેંસો
જ હતી. સવાર સાંજ ગામની ભેંસો અહીં પાણી પીવા આવે. આ દશ્ય પણ જોવા જેવું બની
રહેતું.
હાલ
જ્યાં અતિથિગૃહ છે તે જગ્યાએ પહેલાં એક દેસાઈનું ઘર હતું. એ દેસાઈએ એક કૂવો
ખોદાવેલો. એનું પાણી પણ પીવાલાયક તો ન જ હતું, પણ ઘરવપરાશ
માટે સારું હતું.
આ
ઉપરાંત ગામી તળાવમાં અને સ્વરાજફળીયાના રસ્તા ઉપર બે કુવા જોવા મળે છે. ગામી
તળાવના કુવા ઉપર તે 1948માં બન્યો હોવાની સાબિતીરૂપ તકતી છે. તેના લખાણમાં જણાવાયું છે કે; ‘આ કૂવો ધર્મના ભેદભાવ વિના સર્વ કોમ માટે ખુલ્લો
મુકવામાં આવ્યો છે’. આ બંને કુવા ગામ લોકોએ મીઠા પાણીની આશાએ
બંધાવ્યા હતા. વાઘા ફળીયા વાળાએ પણ એમના તળાવમાં એક કૂવો બનાવ્યો હતો. હજાણીના
કેમ્પસમાં તળાવને કાંઠે એક કૂવો હતો. આ કૂવાનું પાણી ગામલોકો 1989-90 સુધી વાપરતા. પછી કેમ્પસના આધુનિકીકરણ દરમ્યાન આ
તળાવ અને કૂવો બંને પુરી દેવામાં આવ્યા.
દાંડીમાં પાણીની આ તકલીફ જોઈ અન્ય ગામનાં
સ્થિતિપાત્ર કુટુંબો પોતાની દીકરીને દાંડી પરણાવતાં અચકાતાં.
ગામની રચના થઇ હશે ત્યારથી1966 સુધી સુધી
દાંડીએ પાણીના અભાવનો પ્રશ્ન વેઠયો છે. જે હજુ પણ સો ટકા ઉકેલી શકાયો નથી. અને તે
ઉકેલાવાના ચાન્સીસ પણ ઓછા છે. કેમકે પાણીનો વપરાશ અને ડિમાન્ડ વધતાં જાય છે સામે
સોર્સીસ ઘટતા જાય છે.
તળાવ
આઝાદી પહેલાંથી જ ગામમાં મુખ્ય બે તળાવ. નાનીદાંડીનો ગામીતળાવ અને
મોટીદાંડીનો દેસાઈતળાવ. આ બંને તળાવ નહાવા, લૂગડાં ધોવા, તથા ઢોરનાં પાણી પીવા માટે વપરાય.
ઉનાળો આવતાં સૂકાય જાય એટલે દર ત્રીજે ચોથે વરસે
એને ઊંડા કરવા પડે. યુવક મંડળ તરફથી ગામને જણાવવામાં આવે કે પાઘડી દીઠ ચાર કે પાંચ
બ્રાસ માટીકામ કરવું. (પાઘડી એટલે ઘર દીઠ સોળ વરસ કરતાં
મોટી ઉંમરની વ્યક્તિ. કારણ કે ત્યારે આ ઉંમરના પુરુષો માથે ફાળિયું બાંધતા કે
પાઘડી પહેરતા. એક બ્રાસ એટલે 100 ઘનફૂટ). ફળિયાંવાર તેની જવાબદારી સોંપાય, અને અચૂકપણે તેનું
પાલન થાય જ. અહીં સંપ, એકતા અને સહકારનાં દર્શન થતાં.
આ
ઉપરાંત આઝાદફળીયા, દેવાફળીયા
અને વાઘાફળીયા પાસે પણ તળાવો હતા જે હજુ પણ વપરાશમાં છે.
પૂલો :
બંધ બંધાતા પહેલાં એટલેકે 1950
પહેલાં દાંડીની ભૌગોલિક પરિસ્થિતિ બહુ તકલીફ ભરેલી હતી. ગામતળ પૂરું
થાય, ફળિયાનાં નાકેથી બહાર નીકળો એટલે કાદવ જ કાદવ.
ગામતરે જવાના બે રસ્તા. એક સામાપુર થઈને નવસારી
જવાનો. બીજો આટ થઈને ઓંજલ, બોરીફળીયા તરફ જવાનો. ગામમાં
પ્રવેશવાનો કે બહારગામ જવાનો મુખ્ય રસ્તો હજાણીવાળો. હજાણીથી સામાપુર જતાં બે
ખાડીઓ આવે. પહેલી ખાડી થોડી નાની, બીજી તેનાથી મોટી. યુવક
મંડળે તે બંને ખાડી પર લાકડાંના પૂલ બનાવેલા. એક અંદાજે 25 ફૂટનો અને બીજો 40
ફૂટનો. ત્રીજો પૂલ દેસાઈ ફળિયાના તળાવથી દરિયા કિનારાની વચ્ચે વહેતી ખાડી ઉપર. (આ ત્રણે જગ્યાએ હાલ ગરનાળાં છે.) દરિયા કિનારે જવા
માટે ફરજીયાત આ જ પૂલનો ઉપયોગ કરવો પડે. દર બીજા ત્રીજા વરસે પૂલનું સમારકામ કરવું
પડે. જેમાં તૂટેલાં, ખરાબ થઇ ગયેલાં લાકડાં બદલવાનાં હોય. આ
બધુજ ગામે પોતાના ખર્ચે કરવાનું. આ ત્રણેય પૂલોની સાચવવાની બધી જ જવાબદારી યુવક
મંડળની. સરકાર તરફથી કશી મદદ મળે નહીં.
દાંડીથી લગ્નની જાન સામાપુરવાળા રસ્તે થઈને મટવાડ, કરાડી, મછાડ, બોદાલી, કોથમડી, પેથાણ તરફ જવાની હોય તો હજાણીના નાકેથી
જોડા-ચંપલ હાથમાં લઈને સાડી, લેંઘા, ધોતિયાં
ઊંચાં કરી ખરડેલા પગે ચાલવાનું. આ કાદવીયા રસ્તામાં ચલાવાની પણ ખાસ રીત હોય છે.
એકેએક દાંડીકરને તે આવડે. અન્ય લોકો તો પાણી કાદવની પિચકારીથી કપડાં ખરડી નાંખે.
બે પૂલો પસાર કર્યા પછી સામાપુરનો રસ્તો શરુ થાય. ત્યાં સુધી તો
કાદવ નડે જ નડે. તે પછી સામાપુરના તળાવમાં પગ ધોઈ, જોડા-ચંપલ
પહેરી આગળની મુસાફરી કરી શકાય.
1948માં ગાંધીજીના અસ્થિ દાંડીના દરિયામાં પધરાવવાનો
પ્રોગ્રામ નક્કી થયો એટલે યુવક મંડળે ગામની મીટીંગ બોલાવી. તે સમયે રસ્તામાં કાદવ
થોડો સુકાયેલો. પગથી પણ પડેલી. છતાં ગામના વડીલોનો આગ્રહ હતો કે આવા ઐતિહાસિક
પવિત્ર પ્રસંગે લોકો કાદવમાં ચાલે તે આપણા ગામ માટે સારું ન કહેવાય આથી આખા રસ્તા
ઉપરનો કાદવ બાજુએ ખસેડી ચાલવા માટેનો સારો કોરો રસ્તો બનાવવો. અને ગામના
વિદ્યાર્થીઓની વનરસેનાએ એ રસ્તો બનાવી દીધો.
યુવક મંડળે બીજી એક હાકલ કરી. અને તે ખાસ બહેનોને: કે આટલા બધા માણસો માટે પીવાના પાણીની સમસ્યાના ઉકેલ માટે દરેક ઘરમાંથી
એક એક બેડું પાણી, લોટા સાથે પ્રાથમિક શાળાના ઓટલા ઉપર મૂકી
જવું. જેને જરૂર હશે તે પી લેશે. તમે માનશો ? એક એક ઘરેથી
પાણીનું બેડું મુકાયું. હારબંધ લાઈનમાં મુકાયેલાં સેંકડો બેડાંનું દશ્ય પણ ખુબ
આહલાદક લાગ્યું. આટલાં માણસો, આટલાં બેડાં અને લોટા, દેખરેખ રાખનાર કોઈ નહીં, અને તે છતાં એક પણ બેડું કે
લોટો ખોવાયો નથી !
આવી લાગણી, આવો વિશ્વાસ, આવી પ્રામાણિકતાના સદ્દગુણો વડે ગામ
શોભતું અને પંકાતું.
સ્વરાજ
ફળિયાથી સ્મશાન તરફ જવા માટે પણ ખાડી ઉપર લાકડાનો પુલ હતો. જયારે ડ્રેનેજ ખોદવામાં
આવી ત્યારે તેને આ પુલથી 50 ફૂટ જેટલી પશ્ચિમે ખોદી. 1980 પછી લાકડાનો એ પુલ ધીમેધીમે તૂટીને સમારકામને અભાવે નષ્ટ થઇ ગયો. અને
હવે તેની જરૂર પણ રહી નથી.
દેસાઈ ફળિયાના
તળાવથી દરિયા તરફ જવા માટે લાકડાનો એક પુલ વીસમી સદીના અંતમાં બનેલો પણ હવે તે
અસ્તિત્વ ધરાવતો નથી.
રસ્તા
ગામમાં
કોઈ જાહેર રસ્તો ન હતો. પગદંડીઓ હતી. બે વાડાની વચ્ચે રસ્તા હતા. નરસિંહભાઇ
નાનાભાઈ એમની પુસ્તિકા,
“મારાં સંભારણા”માં લખે છે કે; તેઓ પ્રાથમિક શાળા દાંડીમાં ભણતા ત્યારે સી.
ફોર્ડનો બંધ તૂટી ગયો હતો. અને ઉનાળામાં
દરિયાની મોટી ભરતી આવે ત્યારે દાંડી બે બેટમાં વહેંચાઈ જતું. આથી નાની દાંડીના
વિદ્યાર્થીઓને શાળામાંથી વહેલી રજા આપી દેવાતી. ટૂંકમાં તળાવફળીયાથી આઝાદફળિયા તરફ
જવાનો રસ્તો ન હતો.
વર્ષ 1940-41 માં ગામના લોકોએ જાત
મહેનતે બે પાળ બનાવી. એક તળાવ ફળિયાથી આઝાદ ફળિયા, અને બીજી નવા ફળિયાથી ટેકરી સુધી. આમ બે પાળ બનવાથી
બે પાળ વચ્ચેના ભાગમાં ભરતીના પાણી આવતાં અટક્યાં. અને પાળ ઉપર પર સરસ રસ્તા
બન્યા, અને આવવા જવાનો કાયમનો વ્યવહાર સરળ બન્યો. છતાં
ચોમાસામાં તકલીફ પડવાથી ટેકરીથી તળાવ ફળિયા અને આઝાદ ફળિયાના રસ્તાના જોડતો રસ્તો
પણ ગામ લોકોએ બનાવ્યો. ભરતી હોય ત્યારે લોકો દરિયાકાંઠે જઈ
શકતા નહીં, એટલે દરિયા જવા માટે ગામ લોકે ફંડફાળા અને
શ્રમયજ્ઞથી એક લાકડાનો પુલ બાંધ્યો હતો. સરકારે પાકા રસ્તા
બનાવ્યા ત્યાં સુધી બધા રસ્તાઓ પર પુલોની મરામત ગામ લોકો કરતા.
ગામમાં
પહેલીવાર રસ્તો બન્યો ત્યારે બે રાજમાર્ગ થયા. પહેલો સ્વરાજ ફાળિયાથી આઝાદ ફળીયા
અને બીજો વાઘાફળિયાથી વાયા ગાંધીફળીયા, દેસાઈ ફળીયા અને આઝાદ ફળીયા સુધીનો. આ બંને રસ્તા
ગ્રામપંચાતમાં રજીસ્ટર થયા.
દેસાઈ ફળિયાથી આઝાદ ફળીયા
તરફ જવાનો રસ્તો હતો જ તેને વ્યવસ્થિત બનાવાયો. સૈફીવીલાથી
ટેકરીને જોડતો સૈફુદ્દીન શેઠનો ખાનગી માલિકીનો રસ્તો હતો. ધીરે ધીરે તે ધોવાઈ રહ્યો
હતો.
ક્યારેક
યુવક મંડળ દ્વારા તો ક્યારેક ગ્રામપંચાયતના ખર્ચે રસ્તાનું સમારકામ થતું. માટીકામ
થતું. રેતી અને છારૂ પણ પથરાતું. અને પ્રસંગોપાત ગ્રામસફાઈ
થતી. તેમાં ગામની શાળા અવશ્ય જોડાતી.
તત્કાલીન
વડાપ્રધાન જવાહરલાલ નહેરુ,
ગાંધી સ્મારકનું ઉદઘાટન કરવા દાંડી આવ્યા ત્યારે, મટવાડ બંદર વાળા પુલનું પણ ઉદઘાટન કરતા ગયા. પછી દાંડી
સુધીનો રસ્તો બન્યો. આમ દાંડી રોડમાર્ગે દુનિયા સાથે જોડાયું. જિલ્લાપંચાયત
વલસાડ હસ્તકનો આ રોડ દાંડી-ઉકાઈ રાજ્ય ધોરીમાર્ગ બન્યો. આમ થવાથી તેને ડબલ લેન
કરવામાં આવ્યો. એકવીસમી સદીના પહેલા
દસકામાં તેને હેરિટેજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ જાહેર કરાયો. તેને NH64 નંબર મળ્યો.
1970 પછી ક્રમે ક્રમે આઝાદ
ફળિયામાં બહારની બાજુથી બે નવા રસ્તા બન્યા. દાંડીમાં રિંગરોડની યોજના હતી પરંતુ
કેટલાંક કારણોસર એ શક્ય ન બન્યું. હજાણીને
દાંડીરોડ સાથે જોડાતા બે રસ્તા બન્યા. તેમની તેમને જોડતો વાઘા ફળિયાનો રસ્તો પણ બન્યો.
વીસમી
સદીના અંતિમ દસકામાં દાંડી આટ સિંગલ લેન રોડ બન્યો. હાલ એ પણ ડબલ લેનમાં પરિવર્તિત
થયેલ છે.
હળપતિવાસને ગામ
સાથે જોડતો રસ્તો પણ વીસમી સદીના અંતિમ દસકામાં બન્યી બન્યો. એકવીસમી સદીમાં બાબાસ્વામીનો
આશ્રમ બન્યો. ત્યાં જવા માટે નહેર ઉપર એક રસ્તો બનાવવામાં આવ્યો.
વર્ષ 2017માં
દાંડીને ઓંજલ માછીવાડ સાથે જોડતો રસ્તો બન્યો. તે હવે 2023ના અંત સમયે ફોર લેન
કોસ્ટલ હાઈવેનો ભાગ બની ગયો છે.
વર્ષ 2021-22
માં સ્વરાજ ફળિયાથી સ્મશાન સુધી ડામર રોડ બન્યો છે. જે અગાસીમાતાના મંદિર સુધી
લંબાશે.
લાયબ્રેરી
“મારાં સંભારણાં”
પુસ્તિકામાં નરસિંહભાઇ નાનાભાઈ જણાવે છે કે; આઝાદી પહેલાં (1940ની આસપાસ) સંગીત મંડળના ફાળામાંથી પેપર મંગાવવાનું શરુ
કર્યું. અને તે ખાલપા ફળિયામાં કેશવભાઈના મકાનમાં રાખવામાં આવતું. યુવક મંડળની મિટિંગ પણ આ જ મકાનમાં થતી.
યુવક મંડળના યુવાનોને લાગ્યું કે ગામમાં એક
લાયબ્રેરી હોવી જોઈએ. અને તેની ઝુંબેશ ઉપાડી. આજે જ્યાં ગાંધી ફળિયાના કમળાબહેન
છોટુભાઈ છીકાભાઈનું ઘર છે તે જગ્યાએ ખુલ્લો ઊંચો ટેકરો હતો. જેને તે વખતે લોકો
પહાડ કહેતા.
આ પહાડ
ઉપર પરભુભાઈ સોમાભાઈ જેઓ પરભુ બદીયાના નામે ઓળખાતા, એમણે
પહાડ ઉપરની પોતાની જમીન લાયબ્રેરી બાંધવા માટે દાનમાં આપી. એટલે જમીનનો પ્રશ્ન હલ
થયો. બાંધકામનું મટીરીયલ ખરીદવા જેટલું ફંડ દેશ પરદેશમાંથી ઊભું કર્યું. મજૂરીનું
કામ યુવાનોએ જાતે કર્યું.
વાઘાફળીયાના
પરભુભાઈ મંગાભાઇ પટેલ, જેઓ દરજીકામ કરતા હતા, એમણે બાંધકામની જવાબદારી માથે લીધી. એમ કહેવાય છે કે પરભુભાઈને ઇસ્ટ
આફ્રિકા જવા માટે વિઝા સહિતની બધી સગવડ થઇ ગઈ હતી પરંતુ લાયબ્રેરીની જવાબદારી માથે
લીધેલી એટલે આફ્રિકા જવાનું છોડેલું. આવી ભાવના અને ખુમારી તે સમયના યુવાનોમાં
હતી.
પછી તો
લાયબ્રેરીનું એક માળવાળું મકાન બની ગયું. જેમાં યુવાનોનો
શ્રમફાળો જેવોતેવો ન હતો ! લાયબ્રેરીના સ્થળ બાબતે તે વેળા ગામમાં વિખવાદ પેદા
થયેલો. મોટીદાંડી (આઝાદ ફળીયા અને દેસાઈ ફળીયા) ના લોકોને લાયબ્રેરીનું આ સ્થળ પસંદ
ન હતું. કોઈ મધ્યસ્થળ હોવું જઈએ જોઈએ એવું તેમને લાગતું. પણ તે વખતની ભૌગોલિક
સ્થિતિ જોતાં એવું સ્થળ મળ્યું નહીં. વળી પરભુકાકાએ જમીન મફતમાં આપી હતી. અને કંઈક
અંશે નાનીદાંડીના યુવાનોનું જોર અને સંખ્યા વધુ હતી. તેથી મોટીદાંડીના લોકોમાં
થોડો ભેદ ઉભો થયો. જે આગળ જતાં ગામનાં સાર્વજનિક કામોમાં નડયો પણ ખરો.
આ બધું હોવા છતાં ગામમાં પ્રથમવાર ગામનું પોતાની
માલિકીનું મકાન ઊભું થયું, તે દાંડી યુવક મંડળની ઘણી મોટી
સિધ્ધિ હતી.
પછી તો ગામની દરેક મિટિંગ લાયબ્રેરીમાં જ મળતી.
નાના-મોટા ફળિયાના કે કુટુંબના ઝગડાનું નિરાકરણ પણ અહીં જ થતું. ફારગતી (છૂટાછેડા)
ના પ્રશ્નો ત્યારે ઘણા સામાન્ય હતા. બંને ગામની પંચ અહીં જ મળતી.
ફારગતી બાબતે એક ખાસ નોંધવા જેવી બાબત હોય તો એ
છે કે, દાંડીની પંચે હંમેશ તટસ્થ અને ન્યાયી માર્ગ જ લીધો
છે. સ્વાભાવિક છે કે વર અથવા કન્યા બેમાંથી કોઈ એક પક્ષતો દાંડીનો જ હોવાનો. દાંડી
પંચને લાગે કે વાંક આપણા પક્ષનો જ છે તો છતાં દાંડીની પંચ સામા પક્ષની ફેવરમાં
ચુકાદો આપતી. આપણા ગામનો છોકરો કે છોકરી છે એમ સમજીને કદી પણ તેમની ફેવર કરી નથી.
આને લીધે આખા કાંઠા વિભાગમાં દાંડીની પંચ તથા દાંડીના યુવક મંડળની વાહવાહ થતી!
ધીરુભાઈ
જણાવે છે કે; અમે
છોકરાઓ આ બધી મિટિંગ જોવા ખાસ જતા અને અમારા કુમળા માનસ પર એની સારી છાપ પડી છે.
લાયબ્રેરીમાં ફક્ત એક છાપું આવતું, ઘણુંખરું "ગુજરાતમિત્ર". અમે જઈએ તે પહેલાં ડોસાઓ એ છાપુ વાંચતા
હોય. ત્રણ-ચાર પાનાં હોય તે તમામ એમણે વહેંચી લીધાં હોય. વળી તેઓ એકે એક અક્ષર
વાંચે. એકપણ જાહેરાત સુધ્ધાં વાંચવાનું છોડે નહીં. વચ્ચે વચ્ચે પરસ્પર સ્પર્ધા પણ
કર્યા કરે. અમે રાહ જોઈને કંટાળી જઈએ. તે પછી બીજું છાપું પણ મંગાવવાનું શરુ થયું.
તે સમયે લાયબ્રેરીનું મકાન એટલે ગામનો “ટાઉનહોલ”. ગામના તમામ પ્રકારનાં જાહેરનાં કામો
અંગેની મિટિંગો અહીં થતી. મિટિંગના વિષયોમાં ગ્રામસફાઈ, કુવા-હવાડાની
સફાઈ, રસ્તા અને તળાવનું માટીકામ, પૂલોનું
સમારકામ, પીવાના પાણીનો પ્રશ્ન, ઘર
કુટુંબ અને ફળિયાના ઝગડાનું નિવારણ, છૂટાછેડાના પ્રશ્નો વગેરે
ખાસ રહેતા. ઉપરાંત ગામના છોકરાંઓનાં ભણતર, રમતગમત, વેકેશનની પ્રવૃત્તિ જેવીકે વકૃત્વ સ્પર્ધા, નિબંધલેખન
સ્પર્ધા, હસ્તલિખિત અંકો વગેરે વગેરે.
તે સમયે દરિયા કિનારાના રક્ષણ માટે બાવળ કે
શરૂનું જંગલ ન હતું અને દરિયા કિનારે કુદરતી રીતે ઉગતી મરજાદની વેલ ને કારણે ધોવાણ
અટકતું. પરગામના ભરવાડોનાં ઘેટાં બકરાં આ વેલ ચરી જતાં. આ માટે ભરવાડોને આવતા રોકવા માટે
પણ મિટિંગો કરવી પડતી.
આવાં પાર વગરનાં કામકાજ અંગેની મિટિંગો
લાયબ્રેરીના મકાનમાં જ થતી. ઉગ્ર ચર્ચાઓ થતી પણ કોઈપણ પ્રશ્નનું નિરાકરણ અવશ્ય
થતું. અને તેનું અચૂક પાલન પણ થતું.
ખુબ
મહેનત અને ઉત્સાહથી શરુ થયેલી લાયબ્રેરી વીસમી સદીના છઠ્ઠા દશકા સુધી ધમધોકાર
ચાલી. પરંતુ 1960ની આજુબાજુનાં વર્ષોમાં
ગામના ઉત્સાહી કાર્યકરો પરદેશ ગયા, કેટલાક યુવાનો નોકરી અર્થે પરગામ ગયા અને કેટલાક
સ્વર્ગે સિધાવ્યા. આનું પરિણામ એ આવ્યું કે ગામના
યુવાનો ઉપરની પકડ ઢીલી થઇ. પછી એમાં રેશનની દુકાન શરૂ કરાઈ અને ઉપરનો ભાગ તલાટીને
અપાયો. ગ્રામપંચાયતનું મકાન બનતાં ગામની
પોષ્ટઓફીસને લાયબ્રેરીના મકાનમાં ખસેડી. પરંતુ
લાયબ્રેરીનું મકાન ખખડધજ બનતું ચાલ્યું. ક્યારેક તેમાં ગુજરાત વિદ્યુત બોર્ડ વાળા
દર મહિને આવીને વીજળીના બીલોનું પેમેન્ટ સ્વીકારતા. અંતે એ મકાન
તૂટી પડયું. લાયબ્રેરીના પુસ્તકો સિત્તેરના દસકામાં અમૃતભાઈ મકનજીના ઘરે અને તે
પછી વિનય મંદિરમાં લઈ જવાયાં. હવે ગામ પાસે પ્રાથમિક શાળાની બાજુમાં અલગથી
લાયબ્રેરી છે પરંતુ તેમાં ગામનો સીધો ભાગ નથી. વાચકોની સંખ્યા
પણ નહીંવત છે.
અન્ય
સગવડ
બેન્ડ
કાંઠા વિભાગમાં
પહેલ વહેલું બેન્ડ દાંડીમાં શરુ થયેલું. કદાચ 1939 કે
40નું વર્ષ હશે. યુવક મંડળ પાસે કાયમી આવકનું કોઈ
સાધન હોવું જોઈએ એવા વિચારમાંથી બેન્ડનો જન્મ થયો. તે પહેલાં લગ્નમાં શરણાઈ જેવી
પીપુડી અને ઢોલક વગાડવામાં આવતાં. મોટે ભાગે આ કામ મુસલમાનો કરતા. આ એમનો વ્યવસાય
હતો. બદલામાં એમને ચોક્કસ રકમ આપવામાં આવતી. જેને દાપું કહેવાતું. આ શબ્દ હજુ પણ
ક્યાંક ક્યાંક વપરાય છે.
હવે આ પીપુડીની
અવેજી બેન્ડે લીધી. ગામમાંથી કેટલાક ભાઈઓ રોજી રોટી માટે મુંબઈ, સુરત, વડોદરા
વગેરે શહેરોમાં જતા હતા. તેમણે શહેરોનાં લગ્નોમાં બેન્ડ વાગતું જોયું હશે. તેમણે
તેનું અહીં અનુકરણ કર્યું. અને ગામમાં બેન્ડ વસાવ્યું. એક મોટું ડ્રમ, બે
સાઈડ ડ્રમ, બે બ્યુગલ, થોડી
વાંસળી (બંસરી), ખંજરી અને ખીલો. આટલાં મુખ્ય સાધનો હતાં.
પછી વાદકો માટે
“યુનિફોર્મ” નક્કી થયો. નેવી બ્લ્યૂ કલરની હાફપેન્ટ, સફેદ
કલરનું હાફ બાંયનું શર્ટ, ખભા ઉપર ખાસ પ્રકારની લેસ લગાડવાની પેટ્ટી.
ઇનશર્ટ કરવાનું. હાફપેન્ટ ઉપર પહેરવાનો ખાસ પટ્ટો. પગનાં મોજાં પણ એક સરખાં. અને
તે તમામ ખાદીનું જ એવું નક્કી થયું.
આ નક્કી થયેલ યુનિફોર્મની ડિઝાઇન હીરાભાઈ
નાનાભાઈ ચપલાવાળાએ બનાવી અને અન્ય દરજીઓ સાથે મળીને યુવક મંડળને સીવી પણ આપી. આ
અન્ય દરજીઓ હતા વાઘાફળીયાના પરભુભાઈ મંગાભાઇ અને કારિયાફળીયાના નરસિંહભાઇ
છનિયાભાઈ. હીરાભાઈ મુખ્ય ટેલર હતા. એમણે તે જમાનામાં પણ પુના જઈને ટેલરીંગનો
ડિપ્લોમા કોર્સ કરેલો.
યુનિફોર્મ સીવવા
માટે ચપલાવાળાનું આંગણું પસંદ થયું. ત્યાં મંડપ બાંધી સિલાઈ મશીનો લાવી યુનિફોર્મ
સિવાયા. દિવસ દરમ્યાન ગામના યુવાનો ત્યાં ભેગા થતા. હવે બેન્ડ વગાડવાનું શીખવા
માટેનો માર્ગ શોધવાનું શરુ થયું.
ત્યાં કોઈકે
લશ્કરમાંથી નિવૃત્ત થયેલ બેન્ડમાસ્ટરનું નામ સૂચવ્યું. ઘણુંખરું સુરતના હતા.
તેમનું દાંડીમાં રહેવા જમવાનું ખાલપફળીયાના રામભાઈ ડાહ્યાભાઈના ઘરે રખાયું.
બાર-પંદર યુવાનો શીખવા માટે તૈયાર થયા. બેન્ડમાસ્ટર દરરોજ ત્રણ-ચાર કલાક માટે
જુદાં જુદાં વાદ્યો શીખવે. લશ્કરમાંથી આવેલો એટલે કડક શિસ્તપાલન કરાવે. કોઈ જરા
આઘુંપાછું થાય તો લાકડી રાખેલી, તેનાથી ફટકારે. માર ખાઈને પણ યુવાનો બેન્ડ
વગાડવાનું શીખી ગયા.
પરભુભાઈ મંગાભાઇ
અને દયાળભાઈ નાનાભાઈ (અંગ્રેજ) આ બે જણાને કેપ્ટન અને વાઈસકેપ્ટન નીમવામાં આવ્યા.
તેઓ જયારે વગાડવા માટે લાઈનમાં ગોઠવાય અને કેપ્ટન અથવા વાઈસકેપ્ટન Ready with Roll : 1,2,3 બોલે એટલે નક્કી કરેલ આઈટેમ વાગવાની શરુ થાય.આ
જોવા માટે લોકો ઉમટતાં.
અને જયારે આ
બેન્ડ અન્ય ગામોમાં વગાડવા જતું ત્યારે તે ગામનાં લોકો અવાક બની જોઈ રહેતાં.
જલાલપુર અને મરોલી કાંઠા વિસ્તારનાં લોકોમાં દાંડીના બેન્ડની બોલબાલા હતી.
દરેક વાદકને
લગ્ન દીઠ આઠ આના મહેનતાણું અપાતું. બાકીની રકમ યુવક મંડળમાં જમા થતી.
એક નોંધપાત્ર
બાબત એ હતી કે દાંડીથી જાન બીજા કોઈપણ ગામમાં જતી ત્યારે બેન્ડનો બધો જ સામાન
જાનમાં જોડાયેલાં બહેનો ઉપાડી લેતાં !
આવો હતો બેન્ડનો
પ્રભાવ. તે પછી અન્ય ગામોએ દાંડીનું અનુકરણ કર્યું. આમ જોવા જઈએ તો લગ્નમાં શરણાઈ
વગાડવી એ ભારતીય સંસ્કૃતિ ગણાય. બ્રિટિશ પોલીસ દ્વારા હિન્દુસ્તાનમાં બેન્ડનું
આગમન થયું. તે પહેલાં બેન્ડ જેવાં મોટાં ઢોલકો હતાં જરૂર. જેને રાજા-મહારાજાઓના
સમારંભોમાં વગાડવામાં આવતાં. બ્રિટિશ
હકુમત હેઠળ રહેલા સમગ્ર હિન્દુસ્તાનમાં અંગ્રેજોનું અનુકરણ કરવું એને જ સુધારાવાદ
કે આધુનિકતા ગણવામાં આવતી. અંગ્રેજોએ નાતજાતના ભેદભાવ વિના તમામ વર્ણના લોકોને
શિક્ષણ આપ્યું. તેની સીધી અસર લોકજીવન પર
પડી. જેમ ધોતીનું સ્થાન પાટલૂને લીધું તેમ શરણાઈ અને પિપૂડીના સ્થાને બેન્ડ
આવ્યું.
થોડા સમય બાદ ડ્રેસકોડનો અમલ બંધ થયો. છેક 1980
સુધી ગામમાં યુવક મંડળનું બેન્ડ હતું. ત્યારે છોટુભાઈ નારણભાઇ મોટું ડ્રમ, મોહનભાઇ
ભાણાબાભાઈ મરઘાવાજું (આ વાદ્યનું સાચું નામ ખબર નથી. પરંતુ હવા ભરવા માટેની એક
કોથળી હોય. કોથળીને બગલમાં રાખીને દબાવવાની હોય અને તે હવાથી આ શરણાઈ જેવું વાદ્ય
વાગે), મગનભાઈ નરસિંહભાઇ અને મનુભાઈ પ્રભુભાઈ બ્યુગલ, બાબુભાઇ
ખાપાભાઈ, જયંતીભાઈ જસમતભાઈ વાંસળીના માસ્ટર હતા. ત્યારે
વાદકો ઘણા હતા. વાદ્ય મેળવવા કે વગાડવા પડાપડી થતી. પછી વગાડનાર વાદકોની કમી અને
યુવનોના ઉત્સાહમાં ઓટ તથા બદલાતા જતા સમાજજીવનમાં બેન્ડ બંધ થયું.
ત્યારબાદ પ્રાઇવેટાઇઝેશનનો જમાનો આવ્યો. યુવક
મંડળના બેન્ડની ઢબનું તળાવ ફળિયાના રજનીકાંતનું બેન્ડ આવ્યું. પછી આઝાદ ફળિયાના
રજનીકાંતનું આધુનિક બેન્ડ આવ્યું, જેમાં ફિલ્મીગીતો અને ધૂન ચાલુ થઇ. હવે ડી.જે.
નો જમાનો છે.
ભજનમંડળ
સને 1935 થી
1965 સુધી આખા કાંઠા વિભાગમાં ગામેગામ ભજન મંડળીઓ
હતી. દાંડીનું ભજનમંડળ પ્રખ્યાત ગણાતું. તેમાં મોટે ભાગે પચીસેક વરસથી મોટી ઉંમરના
પુરુષો જોડાતા. પ્રાચીન ભજનો અને ભક્તિગીતોની રમઝટ જામતી. કોઈક વાર મૃત્યુના
બારમાંના દિવસે બહારગામથી પણ આમંત્રણ મળતાં. ભજનનો ચોપડો પણ મંડળે સુધારાવી ફરીથી
લખ્યો હતો. ભજન મંડળની આવક યુવક મંડળને સુપરત કરાતી.
ભજન અને ભક્તિ
ધર્મ સાથે જોડાયેલી બાબત છે. સમયાનુસાર એમાં ભરતી ઓટ આવતી રહે. દાંડીનું ભજન મંડળ
એ અલગ ઓળખ ધરાવતું ન હતું પરંતુ યુવક મંડળની જ એક પાંખ હતી. સ્વાભાવિક છે એમાં
યુવાનો કરતાં વૃદ્ધોને વધુ રસ પડતો.
સીત્તેર, એંસી
અને નેવુંના દશકા દરમ્યાન હીરાભાઈ નારણભાઇ, મોહનભાઇ ભાણાભાઈ, છોટુભાઈ
ગોવિંદજી, નરસિંહભાઇ નાનાભાઈ, બાબુભાઇ
ખાપાભાઈ, કરસનભાઈ દયાળજી, પ્રવીણભાઈ
દયાળજી, વગેરે અનેક વાદકો હતા. દેવાફળીયાના નારાણકાકા
ચિત્તરંજનથી નિવૃત્ત થઈને આવ્યા પછી રાધાકૃષ્ણ મંદિરમાં તેમની ભજન મંડળી ઘણી
સક્રિય રહી. એમના અવસાન પછી ભજનનો કાર્યક્રમ બંધ થયો.
બેન્ક
લગભગ ઈ.સ. 1970 ની
સાલ હશે. હું પ્રાથમિક શાળામાં ભણતો હતો. સમાચાર મળ્યા કે દેસાઈ ફળિયામાં એક બેન્ક
શરુ થવાની છે. સરેરાશ ગામવાસીઓ માટે આ નવી વાત હતી. મોટા ભાગના લોકોને લાગ્યું કે
સરકારની આ સગવડ ગામને બહુ અનુકૂળ નહીં હશે. એનું કારણ સામાન્ય પ્રજાનો બેન્ક સાથે
કોઈ વ્યવહાર ન હતો.
મારા પપ્પા અને
બા બંને સરકારી નોકરી કરતાં, છતાં એમનો પગાર પણ કેશમાં જ થતો. મારા પપ્પા
પાસે નવસારીની કોઈ બેંકમાં એક એકાઉન્ટ હતો. પ્રજા પાસે એટલી જ માહિતી કે બેંકમાં
પૈસાની લેવડ દેવડ થાય. ખાતામાં પૈસા મુકવાના, બેન્ક તેના ઉપર વ્યાજ આપે. જરૂર પડે
ત્યારે ઉપાડી શકાય. બેન્ક પાસે લોન પણ લઇ શકાય એવું જ્ઞાન તો માંડ એકાદ બે ટકા
પાસે જ હશે.
બેન્ક ઓફ
બરોડાની દાંડી બ્રાન્ચ દેસાઈ ફળિયામાં છોટુભાઈ કાલિદાસના મકાનમાં શરુ થઇ. મને
ખ્યાલ છે ત્યાં સુધી પહેલો સેવિંગ એકાઉન્ટ પણ છોટુકાકાના નામનો જ ખુલેલો. બેંકમાં
કમ્પ્યુટરનું આગમન થયું ત્યાં સુધી દર બુધવારે દાંડી બ્રાન્ચ પબ્લિક માટે બંધ
રહેતી.
ધીમે ધીમે બેન્ક
એ પ્રજાની જરૂરિયાત બની ગઈ. વિદેશમાં,
ખાસ કરીને ગલ્ફના દેશોમાં નોકરી અર્થે
ગયેલા માણસો એમની આવક બેંકમાં સાચવતા થયા. ઘરે રહેલા સ્ત્રી વર્ગને બેન્ક સાથે
વ્યવહાર કરતાં આવડી ગયું. દાંડી બ્રાન્ચ ડિપોઝીટની બાબતમાં ઘણી આગળ નીકળી ગઈ.
લોકરની વ્યવસ્થા પણ શરુ થઇ. આનો વધુમાં વધુ લાભ ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, કેનેડા
વગેરે દેશોમાં રહેતા લોકોએ ઉઠાવ્યો. પોતાના અગત્યના ડોક્યુમેન્ટસ અને ઘરેણાં ત્યાં
સચવાય રહેતાં.
સમય જતાં
છોટુકાકાનું મકાન જર્જરિત થયું. બેન્કને અન્યત્ર ખસેડવાની જરૂરિયાત ઉભી થઇ. ત્યારે
ગામની નેતાગીરીએ ડહાપણભર્યું કામ કર્યું. યુવક મંડળે એક મકાન બનાવ્યું. અને તે
બેન્કને ભાડે આપ્યું. હવે બેન્ક એ જગ્યાનું ભાડું યુવક મંડળને આપે છે. આમ ગામને એક
મકાન મળ્યું અને ભાડાના રૂપમાં આવક પણ મળી.
પોષ્ટ
ઓફિસ
દાંડીમાં પોષ્ટ
ઓફિસ ક્યારે શરુ થયેલી એની માહિતી મળી નથી. પરંતુ મટવાડ પોષ્ટ ઓફિસથી ટપાલ આવવાનું
તો આઝાદી પહેલાંથી જ શરુ થઇ ગયેલું. મટવાડ ગામના જ કોઈ ફકરીભાઈ ટપાલી હતા.
હું સમજણો થયો
ત્યારથી દર્દીમાં દાંડીમાં પ્રાથમિક શાળાના આચાર્ય રણછોડભાઈને પોષ્ટમાસ્ટર તરીકે
જોતો. પહેલાં ગાંધી સ્મારક પાસે જૂની પ્રાથમિક શાળામાં પછી હાલ છે ત્યાં નવી
પ્રાથમિક શાળામાં પોષ્ટ ઓફિસ હતી. રણછોડભાઈ નિવૃત્ત થયા પછી એને લાયબ્રેરીના
મકાનમાં ખસેડી. કુસુમબહેન નામે નવાં પોષ્ટમાસ્ટર આવ્યાં. અવાર નવાર પોષ્ટમાસ્ટરો
બદલાતા રહ્યા. લાયબ્રેરીનું મકાન ખખડધજ થતાં વળી પાછી પ્રાથમિક શાળાને યાદ કરવી
પડી. અંતે હવે યુવક મંડળના મકાનમાં પોષ્ટઓફિસ ચાલે છે.
ગામમાં ટપાલી પણ
પોતાનું મહત્વ ધરાવતા હતા. પરગામમાં નોકરી અર્થે ગયેલા માણસો પોતાના કુટુંબના
ભરણપોષણ માટે મનીઓર્ડર થી પૈસા મોકલતા. પોષ્ટમેન આ રકમ ગ્રાહકને ઘરે ડિલિવર કરતા.
ગ્રાહકને સહી કરતાં ન આવડે તો તેના હાથના અંગુઠાનું નિશાન લેવાય. સાથે તેની ઓળખ
આપનાર માણસનું નામ લખાય અને તેની સહી લેવાય. તેમાં ‘આ અંગુઠાનું નિશાન ફલાણી
વ્યક્તિએ મારી રૂબરૂમાં કર્યું છે અને હું એનો સાક્ષી છું’ એમ જણાવવાનું હોય.
મારા પપ્પા
વી.પી. સર્વિસથી પુસ્તકો મંગાવતા. આમાં આપણે જે પુસ્તક મંગાવીએ એની કિંમત અને
પોષ્ટલ ચાર્જ વી.પી. છોડાવતી વખતે આપણે પોષ્ટમેનને આપી દેવાનું. પોસ્ટ સર્વિસ
પુસ્તકના વિક્રેતાને પુસ્તકની રકમ પહોંચતી કરી દે. હાલ ચાલતી કુરિયર સર્વિસને લગભગ
મળતી આવતી આ સર્વિસ હતી.
આજના લોકોને
નવાઈ લાગે એવી વાત જાણવું છું. મારા પપ્પા પાસે ગુજરાત એસ.એસ.સી. બોર્ડના હિન્દી
વિષયના પરીક્ષાની ઉત્તરવહીઓ તપાસવા માટે આવતી. એનું પાર્સલ પોષ્ટ દ્વારા મારે ઘરે
આવતું. અને દાંડી પોષ્ટ ઓફિસથી તપાસેલી ઉત્તરવહીઓનું પાર્સલ અમદાવાદ મોકલાતું. કોઈ
ભ્રષ્ટાચાર નહીં, કોઈ પૈસાની લાલચ નહિ, કોઈ
ઓળખ નહિ. ત્યારે તો ઉત્તરવહીઓ ઉપર સાચા બેઠક નંબર લખેલા હોય છતાં કામમાં શુધ્ધતા
અને પવિત્રતા જળવાતી.
પોષ્ટઓફિસ એ જ
ગામની બેન્ક પણ હતી. જ્યાં સુધી ગામમાં બેન્ક ન આવી ત્યાં સુધી જેમની પાસે સેવિંગ
એકાઉન્ટ હતા તે તમામ પોષ્ટઓફિસમાં જ હતા. આથી જ રકમ ઉપાડવાની હોય ત્યારે આજે
વિડ્રો ફોર્મ ભરીને આપો તો આવતી કાલે ટપાલી મટવાડથી તમારી રકમ લઈ આવે અને તે તમને
મળે. મોડું જરૂર થતું પરંતુ પોષ્ટમેસ્ટર અને પોષ્ટમેન ભરોસાપાત્ર માણસો હતા.
ગામમાં ત્રણ
સ્થળે ટપાલપેટીઓ હતી. પહેલી પ્રાથમિક શાળામાં જ્યાં પોષ્ટઓફિસ હતી, બીજી
હજાણી દરગાહના દરવાજે અને ત્રીજી દેસાઈ ફળિયામાં ભાણાભાઈ મોઈતભાઈના ઓટલા પર.
મોડેથી એક પેટી તળાવ ફળીયા પાસે મુકાયેલી.
દાંડી ખાતે મેં
જોયેલા અને મને યાદ છે એ ટપાલીઓની વિગત જાણવું છું. મારો પહેલો ટપાલી કાલિદાસ હતો.
તે પછી હરિભાઈ આવ્યા. હરિભાઇને સાયકલ ચલાવતાં આવડે નહીં. તેઓ મટવાડથી ચાલતા
સામાપુર આવે. ત્યાં પ્રાથમિક શાળામાં ચાલતી પોષ્ટઓફિસમાં દરેક ટપાલ પર ઉપર સિક્કા
મારે. પછી ચાલતા ચાલતા આખા ગામમાં ટપાલ વહેંચે. આવું જ કામ દાંડીમાં કરે. પછી
દાંડીની બહારગામ જતી ટપાલ લઈને સામાપુર જાય. ત્યાંથી સામાપુરની ટપાલ લે અને મટવાડ
પહોંચે.
હરિભાઈ પછી
નટુભાઈ આવ્યા. તેમની પાસે સાયકલ હતી. ત્યારબાદ અમૃતભાઈ આવ્યા. પછી વસંતભાઈ આવ્યા.
આ વસંતભાઈની વાત મારે અહીં કરવી છે. હું કેનેડા આવ્યો તે પહેલાં નવસારી કૃષિ
યુનિવર્સીટીના કેમ્પસમાં રહેતો હતો. વિઝા સાથેના અમારા ચાર પાસપોર્ટ દાંડીના
સરનામે આવ્યા, તે છેક નવસારી કૃષિ કેમ્પસમાં મારા ઘરે આવીને ડિલિવર કર્યા.
ટેલિફોન અને
મોબાઈલ આવ્યા પછી પોષ્ટનું મહત્વ ઘટતું ગયું. હવે કુરિયર સર્વિસ ચાલુ થવાથી બીજો
મોટો ફટકો પડયો. ટપાલની સંખ્યા ઘણી ઘટી ગઈ છે. પોસ્ટકાર્ડ, આંતર્દેશીય
પત્ર કે પાર્સલ ભાગ્યેજ જોવા મળે. સરકાર દાંડીની પોષ્ટઓફિસ બંધ કરવા માંગે છે.
પરંતુ ગ્રામજનો ગાંધીજીના નામને આગળ કરીને આ સગવડ ચાલુ રાખવાની વિનંતીઓ કરતા રહે
છે. વીજળી, ગેસ વગેરેનાં બિલ ની ચુકવણી હવેથી ત્યાં
કરવામાં આવે છે એટલે હાલ તો ચાલશે પરંતુ મને ચોક્કસ લાગે છે કે એક દિવસ
પોષ્ટઓફિસની દાંડી બ્રાન્ચ જરૂર બંધ થઇ જશે.
ટેલિફોન
ગામનો પહેલો
ટેલિફોન ઈ.સ. 1980ની આસપાસ વિનય મંદિરના સ્ટાફ ક્વાર્ટર્સમાં
ધીરુભાઈ રહેતા એ આચાર્ય નિવાસમાં કેળવણી મંડળ અથવા વિનય મંદિર દાંડીના નામે
રજીસ્ટર્ડ થઈને મળેલો. આ ટેલિફોન એટલે કાળા રંગનું એક ડબલું, જેની
ઉપર રીસીવર મૂકેલું હોય. ડબલામાં એક નાનકડું હેન્ડલ. આ હેન્ડલ ફેરવીને ફોનને ચાર્જ
કરવાનું. પછી રીસીવર ઉપાડવાનું. થોડી વાર પછી મટવાડ એક્સચેન્જમાંથી પૂછવામાં આવે; “નંબર
પ્લીઝ.” ત્યારે નંબર જણાવવાનો. નવસારીની બહારનો કોલ STD ગણાય.
એનો ચાર્જ વધારે થાય. અમદાવાદ, મુંબઈ જેવા જેવાં દૂરનાં શહેરો અને પરદેશ માટે
ટ્રન્ક કોલ બુક કરાવવો પડે. તેમાં પણ વધારાની સગવડ એટલે PP (પર્ટિક્યુલર
પરસન). સવારે બુક કરાવેલો ટ્રન્ક કોલ બીજા દિવસે પણ લાગે. કોલ થશે જ એની કોઈ
ગેરંટી નહીં.
ઈ.સ. 1992
પછી તેમાં ઘણા સુધારા થયા. ઓવરહેડ લાઇનને બદલે અંડર ગ્રાઉન્ડ લાઈનો નંખાઈ. તેમાં
નવા પ્રકારના કેબલ વપરાયા. ગામમાં ઘણા ઘરોમાં ટેલિફોનની ઘંટડી વાગતી થઇ. કાળા
ડબલાને બદલે રંગીન અને બટન વાળા ફોન આવ્યા. દેશ પરદેશ વાતો કરવાનું સરળ બન્યું.
શરૂઆતમાં લોકોને
ટેલિફોન પર વાત કરતાં બરાબર આવડતું ન હતું. ઊંધું રીસીવર પકડીને “હેલો હેલો” નો
બરાડો પાડતા હોવાના અનેક દાખલા નોંધાયા હતા.
ટેલિફોનની કંપની
BSNL એ સરકારી માલિકીની હતી. આથી આફ્ટર સેલ સર્વિસની
બાબતમાં દેશભરમાં ઉણી ઉતરી. આખા દેશની જેમ દાંડીમાંથી પણ એ લગભગ અદ્રશ્ય થવા આવી.
તેનું સ્થાન મોબાઇલે લીધું. જો કે હજુ ઇન્ટરનેટ માટે BSNL નો જ વધુ ઉપયોગ થાય છે.
મોબાઈલ ટાવર:
જ્યારથી મોબાઈલ લોકોના હાથમાં આવ્યા ત્યારથી લાઇફસ્ટાઇલ બદલાઈ ગઈ છે. દાંડીના લોકો
માટે મટવાડ અને સામાપુરના મોબાઈલ સર્વિસ ટાવરો ઉપલબ્ધ હતાં. ગ્રામ પંચાયતના અનેક
પ્રયત્નો પછી દાંડીને પણ વર્ષ …….માં ટાવર મળ્યો. પંચાયતે ખેતી મંડળીના ગોડાઉનની
બાજુમાં જમીન ઉપલબ્ધ કરાવી. હવે દાંડી આવતા પ્રવાસીઓને સિગ્નલના પ્રશ્નો રહ્યા
નથી.
ટી.વી.રીલે
કેન્દ્ર :
લગભગ વીસમી
સદીના અંતમાં નવસારીનું દૂરદર્શનનું રીલે કેન્દ્ર બંધ થતાં તેને દાંડી
પ્રાથમિકશાળાના કમ્પાઉન્ડમાં ખસેડયું. આમ દાંડી ગામ દૂરદર્શનના નકશામાં સ્થાન
પામ્યું. પરંતુ તેમાં કેટલીક ટેક્નિકલ ખામીઓ હતી. જે દૂર ન કરી શકાઈ. પરિણામે તેને
બંધ કરી દેવામાં આવ્યું. બીજી બાજુ ખાનગી ચેનલોનો સમય ચાલી રહ્યો હતો. આથી દર્શકો
પણ મળતા ન હતા.
વોટર
વર્કસ
જવાહરલાલ
નહેરુની 1961ની દાંડીની મુલાકાત પછી દાંડીનો પ્રાણપ્રશ્ન
સમાન પીવાના પાણીનો પ્રશ્ન ઉકેલવાના પ્રયાસો હાથ ધરાયા. ગુજરાત સરકાર દ્વારા દાંડી
સામાપુર પાણી પુરવઠા યોજના અમલમાં આવી. મટવાડના આવડા ફળીયા નજીકના વાલ વાળા
તળાવમાં બોરિંગ કરી તેની ઉપર કૂવો બનાવ્યો. વળી આ તળાવને નહેરનું પાણી પણ મળે એવી
વ્યવસ્થા ગોઠવાઈ. ઓવરહેડ ટાંકી મટવાડના શહીદ સ્મારક આગળ બની.
દાંડી અને
સામાપુરમાં અલગ અલગ જગ્યાએ ટાંકી બનાવી તેની ફરતે નળ લગાવ્યા. મટવાડથી આવતું પાણી
આ ટાંકીમાં પડે અને ફરતેના આઠ દસ નળ પરથી લોકો બેડામાં પાણી ભરી પોતાના ઘરે લઇ જાય
એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી.
દાંડીમાં
દેસાઇફળિયા, આઝાદફળીયા, તળાવફળીયા, વાઘાફળીયા
અને સ્વરાજફળીયાને એક એક ટાંકી મળી. ઓછી વસ્તીને કારણે દેવા ફળીયા અને ગાંધી
ફળિયાને વચ્ચે લાયબ્રેરી સામે એક જ સ્ટન્ડપોષ્ટ સ્ટેન્ડપોસ્ટ મળ્યો. જો કે પાછળથી
આ બંને ફળિયાને અલગ અલગ સ્ટેન્ડપોષ્ટ મળ્યા અને લાયબ્રેરી વાળો સ્ટેન્ડપોષ્ટ બંધ
કર્યો.
દાંડી અને
સામાપુરને મળતું પાણી મટવાડથી આવતું હોવા છતાં મટવાડને તેમાંથી એક ટીપું ય મળતું ન
હતું. આથી ધીમે ધીમે મટવાડ ગામમાં અસંતોષની લાગણી ફેલાઈ. લલ્લુભાઇ મકનજી અને
ગોસાંઈભાઈ છીબાભાઈ ઉપર દાંડીની તરફદારી કરતા હોવાના આરોપ લાગ્યા. તેની અસર લોકસભા
અને વિધાનસભાની ચૂંટણી ઉપર થવા લાગી.
આથી આ યોજનામાં
મટવાડ ગામનો પણ સમાવેશ થયો. અપૂરતા જથ્થામાં અને અપૂરતા દબાણથી દાંડી અને
સામાપુરને પાણી મળતું હોવાથી બંને ગામોમાં ટાંકી આગળ સ્ત્રીઓ માં ઝગડા થવા લાગ્યા. બોલાચાલી માંથી
મામલા મારામારી સુધી પહોંચી જતા. સામાપુર અને મટવાડના લોકો અનેક જગ્યાએ પાણીની
પાઇપ લાઈન તોડી નાંખતા. પરિણામે દાંડીને ઘણું સહેવું પડતું. વળી દાંડીની મેઈન
લાઈનમાંથી હજાણી દરગાહ અને વિનય મંદિરને અલગ લાઈન આપવાથી અન્ય ટાંકીઓમાં જતા
પાણીનું પ્રેશર ઘટી ગયું. આથી ક્યારેક વિનય મંદિર અને કેસુર પટેલના બસ સ્ટેન્ડ ઉપર
રાખેલા નળમાં પાણી ભરવા માટે ડઝનબંધ બહેનોનાં ટોળાં વળતાં. અનેક લોકોના કૌટુંબિક
સંબંધો પણ આને કારણે બગાડવાના કિસ્સા નોંધાયા હતા.
ધીરુભાઈના સીધા
પ્રયત્નોને ના ફળસ્વરૂપ 1976-77 સ્વિસ એઇડ સંસ્થાએ દાંડીની પાણી યોજના માટે
લગભગ ત્રણેક લાખ રૂપિયાની મદદ કરી. તેમાંથી હાલ વિનય મંદિરના કેમ્પસમાં જે જગ્યાએ
પાણીની ટાંકી છે તે ત્યાં બોરિંગ કરવામાં આવ્યું. પરંતુ પાણી એકદમ ખારું નીકળ્યું.
બીજો બોર આઝાદ ફળિયામાં રણછોડભાઈના કુવા નજીક કર્યો. ત્યાં પણ પરિણામ સરખું જ
આવ્યું.
વર્ષ 1989-90ની આસપાસ આટ ગામથી પાણી લાવવા માટે પાઇપ લાઈન નાંખવામાં આવી. આ માટે
ઈંગ્લેન્ડમાં રહેતા દાંડીવાસી કુટુંબોએ આર્થિક મદદ કરી. પરંતુ આ યોજના પણ નિષ્ફળ
ગઈ. પૈસાનું પાણી થયું એમ કહી શકાય.
સામાપુરના લોકોએ
મટવાડથી જરા આગળ કરાડીના રવજીભાઇના વજીફા નજીક બોર કરી મીઠું પાણી મેળવ્યું અને
પોતાની અલગ પાણી યોજના બનાવી. દાંડીએ પણ તેમનું અનુકરણ કરતાં જાંબુડીના બસ સ્ટેન્ડ
નજીક બોર કર્યો અને પોતાની અલગ યોજના બનાવી.
હવે દાંડી પાસે
પ્રમાણમાં સારા પ્રમાણમાં પાણી આવે છે. તેને પહેલાં અન્ડરગ્રાઉન્ડ ટાંકીમાં અને
પછી ઓવરહેડ ટાંકીમાં લઇ જઈ ઘરે ઘરે પાણી પહોંચાડાય છે.
એક સરકારી યોજના
હેઠળ આટ ગામથી પણ પાણી આવતું હતું. જે વિનય મંદિર અને દરિયા કિનારે બનાવેલી
ટાંકીમાં જાહેર ઉપયોગ માટે જતું.
વીજળી
નહેરુના દાંડી
પ્રવાસ પછી ગામને મળેલી મોટી સગવડ એટલે ગામનું વીજળીકરણ. લગભગ 1964-65થી દાંડી ગામમાં વીજળીની સેવા ઉપલબ્ધ છે.
આમાં પણ એક
નાનકડા ટ્વિસ્ટ ની વાત જાણી લઈએ. જયારે ગુજરાત રાજ્યનું ગઠન થયું ત્યારે સરકારી
દફતરે દાંડી અને સામાપુર ગામ સુલતાનપુર ગામનાં ફળિયાં ગણાતાં હતાં. ગામના આગેવાનોએ
ગાંધીના નામને આગળ કરીને દાંડી ગામનું અલગ અસ્તિત્વ માગ્યું. પણ સરકારી અધિકારીઓએ
વસ્તીની ગણતરી મુજબ સ્વરાજ ફળીયા અને વાઘા ફળિયાના થોડાંક ઘરોને સામાપુરમાં ગણી
લીધાં. આથી આખા દાંડી ગામને વીજળી મળી ત્યારે સ્વરાજ ફળિયાના ટેકરો ગણાતા
વિસ્તારને અને વાઘાફળિયામાં મંગળ ફેમિલીના ઘરોનું જ વીજળીકરણ થયું. ખુબ મથામણ પછી
છેક 1969માં બાકી રહી ગયેલાં ઘરોને સામાપુરની સાથે
વીજળી મળી. આમાં અમારા ઘણો ઘરનો પણ સમાવેશ થાય છે.
ગુજરાત વિદ્યુત
બોર્ડના કર્મચારી એક દિવસ ગામમાં ફરીને મીટર રીડીગ કરીને બીલ બનાવી આપી જાય. પછી
નિયત કરેલા દિવસે આખું ગામ લાઈબ્રેરીના માળ ઉપર બોર્ડના કર્મચારીઓને બિલની ચુકવણી
કરે. પછીથી આ સ્થળ બદલાઈને તળાવ ફળિયામાં અશોકભાઈ જીવનભાઈના ઘરના ઓટલા ઉપર ગયું.
હવે પોષ્ટઓફિસમાં આ બીલનાં નાણાં સ્વીકારવામાં આવે છે.
સ્ટ્રીટ
લાઈટ
સમયની સાથે તાલ મિલાવતું દાંડી ગામ વીસમી સદી
પુરી થાય તે પહેલાં બીજી અન્ય સગવડોની સાથે સ્ટ્રીટ લાઈટની વ્યવસ્થા પણ કરી
શક્યું. લગભગ દરેક ફળિયાની અલગ અલગ સ્ટ્રીટ લાઈટની વ્યવસ્થા છે. એમાં દેશ પરદેશમાં
વસતા લોકોએ ઘણી આર્થિક મદદ કરી હતી.
ગેસ
લાઈન
ભારત સરકારની
યોજના હેઠળ નવસારી જિલ્લાનાં મોટા ભાગનાં ગામ અને શહેરોને કુદરતી ગેસની સુવિધા
પ્રાપ્ત થઇ. પરંતુ ફરીથી એક વાર દાંડી અને સામાપુર બાકાત રહી ગયાં. ગ્રામપંચાયત
દાંડીના તત્કાલીન સરપંચ પરિમલ પટેલ અને ધારાસભ્ય આર.સી. પટેલના પ્રયાસોને પરિણામે
વર્ષ ......માં દર્દીને દાંડી ગામને પણ આ સુવિધા મળી. હવે ગેસના બાટલા ભરાવવા માટે
નવસારી જવાની ધમાલમાંથી મુક્તિ મળી. આ ગેસનાં બિલ પણ દાંડીની પોષ્ટ ઓફિસ સ્વીકારે
છે.
No comments:
Post a Comment