Sunday, October 4, 2026

તારી કવિતા તારે માટે

 

તારી કવિતા તારે માટે

જેણે મને દિલથી યાદ કરીને મારા જન્મદિનની શુભેચ્છા પાઠવી છે,

તેવા ખાસ લાગણીશીલ મિત્રનો આભાર માનવાનું કેમ ભુલાય ?

મારો જિંદગીના સાડા છ દાયકાનો પ્રવાસ કેવો રહ્યો,

તેને તારી માફક કવિતા સ્વરૂપે સમરાઈઝ કરું છું.

આ પ્રવાસ ક્યારેક સ્મૂધ તો ક્યારેક ઉખડબાખડ રહ્યો.

ક્યારેક કાનુડાના મોરપીંછ સરીખી સુંવાળપ,

તો ક્યારેક બાવળ-બોરડીના રાવણછાપ કાંટા.

સ્નેહ, તિરસ્કાર, સબંધો, શંકાઓ, અધૂરપ, અકળામણ,

સવાલો, સમસ્યાઓ, શરમ, સંકોચ, સગવડ, અગવડ, ઈર્ષ્યા, શ્રદ્ધા,

સફળતા, નિષ્ફળતામાંથી પસાર થવાનો જીવંત અનુભવ.

સ્કૂલના ‘બ્લેક એન્ડ વ્હાઇટ’ ગ્રુપ ફોટોથી શરુ કરીને,

આઈફોનના ‘રંગીન’ લાઈવ ચેટ સુધીના પ્રવાસમાં;

સમયને, સંબંધોને, સ્નેહીઓને, સહેલીઓને બદલાતાં જોયાં છે.

એક એક ધોળો વાળ સમજદારી વધારતો જાય છે,

પરંતુ જવાબદારીઓ ઘટવાનું નામ લેતી નથી.

પણ એક તું જ છે, પંકજ ! તારો સ્નેહ હજુ નથી બદલાયો.

આથી જ તારી યાદ માત્રથી મારી ખુશી બેવડાય જાય છે.

(ચાંદની)

 

હું અને મારી કવિતાની નાયિકા અમારો જન્મદિન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જોડે શેર કરીએ છીએ. ચાંદની મારા કરતાં દસ કલાક મોટી છે. એનો જન્મ સવારે સૂર્યોદય સમયે અને મારો સાંજે સૂર્યાસ્ત વેળા. આથી ચાંદની ગોરી અને પંકજ શ્યામ. જે ક્યારેય શરુ થઇ શકી ન હતી, તે ‘શ્વેતશ્યામની રંગીન પ્રણયકથા’ પુરી થવાનું નામ નથી લેતી. ‘ચાંદની’ના પાંસઠમાં જન્મદિન નિમિત્તે, મેં પાઠવેલી શુભેચ્છાના પ્રત્યુત્તર રૂપે મળેલી એક સુંદર રચના, સંવેદનશીલ છેલ્લી બે લાઈન ડીલીટ કરીને પોષ્ટ કરું છું.

 

No comments:

Post a Comment