Friday, August 14, 2026

એક વેકેશન પૂરું થતું

 

એક વેકેશન પૂરું થતું

એ પણ દિવસો હતા, જયારે અમે નાનાં બાળકો હતાં,

આખી ચપલાશેરીમાં બાલકિલ્લોલનાં ગુંજન થતાં.

હીરાદાદાનો સંચો ને બાલીકાકીની રવઈનું સંગીત હતું,

વળી જાત્રાની વાંસળી ને સિસોટીનું સ્નેહમિલન થતું.

પીપરડીના ઝાડની ડાળે હીંચકો ઝૂલતો રહેતો,

દેશી વિમાનમાં ઉડવાનો અખતરો પણ થતો.

ગિલ્લી દંડા, સાત ઠીકરી ને થપ્પા ના અમે તેંડુલકર હતા,

દક્ષાનો સ્કર્ટ પહેરીને જ્યોતિ પાસે બીજો દાવ માંગતા હતા.

બાલીબેન અચ્છેર શેર દૂધ મળશેની

ધૂન પર પંકજનું તાંડવનૃત્ય થતું.

પરિમલ અને બાલીકાકી વચ્ચેના યુદ્ધમાં

નિર્દોષ માટલું બિચારું શહીદ થતું.

ને...આમ અમારું એક વેકેશન પૂરું થતું.

(પંકજદાંડી)

 

હમણાં જ, જાન્યુઆરી 2022માં ગૌતમ અને રંજનપુત્ર રિષિના લગ્ન થયાં. અમારી પેઢી પાસે હવે પુત્ર, પુત્રવધુ અને પૌત્ર-પૌત્રીનો કાફલો વધવા લાગ્યો. સાથે અમારા પૂર્વજો  દાદા-દાદી, કાકા-કાકી, બા-પપ્પા વગેરેની વિદાય થતી રહી. આજની રચના અમારા બાળપણને યાદ કરીને લખી છે. બાલીકાકી હકીકતે મારા પપ્પા અને ધીરુકાકાનાં કાકી એટલે અમારાં દાદી કહેવાય પણ બધી જ દાદીઓને અમે કાકી કહેતા. અમારા ચપલાવાળા કુટુંબની કુલ છ ડોશીઓ પૈકી બાલીકાકી ત્યારની અમારી ટપુસેનાનાં પ્રિય કાકી હતાં.

 

1 comment: