Sunday, November 1, 2026

તારી કવિતા

 

તારો જિંદગીના સાડા છ દાયકાનો પ્રવાસ કેવો રહ્યો,

તેને ‘કવિતા’ સ્વરૂપે સમરાઈઝ કરું છું.

આ પ્રવાસ ક્યારેક સ્મૂધ તો ક્યારેક ઉખડબાખડ રહ્યો.

ક્યારેક કાનુડાના મોરપીંછ સરીખી સુંવાળપ,

તો ક્યારેક બાવળ-બોરડીના રાવણછાપ કાંટા સહ્યા.

સ્નેહ, તિરસ્કાર, સબંધો, શંકાઓ, અધૂરપ, અકળામણ,

સવાલો, સમસ્યાઓ, શરમ, સંકોચ, સગવડ, અગવડ, ઈર્ષ્યા, શ્રદ્ધા,

સફળતા, નિષ્ફળતામાંથી પસાર થવાનો તેં જીવંત અનુભવ કર્યો.

સ્કૂલના ‘બ્લેક એન્ડ વ્હાઇટ’ ગ્રુપ ફોટોથી શરુ કરીને,

આઈફોનના ‘રંગીન’ લાઈવ ચેટ સુધીના પ્રવાસમાં;

સમયને, સંબંધોને, સ્નેહીઓને, સહેલીઓને તેં બદલાતાં જોયાં છે.

એક એક ધોળો વાળ તારી સમજદારી વધારતો જાય છે,

પરંતુ જવાબદારીઓ ઘટવાનું નામ લેતી નથી.

આ સમસ્યા તારી એકલીની નથી.

પૃથ્વી પર દરેક જીવ સમસ્યાઓ સાથે જ જીવતો હોય છે.

હવે પછીનું તારું રતિલાલભાઈ સાથેનું દાંપત્ય જીવન,

દીકરા, વહુ, દીકરી અને પૌત્ર-પૌત્રી સાથેના સ્નેહભર્યું કૌટુંબિક જીવન,

સામાજિક, શારીરિક કે અન્ય સમસ્યાઓનું સમાધાન શોધીને,

સુખ-શાંતિ ભર્યું અને સ્વાસ્થ્યમય બની રહો એવી શુભેચ્છાઓ સાથે,

હેપ્પી બર્થ ડે !

(પંકજદાંડી)

 

 

જ્યોત

 

જ્યોત

છઠ્ઠી એપ્રિલ 1930ની વહેલી પ્રભાતે દાંડીના દરિયા કિનારે,

મહાત્મા ગાંધીજીએ ચપટી મીઠું ઉપાડયું

અને સરોજિની નાયડુના મુખમાંથી ઉદગાર સરી પડયા:

“ધન્ય હે મુક્તિદાતા” !

છઠ્ઠી એપ્રિલ 1975ની રાત્રિના પ્રથમ પહોરમાં દાંડી ગામમાં,

એક વરરાજાએ એક સૌભાગ્યકાંક્ષીણીના સૌભાગ્યનું સિંદૂર પૂર્યું.

અને અમે સહાઘ્યાયીઓએ શુભેચ્છા પાઠવી:

“પ્રેમનું બંધાયેલું બંધન રહે, શ્વાસે શ્વાસે વિશ્વાસ રહે,

પગલે પગલે પ્યાર વધે, જીવનભર સાથ રહે

દુઃખની દષ્ટિ પણ ન પડે, સુખનો વૈભવ સાથ મળે.”

છઠ્ઠી એપ્રિલ 2025ના દિવસે કેનેડાના મોન્ટ્રિઅલથી

આપના લગ્નની સુવર્ણજયંતિ પ્રસંગે શુભેચ્છા આવે:

“આપની જોડીમાં જે પ્રેમ અને સમર્પણ છે,

એમાં સાચા સ્નેહની સુવાસ દેખાય છે.

આપના પવિત્ર સંબંધોની યાત્રા હંમેશાં ખુશનુમા રહે.”

VMD ગ્રુપ પણ શું કામ પાછળ રહે?

“શાદીકી સાલગીરા પર દુઆ હમારી યહી હો,

 એ અતૂટ રિસ્તા જનમ જનમ તક ગહરા હો,

ના કભી રૂઠે આપ, ના કભી રૂઠે વો,

થોડી નોંક ઝોંક ઔર ઢેર સારા પ્યાર હો.”

છુપાયેલી યાદોનો ઉઘાડ

 

છુપાયેલી યાદોનો ઉઘાડ

મને હંમેશાં આકર્ષણ રહ્યું છે,

દાંડીના ચોમાસાનું અને મોન્ટ્રિઅલના લાઈટ સ્નો ફોલનું.

દાંડીમાં ઘરના ઓટલા પર બેસીને

‘ઇવનિંગ-ટી’ વેળા વરસાદની ઝડીને માણવાનું.

મોન્ટ્રિઅલમાં ડ્રોઈંગરૂમમાંથી ‘ગુડમોર્નિંગ-ટી’ સાથે

બહાર થતા લાઈટ સ્નો ફોલને નિહાળવાનું.

આ બંને સંજોગોમાં

હૃદયના ડાબા ખૂણે સાચવીને મુકેલો

એક સંબંધ યાદ આવી જાય છે.

ભલે આકાશ ઘેરાયેલું હોય પણ,

મન છુપાયેલી યાદોનો ઉઘાડ લઈને ખુલી જાય છે.

નજરે ન ચડતા સૂર્યની સાક્ષીએ ચાંદનીની યાદ ઉભરાય જાય છે

એક નવી પ્રણય કવિતા લખાઈને ફેસબુક પર પોષ્ટ થઇ જાય છે.

ને બીજી જ મિનિટે ચાંદનીની ખાનગી લાઈક વોટ્સએપ પર મળી જાય છે.

(પંકજદાંડી)

ચાલો યાદ કરીએ

 


ચાલો યાદ કરીએ,

નવસારી કાંઠાના એવા સાહસિકોને,

જેઓ વીસમી સદીના સાતમા દાયકાની શરૂઆતમાં

સાહસનો ખેલ ખેલીને

કેનેડાની ધરતી પર પહોંચી ગયા,

અને પ્રવાસી ભારતીયમાંથી

કેનેડિયન સીટીઝન બની ગયા.

એવા સાહસવીરોને

જેઓ મટવાડના મોચીના હાથે સીવેલા જોડા પહેરીને,

કેનેડાની કડકડતી ઠંડીમાં

ફ્રોઝન થઇ જવાના ડરને ખીસામાં રાખીને

ગૌરવભેર જીવિત રહ્યા.

જેમણે કાંઠાની ઇકોનોમીને ડોલરનો બુસ્ટર ડોઝ આપ્યો.

જેમણે અનેક ફેમિલીના સ્ટેટસને ‘હિમાલયન હાઈટ્સ’ આપી.

એસટી બસના મુસાફરોને ઈંટરનેશનલ ફ્લાઇટપેસેંજરમાં કન્વર્ટ કર્યા.

ગામમાં ‘રમી ખાતા ઝીરો’ને કેનેડામાં ‘કમાઈ ખાતા હીરો’ બનાવ્યા.

વતનના લોકોની પ્રગતિ માટે વિદેશની ધરતી પર ઝઝૂમ્યા.

હવે એમાંનાં કેટલાક

આ ધરતીને સદાયને માટે છોડીને જતા રહ્યા છે ત્યારે,

એ તમામને હૃદયપૂર્વકના પ્રણામ સાથે, ચાલો યાદ કરીએ.

(પંકજદાંડી)

 

કોણ કોને માર્ગ આપશે

 

કોણ કોને માર્ગ આપશે

ભારતમાં જાતિવાદનાં મૂળિયાં એટલાં મજબૂત છે કે,

તેને ઉખેડીને ફેંકી દેવાનું લગભગ અશક્ય છે.

કહેવાય છે; ‘મોદી હૈ તો મુમકીન હૈ’

પરંતુ આ બાબત,

મોદી માટે પણ ‘મુશ્કિલ હી નહીં, નામુમકીન હૈ.’

એનાં અનિષ્ઠ શંબુકને પૂછો, એકલવ્યને પૂછો, વિદુરને પૂછો.

અને પૂછો જ્યેષ્ઠ કુંતીપુત્ર દાનવીર કર્ણને..

કર્ણ એટલે ભારતીય યુદ્ધ કળાનું પ્રતીક.

કર્ણ હતો એટલે જ અર્જુનને કૃષ્ણની જરૂર પડી.

અને કૃષ્ણ હતા એટલે જ આપણને કૃષ્ણ બોધ મળ્યો.

કૃષ્ણ બોધ એ જ ગીતા બોધ, એ જ ધર્મપુસ્તક.

પરંતુ જાતિવાદ ત્યાં નો ત્યાં ઉભો છે.

છાશવારે ગંદા રાજકારણીઓ એને પાણી પીવડાવતા રહે છે.

જો મોદી OBC તો સીતા, દ્રૌપદી, વાલ્મિકી, વ્યાસ વગેરે કોણ ??

 વળી હવે તો ‘અનામત’ પણ ‘અમાનત’ બની ગઈ છે.

કોણ કોને માર્ગ આપશે ???

(પંકજદાંડી)

 

 

કૃષ્ણનો કર્તવ્યવાદ

 

કૃષ્ણનો કર્તવ્યવાદ

હિન્દુ ધર્મ અને હિન્દુ સંસ્કૃતિ એકમેકમાં ઓતપ્રોત છે.

હિન્દુ પ્રજાને કમજોર બનાવવામાં ધર્મનો મોટો ફાળો છે.

વર્ણવ્યવસ્થા અને જ્ઞાતિપ્રથા દ્વારા પ્રજાનું વિભાજન થયું છે.

વર્ણવ્યવસ્થાના અન્યાયથી અન્ય ધર્મોનું આકર્ષણ વધ્યું.

તેઓ ધર્મ પરિવર્તન કરી હિન્દુઓના જ શત્રુ બન્યા.

સંપ્રદાયો, પંથો, પરિવારો અને મંડળો પણ વિભાજનવાદી છે.

વિભાજકો ભગવાન થઈને પૂજાય છે ને સંયોજકો દુભાય છે.

હિન્દુ પ્રજા લાખો ગુરુઓમાં વિભાજીત છે.

ગુરુ પોતેજ પરમેશ્વર બની પોતાની પૂજા કરાવે છે.

વિકૃત ગુરુવાદનું મોટું અનિષ્ટ તે વ્યક્તિપૂજા.

પ્રજાના પતનમાં અહિંસાનો ફાળો પણ નાનો નથી.

અહિંસા અને વીરતાની ભાઈબંધી જામતી નથી.

શસ્ત્ર અને યુદ્ધો વિનાની પ્રજા નમાલી થઇ જાય છે.

બ્રહ્મચર્યનો અનર્થ થયો ને પલાયનવાદ વધ્યો.

કૃષ્ણે પલાયનવાદ રોક્યો ને યુધ્ધ કરાવ્યું.

અનન્ય કર્તવ્યનિષ્ઠાથી ન્યાયની સ્થાપના કરાવી.

પણ હજુ આપણે કૃષ્ણનો કર્તવ્યવાદ સમજી શક્યા નથી.

(પંકજદાંડી)

કુદરત

 

કુદરત

મારા ઘરનાં આંગણામાં રંગબેરંગી ફૂલો ખીલ્યાં છે,

પણ આ ફૂલોની સરસ સુગંધને કોઈ રંગ નથી.

ઘરની બાજુમાંથી જ ખળખળ કરતું ઝરણું વહે છે,

પરંતુ ઝરણાંના એ અવાજને કોઈ ભાષા નથી.

પંખી રોજ કેનેડા અને અમેરિકાની બોર્ડર ક્રોસ કરે છે,

પણ તેમની પાસે વેલીડ વિઝા નથી.

મારી પ્રણય કવિતાઓ પાસે રૂપાળી નાયિકા છે,

પરંતુ તેમાં લય, છંદ, રાગ, સુર, તાલ, મેળ નથી.

તેને મારા હૃદયનો રોમેન્ટિક રંગ તો ગમે છે,

પરંતુ મારી ચામડીનો વાન ભીનો લાગે છે.

આ બધામાં જ કશુંક ને કશુંક ખૂટે છે,

છતાં કશુંય રોકાતું નથી.

રોજ સવારે એના ‘જય શ્રી કૃષ્ણને’

મારા ‘રાધે રાધે’નો ઉત્તર મળી જ રહે છે.

આ તમામ જે શક્તિને આધીન છે,

તેને હું કુદરત કહું છું

(પંકજદાંડી)