Sunday, September 6, 2026

હેપ્પી બર્થ ડે સખા

 

 હેપ્પી બર્થ ડે સખા

હેલો ડિયર !

હું તને સમજવાનો પ્રયત્ન કરું છું, પણ દરેક વેળા ગોથું ખાઉં છું.

તેં વાંસળી વગાડી, સાથે રાધાને રમાડી,

લલીતાને લલચાવી, પણ ગોપીઓને ઘુમાવી

મીરાંને નચાવી, સુભદ્રાને ભગાવી

આઠ પટરાણી પછી પણ સોળસો ને સ્વીકારી

ગોવાળિયાને રમાડી ને ગાયોને ચરાવી

 દડાને ડુબાડયો ને નાગને ભગાડયો

શીકું ફોડયું, માખણ ખાધું, મોરપીંછનો મુગટ ધર્યો

ગોપીના ચીર હર્યાં, દ્રૌપદીના ચીર પૂર્યાં

કંસ ને માર્યો, અસુરોને માર્યા, પણ કૌરવોને મરાવ્યા

ગોવર્ધન ઉઠાવ્યો ને ગોવર્ધનધારી થયો

નરસિંહનું મામેરું કર્યું, વિદુરજીની ભાજી આરોગી

વિપરીત પરિસ્થિતિમાં પણ તારું હાસ્ય કાયમ રહ્યું

કર્મના સિદ્ધાંતની સાથે નિષ્કામ કર્મનો અદભુત સંદેશો આપ્યો

યુધ્ધના મેદાનમાં ગીતાનું જ્ઞાન આપ્યું.

રણ છોડીને ભાગ્યો ને રણછોડ કહેવાયો

ને અંતે પૂર્ણપુરુષોત્તમ પણ કહેવાયો.

પણ પંકજને તું હજુ ય ન સમજાયો.

આથી જ આજની શ્રાવણ વદ આઠમની મધરાતની પળ

પંકજનો  પ્રેમ સભર હેપ્પી બર્થ ડે સ્વીકાર કર !

(પંકજદાંડી)

 

 

હેપ્પી બર્થ ડે, પ્રિષા

 

હેપ્પી બર્થ ડે, પ્રિષા

આગમન પ્રિષાનું આજનું થયું,

 તેનું ત્રણ વરસનું વહાણું વાયું.

બહેનને ભાઈનું હેત મળ્યું,

બંનેને લડવાનું બહાનું જડયું.

દાદા એ ગાર્ડરીનું સરનામું શોધ્યું,

પછી એ જ પગથિયું ચડવું પડયું.

સ્ટોપ-એરેત ને વળી મેરસી-થેંક્યુ,

ઇંગ્લીશમાં ફ્રેન્ચનું બહાનું બન્યું.

ક્યારેક આર્યાનું આવવું થયું,

ત્યારે ત્રણેનું તોફાન બમણું થયું.

પ્રિષા-પ્રેમને મીઠડું સ્મિત જડયું,

ને વર્ષગાંઠે દાદાનું ગીત બન્યું.

દાદાએ હેપ્પી બર્થ ડે ટુ યુ વદ્યું,

બા એ ઘણા ઘણા આશીર્વાદ કહ્યું.

(પંકજદાંડી)

 

હે દાંડીકર

 

હે દાંડીકર

હું દાંડીનો દરિયો છું.

કહેવા માટે મારી પાસે એક દુઃખાંત કથા છે:

એક દિવસ એક ચાંદનીને, ચાંદથી અલગ કરી દીધી.

બળજબરીથી નાની ઉંમરમાં પરણાવી દીધી.

સ્કૂલમાંથી સીધી પરદેશ પાર્સલ કરી દીધી.

એ દુર્ઘટના મારી નજર સામે બની હતી.

મારે મન એ ક્રૌંન્ચવધ હતો.

મેં એને વાલ્મિકીની આંખે નિહાળ્યો હતો.

મિસ્ટર દાંડીકર,

તને સામાજિક હોવાનું અભિમાન છે.

પણ,

તારામાં નથી માનવતાની આંધી, નથી કુંડલિની જાગૃતિ.

નથી પરદેશમાં પણ નરક છે, એ સત્યની સ્વીકૃતિ.

હવે મારે તને એક પ્રશ્ન પૂછવો છે :

અત્યાર સુધી તેં કેટલાં અનરજીસ્ટર્ડ સ-યુગલ ને

 ખંડિત કરીને રજીસ્ટર્ડ ક-યુગલ બનાવ્યાં છે?

(પંકજદાંડી)

 

મારા ફોનની લાંબી રીંગ વાગી. સ્મૃતિપટ ઉપર રિપીટ થયું એક જૂનું ચિત્ર. ઇન્ટરનેશનલ કોલ ઉપર સામે છેડે પચાસ વરસ પહેલાં ઘટેલી એક સામાજિક દુર્ઘટનાનો શિકાર એવું હૃદય રડી રહ્યું હતું. બીજી તરફ હું હતો એ ઘટનાનાં મૂળનો જાણકાર, એક માત્ર જીવીત સાક્ષી. એ શોષીત-પીડિત હૃદયના આગ્રહ અને સંમતિથી એના જીવનની વ્યથાનો પડઘો પાડતી કથા પોષ્ટ કરું છું. એ પરદેશમાં ખુબ ખુશ હશે એવી મારી માન્યતાના ધજાગરા ઉડી ગયા, જયારે મેં એની વ્યથાને ધ્યાનથી સાંભળી. જે લગ્નની ગોઠવણીમાં એક સંદેશાવાહકનું કામ કરીને હું જેને પુણ્યકર્મ સમજતો રહ્યો, તે તો હકીકતે પાપકર્મ સાબિત થઇ ચૂક્યું હતું. જો કે આ ઘટના દાંડીની નથી. પણ સીતેર એંસીના દશકમાં આવી અનેક ઘટનાઓ કાંઠાના ગામોમાં ઘટી છે જરૂર. માત્ર ઓળખ છુપાવવા માટે જ દાંડી અને દરિયાનો આધાર લેવાયો છે. અહીં દાંડીકર એટલે કાંઠાના માણસો.

સૌથી ઉપર હું માણસ છું

 

સૌથી ઉપર હું માણસ છું

ઓરણા અને સામાપુરનાં ભાડાનાં ઘરથી મારો જીવનપ્રવાસ આરંભાયો,

ઘોડિયાં બદલાયાં, ઘર બદલાયાં, પ્રેમાળ પાડોશીઓ પણ બદલાયાં.

મારી બાએ પ્રેમથી મારું જતન કર્યું,

માંદગીમાં મને બાના સ્નેહની અનુભૂતિ થઇ.

પપ્પાએ કડકાઈની શક્તિથી શિસ્ત આપ્યું,

કેનેડામાં પપ્પાની શિસ્તની શક્તિનો એહસાસ થયો.

નાનાં ભાઈ-બહેનનો પ્રેમ મળ્યો, મારુ બાળપણ ખુબ ખીલ્યું.

સૌએ આગળ વધવામાં સાથ આપ્યો,

અને સર્વશ્રેષ્ઠ પામવા મને દુનિયાના દરિયામાં ધકેલ્યો.

પત્નીનો સંગાથ મળ્યો, સંસાર મંડાયો.

બાળકોના સહકારથી કેનેડામાં સેટલ થવાયું.

હવે ચોસઠ વરસની ઉંમરે આપ સૌની શુભેચ્છાઓ

મેળવીને સમજાયું, હું બધું કરી શકું છું.

કારણ કે મારી ભારતમાતા એ સંસ્કૃતિનું ધામ છે.

જ્યાં ઘણું શીખવાનું મળે છે.

આથી જ હું ગર્વથી કહું છું હિન્દુ છું,

 ગુજરાતી છું, ભારતીય છું, કેનેડિયન પણ છું,

દાંડીકર છું અને એ સૌથી ઉપર હું માણસ છું.

(પંકજદાંડી)

 

સુગંધીદાર ફૂલ

 

સુગંધીદાર ફૂલ

 હવે હું ગુરુકુળમાં હતી તેવી સુગંધીદાર ફૂલ નથી રહી,

પણ જગતના મહાસાગરમાં લાગણી સભર સ્ત્રી બની છું.

હવે સ્વીટ સિક્સટીન વાળો પૂનમનો ચાંદ પણ નથી રહી,

પણ સિક્સટી પછીનો એક નાનકડો તારો બનવા માગું છું.

 

મારાથી  સીધાં ચઢાણ હવે ચઢી શકાતાં નથી ,

છતાં ય વાંકાચૂકા રસ્તે દોડવાની ખ્વાહીશ છે.

આથી જ આ ઉંમરે હું આસમાની ખયાલો નહીં,

પણ મર્યાદાવાળી જમીની હકીકત બનવા માગું છું.

 

હવે મને ઘોંઘાટીયાં મ્યુઝિકની રીધમ નથી જોઈતી,

મારે તો તારી પ્રત્યેક પ્રણય કવિતાની કડી બનવું છે.

તારી કવિતાની આ ચાંદનીને પૂનમનો ચાંદ નથી બનવું,

પણ દાંડી કિનારે ઢળતા સૂરજની આછી લકીર બનવું છે.

 

મારે જળજ્યોતના તીવ્ર વહેણ વાળી નદી નથી બનવું,

પંકમાં ખીલેલા કમળની પાંખડી પરનું જળબિંદુ બનવું છે.

હજુ મારામાં તારી મંઝિલ સુધી પહોંચવાનું ઝનૂન જબરું છે  

અને એટલે જ તારા એ રસ્તાનું જીપીએસ હવે તો શોધવું જ છે.

(પંકજદાંડી)

 

સુખની સમજણ

 

સુખની સમજણ

પ્રભુ !

અમારો યુગ તો મોડર્ન ટેક્નોલોજીનો છે.

IIT, IIM ને AIIMS માં મસ્તિષ્કની માવજત થાય છે,

પણ હૃદયની અવગણના થતી જોવા મળે છે.

Vivo, Oppo, Poco, Moto ભાતભાતનાં ઉપકરણ,  

અને તેના સ્ક્રીન પર આંગળીઓનું વશીકરણ.

ધીમે ધીમે હારી રહેલું અંતઃકરણ,

ને જીતની બાજી મારી જતું નફરતનું રાજકારણ.

ઘસઘસાટ ઊંઘ આવતી નથી,

ને ચિંતા પલંગના નક્શીકામની રહે છે.

કુદરતી હાજત થતી નથી,

પણ ફિકર ઈંગ્લીશ ટોયલેટમાં ટાઈલ્સની છે

ડાયનિંગ ટેબલ ભરેલું છે,

પણ ડોક્ટરની સૂચના તે ખાવાની ના પાડે છે.

ઓફિસ જવા માટે કાર છે,

પણ ઘરે આવી સાયકલ ચલાવી ફેટ ઘટાડાય છે.

અમારી સુખની શોધ ચાલુ છે,

પણ સુખની સમજણ ક્ષીણ થતી જાય છે.

શું કરીએ પ્રભુ ?

સગવડ તો વધે છે, પણ સુખ વધતું નથી.

(પંકજદાંડી)

 

સાથે જીવી ન શકાયું

 

સાથે જીવી ન શકાયું

સ્કૂલ એક હતી, ક્લાસ એક હતો ને બેસતાં સામસામે હતાં,

છતાં ન નીરખી શકાયું, ન બોલી શકાયું, ન સ્પર્શી શકાયું.

સમય તો હતો સ્કૂલના યુનિફોર્મમાં માત્ર થોડાં જ વર્ષોનો,

પણ તેને આજ દિન સુધી આપણાથી ન ભૂલી શકાયું.

સાચી વાત એ છે કે દિલ ધડક્યાં હતાં તો બંને છેડાએ,

પણ પછી બદનસીબે એને ધડકતાં રાખી ન શકાયું.

તું ક્યાં? હું ક્યાં? અને એક  બીજાને શોધવાં ક્યાં?

અંતે વોટ્સએપ પર આવ્યાં તો યે મળી ન શકાયું.

હજુ આજે ય લઈએ છીએ ક્યારેક કિટ્ટા ને ક્યારેક મિટ્ટા,

કેવી બદનસીબી, સાથે ભણીને ય સાથે જીવી ન શકાયું !

(પંકજદાંડી)

 

શ્યામ હતો હવે ઘનશ્યામ થયો

 

શ્યામ હતો હવે ઘનશ્યામ થયો

 ગીતા, વેદો ને મારી કવિતાના અક્ષર કાળા,

પૂજાના પથ્થર કાળા, હજરતનાં કપડાં કાળાં,  

તારે મઢ્યું આખું આસમાન કાળુ,

મારા ફળિયાનું જૂનું નામ કાળુ,

તારા લહેરાતા વાળની ઝુલ્ફો કાળી,

તારા હાથની એક બંગડી ય કાળી,

તારી નશીલી આંખોનું અંજન કાળું,

તારાં શમણાંની નીંદર વાળું અંધારું કાળું,

તારા ગુલાબી ચહેરા પરનો તલ છે કાળો,

ને આપણો ભગવાન કૃષ્ણ પણ કાળો.

સમજાયું હવે મારા શ્યામવર્ણનું રહસ્ય ??

ને મારું સદાય મલકતું મંદ મંદ હાસ્ય ??

કોરોનાને કારણે કલરનો એક થપેડો વધુ થયો,

પણ અંતર મારુ ધવલ થયું, અંદરથી હું શ્વેત થયો.

સ્વાસ્થ્યની વિપરીત પરિસ્થિતિમાં પણ જીવતો રહ્યો,

બસ, પહેલાં હું શ્યામ હતો, હવે ઘનશ્યામ થયો.

(પંકજદાંડી)

હમણાં મારે, મારી કવિતાની નાયિકાને મળવાનું થયું. આમ તો એ મારા શ્યામ વર્ણથી પરીચિત, પરંતુ ઉંમર, અનેક દવાઓની આડઅસર અને કોરોનાની સીધી અસરને કારણે, બદલાયેલો મારો ઘનશ્યામ વર્ણ એણે પહેલી વાર જોયો. હું જેવો છું તેવો જ દેખાઉં છું. પરંતુ મારી નાયિકાને તો રીઝવવી પડશે ને ! એને રીઝવવા માટે જ કવિતાનો આશરો શોધ્યો છે. આજે જો નાયિકા રીઝાઈ જશે તો મારી લેખનકળા જીતી જશે. નહીં તો... “કરતાં જાળ કરોળિયાને કોણ રોકે છે ? આવતા અઠવાડિયે વધુ એક પ્રયત્ન કરીશું. અને પ્રયત્ન ચાલુ રહેશે 'મરતે દમ તક'.