Tuesday, April 1, 2025

4 ઐતિહાસિક દાંડી ગામનો પરિચય- દાંડી અને પ્રકૃતિ

 

4. દાંડી અને પ્રકૃતિ

પ્રકૃતિએ વિશાળ દરિયાકાંઠો આપ્યો. નજીકમાં નવસારી, મટવાડ, વાંસી જેવાં બંદરો મળ્યાં. દાંડી પોતે પણ એક નાનું બંદર હતું. ભૂતકાળમાં દાંડીની જીડીપી માં દરિયાનો ફાળો મહત્તમ રહ્યો હતો. વહાણવટાને કારણે દાંડીના ખલાસીઓ બીલીમોરા, સુરત, ખંભાત, પોરબંદર, દીવ, દમણ, ગોવા, મુંબઈ, મલબાર, મદ્રાસ, કલકત્તા, કરાંચી ,ઢાકા, રંગુન અને ઇસ્તંબુલ તથા આફ્રિકા સાથે નાતો જોડી શક્યા.

દરિયા કાંઠાને પ્રકૃતિના રૌદ્ર સ્વરૂપનો પરચો મળ્યા વિના રહે જ નહીં. લગભગ દરેક ચોમાસું ઓછામાં ઓછું એકાદ વાવાઝોડાંનો અનુભવ કરાવી જ જાય. આજથી વીસ વરસ પહેલાં તારીખ 26-12-2004ના રોજ આવેલ ભયંકર ત્સુનામીને કારણે ભારતના પૂર્વના કાંઠામાં ભયંકર તબાહી થઇ હતી. ત્યારે દાંડીમાં પણ દરિયાનું પાણી ઉપર આવ્યું હતું ખરું પરંતુ તેનું પ્રમાણ ખાસ વધારે ન હતું. ગામમાં એની ખાસ નોંધ પણ લેવામાં આવી ન હતી.

તારીખ 26-06-1941 ના દિવસે પણ નાનકડાં ત્સુનામીનો અનુભવ દાંડીને થયેલો. તારીખ 27-11-1945ના રોજ આવેલ ત્સુનામીનાં પાણી દાંડીના દરિયાના કાંઠાને ઓળંગી ગયાં હતાં. પરંતુ ત્યારે ગામમાં ત્સુનામી નામની કોઈ જાણકારી ન હોવાથી એને દરિયાનું તોફાન માની લેવાયેલું. અને સમય જતાં લોકો ભૂલી ગયા.

દરિયાઈ વાવાઝોડામાં ફસાઈને 1976માં ઇજિપ્તનું અને 1985માં ભારતનું વ્યાપારી જહાજ દાંડી નજીક કિનારે આવી ગયાં હતા. હતાં જેને પાછાં દરિયામાં લઇ જઈ શકાયાં ન હતાં. ONGC નું એક બાર્જ પણ દાંડીના દરિયામાં એના કપ્તાન સહીત ડૂબ્યું હતું.

ગુજરાતે અનુભવેલા ધરતીકંપથી દાંડી કેવી રીતે અલિપ્ત રહી શકે? લગભગ દરેક વેળા દાંડીની ધરતી પણ ધ્રુજી છે. 26 જાન્યુઆરી 2001ના ભયાનક ધરતીકંપ વેળા દાંડીનાં ઘણાં ઘરોની દીવાલમાં તીરાડો પડી હતી.

દરિયાના કિનારા ઉપર કેટલીક વનસ્પતિઓ ઉગી નીકળતી. જેમાં વેલાવાળી મરજાદ અને ચણીબોર મુખ્ય હતાં. તે ઉપરાંત અમરવેલ થતી. જેને સ્થાનિક ભાષામાં સુથારડી કહેવાતું. ફાફડાથોર અને કુંવારપાઠું (એલોવીરા) તથા આંકડાના છોડ ઉગતા. જંગલખાતા તરફથી ગાંડોબાવળ, સરૂ અને તાડનું પ્લાન્ટેશન થયું. તેમાંથી ગાંડો બાવળ અહીં પોતાનો પગદંડો જમાવી ગયો.

દરિયાઇભાજી ગણાતી મરચર (Salicornia)  અને મોહરો (Suaeda maritima-મોરસ- મોરડ- લૂણો), ખારી આલ, તિવાર, ઘાબાજરિયું ઉપરાંત અનેક પ્રકારનાં ઘાસ દાંડીની ભૂમિમાં ઉગતાં હતાં. પીલવણ, હંદીરો(ગુલમહોર-સોનમહોર વર્ગનું ઝાડ), ભીડી(પીપરડી), ખારી ભીડી, ખારી સરૂ જેવી વનસ્પતિ દાંડી જેવા ખારપાટ માં જ જોવા મળે.

અન્ય ઝાડમાં ખાટી આમલી, વિલાયતી આમલી, ચોરમલો (ગોર આમલો),  સરગવો, દેશી આંબા, બોરડી, દેશી મહેંદી, દેશી બાવળ વગેરે જોવા મળતાં. હવે કલમના આંબા, ચીકુ, નાળિયેરી વગેરે જેવાં ઝાડોની સંખ્યા વધી છે.

પક્ષીઓનું પ્રમાણ હવે ઘણું ઘટી ગયું છે. છતાં ઋતુ પ્રમાણે અમુક પક્ષીઓ જોવા મળે છે. જેમાં પીરોટ, વિઘન, હમીંગ બર્ડ, દેવ ચકલી (દિવાળી ગલ્લા), ઘર ચકલી, ખારી ચકલી, તેતર, લાવરી, શકરો- બાજ, ગીધ, સમડી, બગલા, કાગડા, મોર, કાબર, હૈયા, કબૂતર વગેરે મુખ્ય છે. સીગલ, સારસ અને તેના પ્રકારના કેટલાંક ઋતુ પ્રવાસી પક્ષીઓ પણ જોવા મળતાં.

જંગલી પ્રાણીઓમાં સસલાં અને શિયાળ મુખ્ય છે. ક્યારેક દીપડાની હાજરી પણ નોંધાઈ છે. હવે રખડતી ગાયો અને ભેંસોનું પ્રમાણ ઘણું વધારે છે. એક શતાબ્દી અગાઉ નીલગાય - હરણ અને તેની સાથે લાકડીયા વાઘ પણ હતા. રાની બિલાડીઓ અને જળ બિલાડીઓ સાથે સ્થાનિક ભાષામાં વનોર નામે ઓળખાતું નિશાચર પ્રાણી પણ છે. સાપ, નોળીયા, કાચબા, કાચીંડા, ઘો, ખિસકોલી, ઉંદર, છછૂંદર, કોર, વંદા, માંકડ, ચાંચડ, મચ્છર વગેરે સાથે સ્ટ્રીટ ડોગ પણ હોવાના જ.

દરિયામાં દરિયાઈ કાચબા છે. ચોમાસામાં તે ઈંડા મુકવા માટે બહાર આવે ત્યારે તેમનાં ઈંડાનો શિકાર થઇ જાય છે. ડોલ્ફિન પણ ક્યારેક જોવા મળે છે. 1976માં મૃત વ્હેલ માછલી પણ તણાઈ આવી હતી. જેનું હાડપિંજર બી.પી.બારીયા સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ નવસારી ખાતે સાચવી રખાયું છે.

પ્રકૃતિનો રૂપાળો પરિચય કરવા માટે દાંડીના દરિયા કિનારે થતો સૂર્યાસ્ત નિહાળવો જોઈએ. દરિયાનાં પાણીમાં ધીમે ધીમે ડૂબતો સૂરજ તેના પ્રકાશને ઝાંખો કરતાં કરતાં ઊંધા માટલાં જેવો દેખાઈને અસ્ત થઇ જાય એ ઘટના અતિ આહલાદક હોય છે.

દાંડીની ધરતી અને હવામાં ક્ષારનું પ્રમાણ વધારે હોવાથી ઘરોમાં કાટ અને લૂણો લાગવાનું પ્રમાણ વધારે છે.

 

3 ઐતિહાસિક દાંડી ગામનો પરિચય- દાંડીની ભૂગોળ

 

3.  દાંડીની ભૂગોળ

છેલ્લાં અઢીસો કે તેથી પણ વધુ વર્ષોથી દાંડી એની જગ્યાએ સ્થિર છે, પરંતુ તેની ફરતેની ભૂગોળ અવારનવાર બદલાતી રહી છે. સરકારી દસ્તાવેજો મુજબ આ ગામ 21° 19' 60.00" N અક્ષાંસ અને 72° 37' 59.99" E રેખાંશ પર નવસારી રેલવે સ્ટેશનથી 16 કી.મી. અને ગાંધીગેટ તથા એરૂ ચારરસ્તાથી લગભગ 14 કી.મી. પશ્ચિમે અરબી સમુદ્ર કિનારે વહેલું વસેલું છે.  

બ્રિટિશ શાસન દરમ્યાન લગભગ 1870 ની આસપાસ આઈરીશ ઇંજિનિયર મિ. સી. ફોર્ડે નેધરલેન્ડ્સના અનુભવો કામે લગાડી દાંડીની ફરતે ફરી વળતાં દરિયાની ભરતીનાં ખારાં પાણીને માટીના પાળા બનાવી રોકવામાં સફળતા મેળવી. સરકારે આ જમીન સી.ફોર્ડને નામે દફતરે ચડાવી. પાછળથી આ પૈકીની મોટાભાગની જમીન (ફૈઝલભાઈ) ફાઝલભાઈ ઈબ્રાહીમની કંપની પાસે આવી. લગભગ તેઓ સી.ફોર્ડના કારભારી હતા.

આ સમયે દાંડીની આસપાસ ડાંગરની ક્યારીઓ બની અને તેમાં ડાંગરનો પાક થવા લાગ્યો. વખત જતાં પાળાની મરામત ન થવાથી તે તૂટ્યા. અને ફરીથી દરિયાની ભરતીનાં ખારાં પાણી ફરી વાળવા લાગ્યાં. લોકોએ ખેતી છોડી દીધી પણ જમીનની માલિકી ફાઝલભાઈની કંપનીના નામે જ રહી.

દાંડીકૂચ માટે ગાંધીજી આવ્યા ત્યારે દાંડીની ફરતે પાણી ફરી વળતાં જ હતાં. ખુદ ગાંધીજી પોતે જ લખે છે કે તેઓ મટવાડથી કાદવમાં ચાલતા દાંડી પહોંચ્યા હતા.

આઝાદી પછી દાંડીના લોકોના પરિશ્રમથી દાંડીની ભૂગોળ ફરી બદલાઈ. દાંડી વિભાગ ખેતી  સહકારી મંડળી મારફતે ફરીથી મોટા અને વ્યવસ્થિત બંધો બનતાં પાછાં ખારાં પાણીને આવતાં અટકાવાયાં. સને 1951 પછી આ શક્ય બન્યું. 1961-62માં મટવાડ બંદર આગળ પુલ બનતાં દાંડી રોડ માર્ગથી નવસારી સાથે જોડાયું. અને ધીમે ધીમે દાંડીની ભૂગોળમાંથી કાદવ કીચડ અદશ્ય થયાં. ડાંગરની ખેતી શરુ થઇ. પશુધન માટે પૂરતો ઘાસચારો પણ મળવા લાગ્યો. પણ પછી ધૂળનું સામ્રાજ્ય ફેલાયું. દરિયા પરથી આવતા પવન ઉપર સવાર થઈને ખારી સૂકી ધૂળ દાંડી, સામાપુર, આટ થી લઇ ઓંજલ સુધીનાં ગામોને રંજાડતી રહી.

વારંવાર અનિયમિત વરસાદ અને રખડતાં ઢોરને કારણે ખેતી બંધ થઇ. હવે ધીમેધીમે જંગલી બાવળે પોતાનો પ્રભાવ દેખાડવો શરુ કર્યો. તેણે કઇંક અંશે દરિયાનું ધોવાણ રોક્યું, પરંતુ દાંડી આટ અને ઓંજલના ત્રિકોણમાં તેઓ જ પ્રોબ્લેમ બનીને ઉભા થયા.

હવે આજે 2025ની સાલમાં દાંડીની ભૂગોળ કઈંક આવી છે. ઉત્તરે સામાપુર સુધી અને દક્ષિણમાં ઓંજલ તથા પૂર્વમાં આટ-માંડળીયા સુધી કોઈ ખેતી નથી. મત્સ્યોદ્યોગના તળાવો છે. કોસ્ટલ હાઇવે અને હેરિટેજ હાઇવે છે. સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ છે. અને સુંદર બીચ છે. ગામમાં હવે નળિયાંવાળા મકાન ઓછાં છે. પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, હોસ્ટેલ, પાંણીની ટાંકી, મંદિર, દરગાહ, આરોગ્યકેન્દ્દ, બેન્ક, પોષ્ટઓફિસ વગેરેનાં પાકાં મકાનો છે. મોબાઈલના ટાવર છે. લગભગ તમામ ઘરોને જોડતા ડામરના પાકા રસ્તા છે. ઉપરાંત સિમેન્ટના બ્લોક છે. દરિયાના ધોવાણને રોકવા માટે બાવળના ઝાડની પટ્ટી અને પ્રોટેક્શન વોલ છે.

 

 

 

 

Monday, March 31, 2025

2 ઐતિહાસિક દાંડી ગામનો પરિચય -- દાંડીનો ઈતિહાસ

 

2. દાંડીનો ઈતિહાસ

દાંડીની ગઈકાલને યાદ કરવા અને આજના વર્તમાનને સમજવા માટે આપણે દાંડીનાં ઇતિહાસ અને ભૂગોળ સમજવાં પડશે. પછી લોકજીવન, સમાજના આગેવાનો, મહત્વના સ્થળો, વિકાસના ક્રમમાં દાંડીનું સ્થાન, રમત ગમત, શિક્ષણ, આરોગ્ય, આજીવિકા વગેરે વિષયો પર પણ નજર નાખી લઈએ. ઐતિહાસિક દાંડીકૂચ અને તેની સીધી- આડકતરી, લાંબા- ટૂંકા ગાળાની અસરને પણ જોઈ-સમજી લઈએ. અંતે આપણને આવતીકાલનું દાંડી કેવું હશે તેનું આછેરો ખ્યાલ આવી શકશે.

અહીં દાંડીની ગઈકાલ એટલે ગામની સ્થાપનાથી લઈને વીસમી સદીના અંત (ઈ.સ.2000) સુધીનો સમય ગાળો. આજનો અર્થ ઈ.સ.2001 થી ઈ.સ.2025 સુધીનું વર્તમાન. અને આવતીકાલ એટલે ઈ.સ. 2025 પછીનું ભવિષ્ય.

પ્રથમ બે બાબતો વિચાર માંગી લે છે. એક તો ગામનું નામ દાંડી કેવી રીતે પડયું હશે, અને બીજું તેની પ્રથમ વસાહત ક્યારે અને કોની થઇ હશે.

સામાન્ય ગુજરાતી તળપદી ભાષામાં નદીના મુખપ્રદેશમાં બનતા મોટા ટાપુ, (મુખત્રિકોણ DELTA) ને દાંડો કહેવામાં આવે છે. સંભવ છે નાના ટાપુને દાંડી કહેવાતું હોય. આવા જ એક નાના ટાપુ પર વસેલું ગામ ‘દાંડી’ કહેવાયું હોય શકે. ગુજરાતથી લઇ કેરળ સુધી અનેક દાંડી ગામો આજે પણ અસ્તિત્વ ધરાવે છે. આપણા દાંડીની નજીકમાં ઉત્તરે વાંસી બોરસીનું દાંડી અને મોર ભગવા દાંડી તથા દક્ષિણે વલસાડ જિલ્લાનું તીથલ દાંડી આવેલાં છે.

દાંડીની પ્રથમ વસાહત અંગે જુદાં જુદાં મંતવ્યો મળ્યાં. કેટલાક લોકોની ધારણા મુજબ સન 1820 ની આસપાસ દાંડી સ્થપાયું હશે. કોઈકે જણાવ્યું કે વર્ષો પહેલાં ઓરીજીનલ દાંડીને દરિયો ભરખી ગયો એટલે ગામના લોકોએ હાલ છે એ જગ્યાએ સ્થળાંતર કરી નવું ગામ વસાવેલું.

કોળી પ્રજાનો ઇતિહાસ તપાસતાં પાવાગઢ વિસ્તારથી તેઓ આવ્યા હોવાના રેફરન્સ મળે છે. 21 નવેમ્બર 1484માં મહંમદ બેગડાએ પાવાગઢ જીત્યું. પાવાગઢના શાસક પતઇ રાવળનું સૈન્ય, જેમાં કોળી સૈનિકોની સંખ્યા ઘણી હતી, તેઓ ઇસ્લામ ધર્મ કબુલ ન કરવો પડે એટલા માટે પોતાના કુટુંબ કબીલા સાથે દક્ષિણ દિશામાં ભાગીને નમર્દા પાર કરી હાલના દક્ષિણ ગુજરાતમાં વસ્યા. આ પૈકીના કોઈક કબીલા ધીરે ધીરે દક્ષિણ તરફ અને દરિયા તરફ વધતા વધતા દાંડી સુધી આવ્યા હોય એવું બની શકે છે. આમ પંદરમી સદીના અંત કે સોળમી સદીની શરૂઆતમાં દાંડી વસ્યું હોય એવું બને.

માણસ જ્યાં પણ વસે ત્યાં પોતાનું ધર્મસ્થાન જરૂર ઉભું કરે. દાંડીમાં વસનારાઓએ પણ પોતપોતાનાં ધર્મસ્થાનો જરૂર બનાવ્યાં હશે. દાંડીમાં એક મઝાર અને થોડાં મંદિરોનો આધાર લઇ શકાય એમ છે.

હજાણી બીબી દરગાહ ટ્રસ્ટ તરફથી જે માહિતી જાહેર કરવામાં આવી છે તે મુજબ હજાણી બીબી હજયાત્રા પુરી કરીને જયારે પોતાના દેશ પાછાં ફરતાં હતાં ત્યારે હિ. સ. 900 માં 22-23મી મહોરમે તેઓનું વહાણ દાંડી નજીક તોફાનમાં સપડાયું અને અંતે ભાંગીને ભુક્કો થઇ ગયું. વહાણના બધા મુસાફરો દરિયાને ખોળે સમાઈ ગયા. સૈયદના યુસુફ નજમુદ્દીન સાહેબ (આ.કુ.) ના માતાજી અને બહેનની લાશ મુબારક એક પાટિયાને આધારે તરતી તરતી દાંડીના કિનારે આવી.

હજાણી બીબી ટ્રસ્ટની માહિતીને સાચી માની લઈએ તો ઈ.સ. 1494,ઓક્ટોબર 23, બુધવાર અને ગુરુવારની રાતે આ ઘટના ઘટી. સામાન્ય મુસ્લિમ કેલેન્ડર અને દાઉદી વહોરા કેલેન્ડર વચ્ચે પણ થોડો તફાવત છે. એ ધ્યાનમાં લઈએ તો પંદરમી સદીના અંત કે સોળમી સદીના આરંભમાં આ ઘટના બની હોવી જોઈએ. એટલે કે પંદરમી સદીથી કે તે પહેલાંથી દાંડીમાં વસાહત થઇ હોવી જોઈએ.

દરગાહ બનાવવા માટે કોળી અથવા માછી લોકોએ પોતાની જમીન દાનમાં આપી હતી એવા હેવાલ છે. આ દાન મુખ્યત્વે વાઘાફળીયાના કુટુંબ તરફથી મળ્યું હતું. વાઘાફળિયાનાં ઘરોની રચના જોઈએ તો તે હજાણીના કમ્પાઉન્ડની બિલકુલ બાજુમાં જ છે. એમનાં ઘરોની આગળ વધારે જગ્યા નથી. જયારે માણસ દાન કરે ત્યારે પોતાને ભવિષ્યમાં અગવડ ન પડે તેટલું તો અવશ્ય વિચારે. એટલે એક કલ્પના એવી કરી શકાય કે, જયારે હજાણી મા અને દીકરીને દફન કરવામાં આવ્યાં ત્યારે આ જગ્યાએ માત્ર વાડો હોવો જોઈએ. અને વાઘાફળિયાનાં ઘરો પણ આજે છે ત્યાં ન હોવાં જોઈએ.

દાંડીની ઉત્તરે પુર્ણાને કિનારે સિંધવાઇ માતાનું મંદિર છે. ખરેખર તો એ સિંધવાળી માતા છે. અપભ્રંશ થઈને સિંધવાઇ બન્યું. પરંતુ સિંધથી આવેલા કોળી લોકો ક્યારે આવ્યા તેની માહિતી મળી શકી નથી. જો કે તેઓ પુર્ણાને ઉત્તરે વસ્યા હતા.

માલણ વિસ્તરમાં આવેલું અગાસી માતાનું મંદિર તો હમણાં જ બન્યું. પરંતુ ત્યાં એક પથ્થરને દેવ માનીને પૂજા કરવામાં આવતી હતી. આ માતાને મરઘાનો બલિ ચડાવાતો હતો. ત્યાં નૈવેદ્યમાં માંસાહાર અને મદિરાપાન પણ થતાં. આ કોળી પ્રજાની કુળદેવી છે. પરંતુ આ સ્થાનક ક્યારે અસ્તિત્વમાં આવ્યું એની કોઈ વિગત મળી શકી નથી.

રાધાકૃષ્ણ મંદિરની જગ્યાએ હનુમાનજીની દેરી હતી. તે પ્રાઇવેટ પ્રોપર્ટી હતી. પરંતુ ત્યાં પણ હનુમાનજીની પ્રતિમાની સ્થાપનાના સમયગાળાની માહિતી મળતી નથી.

ગામી તળાવના ઈશાન ખૂણામાં વણિક સમાજનું ખત્રીબાપાનું મંદિર છે. એટલે ક્યારેક દાંડીમાં વણિક સમાજનો પણ વસવાટ હોવો જોઈએ. બીજું એક મંદિર પહાડ તરીકે ઓળખાતા વિસ્તારમાં રેવામાતાનું છે. રેવા એટલે નર્મદા. નર્મદા વિસ્તારથી આવેલી પ્રજાએ રેવામાતાનું સ્થાનક બનાવ્યું હોય શકે. દેસાઈ ફળિયામાં રાંદલમાતાનું સ્થાનક છે. રાંદલમાતાનો સંબંધ સૌરાષ્ટ્રના ગોંડલ વિસ્તાર સાથે છે. કોઈ કુટુંબ ગોંડલ વિસ્તારથી પણ આવ્યું હોઈ શકે. આટલાં સ્થાનક, દેરાં, મંદિર હોવા છતાં તેમની સ્થાપના બાબતે કોઈ વિગત મળતી નથી.

ગામમાં દાઉદી વહોરા સમાજના કેટલાક બંગલા હતા. તે પૈકીનો એક હાલ દરિયા કિનારે દાંડીરોડ પૂરો થાય છે ત્યાં હતો. એટલે દરિયો ત્યાંથી દૂર હોવો જોઈએ. ઈ.સ. 1950 સુધી દરિયાની ભરતીનાં પાણી ઉતરી જાય ત્યારે એક કૂવાના અવશેષ દેખાતા. આ ઉપરથી અનુમાન થઇ શકે કે, દરિયાનો કિનારો ઘણો ધોવાયો છે.

પંદરમી-સોળમી સદીમાં વસેલા દાંડીના ટાપુને દરિયો ભરખી ગયો હોય અને પછી હાલના સ્થાને ગામ ફરીથી વસ્યું હોય એવું બની શકે. જો કે આ તમામ ધારણાઓ અને અંદાજિત ગણતરીઓ છે.

છેલ્લા બસો વરસના સમયગાળાની મળતી વિગતો મુજબ દાંડીની ગઈકાલના ઇતિહાસને ચાર તબક્કામાં વહેંચી શકાય છે.

·       પહેલો તબક્કો, સન. 1870 પહેલાંનો, જેમાં દાંડીના અસ્તિત્વથી લઇ મિ. સી. ફોર્ડ ના માટીના બંધો સુધીનો પિરિયડ આવે.

·       બીજો તબક્કો, સન 1870 થી 1930 સુધીનો, જેમાં સી. ફોર્ડના બંધથી ગાંધીજીની દાંડીકૂચ સુધી.

·       ત્રીજો તબક્કો, સન 1930 થી 1951 સુધીનો જેમાં દાંડીકૂચથી સ્વરાજપ્રાપ્તિ અને માટીના બંધોની ફરીથી વ્યવસ્થિત શરૂઆત.

·       ચોથો તબક્કો સન 1951 થી 2000 સુધીનો જેમાં બંધ નિર્માણ પછીનું દાંડી આવે.



           

1.2 ઐતિહાસિક દાંડી ગામનો પરિચય ---પ્રાસ્તાવિક

 

પ્રાસ્તાવિક

ભાઈ પંકજનો આ મહેનતભર્યો પ્રયાસ ઘણો આવકાર્ય છે. આવું લખાણ, સાહિત્ય બહુ ઓછું જોવા મળે છે.

દરેક ગામ પાસે આવો ખજાનો હોવાનો જ, પણ તેને ઉજાગર કરનાર 'પંકજ' બહુ અલ્પ છે. તેથી કોઈકને પોતાના ગામ વિષે લખવાની પ્રેરણા આ લખાણમાંથી થાય તેવી આશા-અપેક્ષા રાખવી સહજ છે.

આ લખાણ દાંડી ગામનો પરિચય કરાવે છે. ઇતિહાસ અને પરિચય સાવ ભિન્ન છે. ઇતિહાસમાં અંગતપણું ન આવે. કલ્પના પણ ન હોય, સચોટ અને પ્રેરક ભૂતકાળનું આલેખન હોય. અને સૌથી મહત્વનું તો એ છે કે, ઇતિહાસ બોધપ્રેરક હોય. ઇતિહાસનાં પાત્રો અમર થવાની કક્ષાનાં હોય. ભૂતકાળની ભૂલોમાંથી સુધરવાની પ્રેરણા આપતાં પાત્રો કે પ્રસંગો હોય. આ દષ્ટિથી જોતાં 'ગામનો પરિચય' શબ્દ યોગ્ય અને યથાર્થ ગણાય.

દાંડી ગામ આ પાસે ઇતિહાસ લખવા માટે પૂરતાં કારણો અને સામગ્રી છે, પણ તેને શબ્દદેહ આપનાર લેખકની જરૂર છે. આશા છે કે કોઈ ઇતિહાસકાર જરૂરથી નીકળશે. દાંડીનો ઇતિહાસ લખવાની મારી ખૂબ ઈચ્છા હતી.

ભાઈ પંકજે પ્રયાસ તો ઘણા સારા કર્યા છે.

·       દાંડી ગામ કેવી રીતે વસ્યું અને વિકસ્યું.

·       ગામની ભૂગોળ,દરિયાઈ લોકજીવન, વનસ્પતિ, જીવસૃષ્ટિ વિગેરે.

·       આરંભનું લોકજીવન- કુટુંબ, ફળિયું, ગામનો વસવાટ વગેરે

·       પધ્ધતિસરનું ગામ અને લોકજીવન -આધુનિકતાનો સદંતર અભાવ.

·       ગામના અગ્રણીઓ, મંડળો દ્વારા પ્રસ્થાપિત થતું આધુનિક જીવન.

·       ભાષા અને લોકબોલી- તહેવારો,ઉત્સવો, સ્ત્રીજીવન.

·       અભાવ અને પુરુષાર્થ.

·       મહાત્મા ગાંધીની દાંડીકૂચ અને ગાંધીસમારક.

આમ સમગ્ર રીતે ગામને આવરી લેતાં દરેક પાસાંઓની વિસ્તૃત છણાવટ અને થોડા ફોટોગ્રાફ  દ્વારા પંકજભાઈએ ઐતિહાસિક દાંડીગામનો સુપેરે પરિચય કરાવ્યો છે. એમણે લીધેલી જહેમત અન્ય ગામો માટે પ્રેરણાદાયી, અનુકરણીય બની રહો એ જ અભ્યર્થના !

 

વિનય મંદિર દાંડી                                                  ધીરુભાઈ પટેલ

તારીખ: 01/01/2025

1.1 ઐતિહાસિક દાંડી ગામનો પરિચય - લેખકનું નિવેદન

 

ઐતિહાસિક દાંડી ગામનો પરિચય

લેખકનું નિવેદન

પ્રિય વાચકમિત્રો,

દાંડી વિશ્વપ્રસિધ્ધ ગામ છે. મહાત્મા ગાંધીજીએ સ્વરાજ મેળવવાનો એક રસ્તો અહીંથી શોધ્યો હતો. જે ધરતી પર એક વિશ્વમાનવનાં પગલાં પડયાં, અહીં તે ગામનો પરિચય કરાવવાનો પ્રયત્ન થયો છે.

મારું નામ પંકજ, અને ગામ દાંડી. આ બે નો જોડિયો શબ્દ ‘પંકજદાંડી’ મારું બ્રાન્ડનેમ. જયારે મારા બ્રાન્ડનેમમાં જ મારા ગામનો સમાવેશ થયેલો છે ત્યારે એ ગામનો પરિચય કરાવતી વેળા સાચી વાતો જ લખાય, અથવા અનુમાન બાંધતાં સત્યની વધુમાં વધુ નજીક હોય, એનું જ વર્ણન થાય તે અત્યંત જરૂરી છે.

ઓક્ટોબર-નવેમ્બર 2023 દરમ્યાન મારી બા ના અવસાનને કારણે હું દાંડીમાં જ હતો, ત્યારે 94 વરસની જૈફ વયે ધીરુભાઈ પગના ઘૂટણ અને પ્રોસ્ટેટની તકલીફને કારણે પથારીવશ હતા. એમણે મને એમના ઘરે બોલાવીને મારા હાથમાં એક નોટ પકડાવી દીધી. જેમાં તેમણે દાંડીનો ઇતિહાસ લખવા માટે કરેલી તૈયારીઓની કાચી નોંધ હતી. મારા હાથમાં જેકપોટ આવી પડયું, જેમાં માહિતીનો ખજાનો હતો.

ગામના ઇતિહાસને લખવા માટે મારા પહેલાં પણ કોઈકે પ્રયત્ન કર્યો હશે પરંતુ મને એવા કોઈ રેફરન્સ મળ્યા નથી. મારી પાસે પૂરતો સમય હતો અને દાંડીના ઇતિહાસની બાબતમાં ઊંડા ઉતરવામાં મને રસ પણ હતો. તેમાં હું ઉતરતો ગયો, ત્યારે મારા મનમાં ઘણા પ્રશ્નો ઉદ્દભવ્યા. મારા પપ્પા (અમૃતભાઈ મકનજી), દાદા (કેશવભાઈ નાનાભાઈ), મામા (મ.ના.પટેલ), સોમભાઈ, ભગવાનદાસ કાલીદાસ, પરભુભાઈ રામભાઈ, વલ્લભભાઈ ભાણાભાઈ, કેસુરભાઈ પટેલ, લલ્લુભાઇ પરભુભાઈ, જસુભાઈ ફકીરભાઈ, મારાં બા (પાર્વતીબહેન) વગેરે પાસેથી તેમનાં અવસાન પહેલાં માહિતી મેળવી લેવાનું હું ચુક્યો. પરંતુ નાનપણથી મારા પપ્પા પાસેથી અને અન્ય રીતે મળેલી માહિતીઓને યાદ કરીને તેને શબ્દદેહ આપવાનો પ્રયત્ન કર્યો છે.

જેમના પિતાજી ગામના આગેવાન હતા, એવા મારા કેટલાક મિત્રો દેશમાં અને પરદેશમાં છે. તેમનો સંપર્ક કર્યો. કેટલાકે સરસ માહિતી મોકલી. પરંતુ જ્યાંથી મને ઘણી આશા હતી એવા કેટલાક મિત્રોએ ખાસ રસ દાખવ્યો નહીં. છતાં જેટલી પણ માહિતી મળી તેનો ઉપયોગ કરી એક નાનકડી પરિચય પુસ્તિકા બનાવવાનો પ્રયત્ન કર્યો છે.

સુજ્ઞ વાચકોને સમક્ષ વિનમ્રભાવે એક સ્પષ્ટતા કરવાની કે, મારા આ લખાણ પાછળનો આશય કોઇપણની લાગણી દુભાવવાનો નથી. ગામના લોકજીવન બાબતે આજના સમયના સાપેક્ષમાં થોડા દસકાઓ પહેલાંની પરિસ્થિતિ જુદી હોવાને કારણે, અને ત્યારનું લોકજીવન ભિન્ન હોવાને કારણે ક્યાંક ક્યાંક આપણને લઘુતાગ્રંથીનો અનુભવ પણ થઇ શકે એમ છે. પરંતુ મેં અહીં લોખંડ ઉપર સોનેરી રંગ લગાવી તેને સોનુ કહેવાની કુચેષ્ટા નથી કરી. મળેલી ખરબચડી માહિતીઓને પોલિશ કર્યા વિના જેવી હતી તેવી જ રજુ કરી છે.

દાંડીનો પરિચય આપવામાં કોઈ ત્રુટિ કે વિવાદાસ્પદ લખાણ જણાય તો તે લેખક તરીકે મારી પોતાની અંગત જવાબદારી છે એમ સમજવું.

શારીરિક અને સામાજિક કદમાં નાનો માણસ છું, અને નાની નાની બાબતો વણી લઈને આપની સમક્ષ પ્રસ્તુત થાઉં છું. અનુભવની ઉણપ પણ ગણાય. કારણ કે આ મારો પ્રથમ પ્રયાસ છે. આશા રાખું છું મારી મર્યાદાઓને નજર અંદાજ કરીને મારા પ્રામાણિક પ્રયાસને આપનો આવકાર મળશે.

અત્યારે એનું પ્રિન્ટિગ કરવાનો ઈરાદો નથી. થોડો સમય એને ડિજિટલ અવસ્થામાં રાખવું છે, જેથી અધૂરી, અપૂરતી, ખોટી અને નકામી માહિતીઓની સર્જરી કરી શકાય.

સહુને મારા જય શ્રી કૃષ્ણ !

 

લવાલ /મોન્ટ્રિઅલ                                                       પંકજદાંડી

તારીખ : 01/01/2025

 

ઐતિહાસિક દાંડી ગામનો પરિચય