Friday, August 14, 2026

કટુ સત્ય

 

કટુ સત્ય

જીવનમાં તકલીફ તો ઘણી આવી,

શું થાય ? સહન થઇ શકી એટલી સહી,

પછી સહનશક્તિની મર્યાદા જ વધારી દીધી.

ઘણી વાર જાતે જ નવી કેડી કંડારવી પડી,

જાતને નિયમના અપવાદમાં બાંધવી પડી.

મંજિલ ઘણી દૂર હતી ને ડગલાં મારાં નાનાં હતાં,

સફર ઘણી મુશ્કેલ રહી પણ સપનાં મારાં મોટાં હતાં.

નાનકડી જિંદગીએ તો રંગ વારંવાર બદલ્યો,

પણ ભરોસો ખુદ પર કર્યો ને જાતે જ તર્યો.

વારસદાર ને સાથીદારનો સાથ હંમેશાં નથી મળતો,

એકલાની પીઠ પર જ આવે છે કબીલાનો બોજો.

નાની નાની ખુશીમાં જિંદગી સરસ જીવવાનું શીખી લીધું,

મેં મારા અનુભવનું કટુ સત્ય કવિતામાં આલેખી દીધું.

 (પંકજદાંડી)

 

એક વેકેશન પૂરું થતું

 

એક વેકેશન પૂરું થતું

એ પણ દિવસો હતા, જયારે અમે નાનાં બાળકો હતાં,

આખી ચપલાશેરીમાં બાલકિલ્લોલનાં ગુંજન થતાં.

હીરાદાદાનો સંચો ને બાલીકાકીની રવઈનું સંગીત હતું,

વળી જાત્રાની વાંસળી ને સિસોટીનું સ્નેહમિલન થતું.

પીપરડીના ઝાડની ડાળે હીંચકો ઝૂલતો રહેતો,

દેશી વિમાનમાં ઉડવાનો અખતરો પણ થતો.

ગિલ્લી દંડા, સાત ઠીકરી ને થપ્પા ના અમે તેંડુલકર હતા,

દક્ષાનો સ્કર્ટ પહેરીને જ્યોતિ પાસે બીજો દાવ માંગતા હતા.

“બાલીબેન અચ્છેર શેર દૂધ મળશે”ની

ધૂન પર પંકજનું ‘તાંડવનૃત્ય’ થતું.

પરિમલ અને બાલીકાકી વચ્ચેના યુદ્ધમાં

નિર્દોષ માટલું બિચારું ‘શહીદ’ થતું.

ને...આમ અમારું એક વેકેશન પૂરું થતું.

(પંકજદાંડી)

 

હમણાં જ, જાન્યુઆરી 2022માં ગૌતમ અને રંજનપુત્ર રિષિના લગ્ન થયાં. અમારી પેઢી પાસે હવે પુત્ર, પુત્રવધુ અને પૌત્ર-પૌત્રીનો કાફલો વધવા લાગ્યો. સાથે અમારા પૂર્વજો  દાદા-દાદી, કાકા-કાકી, બા-પપ્પા વગેરેની વિદાય થતી રહી. આજની રચના અમારા બાળપણને યાદ કરીને લખી છે. બાલીકાકી હકીકતે મારા પપ્પા અને ધીરુકાકાનાં કાકી એટલે અમારાં દાદી કહેવાય પણ બધી જ દાદીઓને અમે કાકી કહેતા. અમારા ચપલાવાળા કુટુંબની કુલ છ ડોશીઓ પૈકી બાલીકાકી ત્યારની અમારી ‘ટપુસેના’ નાં પ્રિય કાકી હતાં.

 

એક વાત કહેવી છે

 

એક વાત કહેવી છે

તું મને જયારે રીંગ કરશે ત્યારે એક વાત કહેવી છે,

મારે દિલની છુપી શરારત તને ઉજાગર કરવી છે,

તું સૌ માટે હજુ સુધી અકબંધ રહેલું એક રહસ્ય છે,

વર્ષોથી આ જ વાત પંકજ કવિતામાં કહી રહ્યો છે,

તું મારા મનમાં રહેલો કોઈ ભ્રમ કે પછી બીજું કંઈ છે,

સાચે જ નથી જાણતો એ પ્રેમ છે, ઇશ્ક છે કે મહોબત છે.

તું મારા આચારમાં, વિચારમાં, કવિતાઓની કડીમાં છે,

વોટ્સએપ ને ફેસબુકની પોષ્ટમાં પરિચિત છબીમાં છે.

તું ઉજાગરા વાળી અનેક રાતોમાં છુપાયેલી કહાણી છે,

બસ મારે દિલની છુપી આ જ વાત તને હવે કહેવી છે.

(પંકજદાંડી)

ગમતી વ્યક્તિ મળી

 

ગમતી વ્યક્તિ મળી

એક ગમતી વ્યક્તિ મળી,

જાણે વર્ષો જૂની ભક્તિ ફળી.

અરે યાર ! ખબર પણ ન પડી,

મને મારા જ ભૂતકાળની વ્યક્તિ જડી.

અડધી સદીના અધૂરા અરમાનોમાં કેવી શક્તિ હશે?

કેટલી ઝંખનાઓ મેં મારા સ્વપ્નમાં જગાડી હશે ?

જયારે ભારતમાં, તે ભર બપોરે ઊંઘતી હશે,

ને મેં મોન્ટ્રિઅલથી, મધરાતે મેસેજ મોકલ્યો હશે !

(પંકજદાંડી)

આંખોમાં ખામોશી

 

આંખોમાં ખામોશી

તારી આંખોમાં એક ખામોશી છે,

એ ખામોશીમાં એક દર્દ છુપાયેલું છે,

એ દર્દ કોકના ઈંતજારનું છે,

તારી ખામોશીને એક શબ્દની જરૂર છે,

એને એક નિસ્વાર્થ પ્રેમની ચાહત છે.

તું બતાવીશ મને કોનો ઇંતેજાર છે ?

મારો ????

જો મારું નામ તારા હોઠો પર

આવીને અટકી ગયું હોય તો,

હૈયું ખોલ, ને હોઠને બોલવા દે,

‘આઈ લવ યુ - ટુ’ વાળો

રીપ્લાય મને ય આપવા દે.

(પંકજદાંડી)

આ તરફ ભારત છે

 

આ તરફ ભારત છે

 આ તરફ ભારત છે ને તેની ચારે બાજુ ધમાલ છે,

છાશવારે ઈલેક્શન ને તેમાંય ઘણી ગોલમાલ છે.

કોઈને વાંધો મોદી સામે, કોઈને મહાત્મા ગાંધી સામે છે,

મમતા-સોનિયા ક્યારેક સખી તો ક્યારેક સામસામે છે.

પંજાબ ફતેહ કરીને આપની નજર ગુજરાત પર છે,

બીજેપીને હવે કોંગ્રેસને બદલે કેજરીવાલનો ડર છે.

કાશ્મીર ફાઇલ્સનો મામલો ટોક ઓફ ધ ટાઉન છે,

ખાન-કુમાર-સીંગ ની ફિલ્મોનું માર્કેટ ઘણું ડાઉન છે.

કર્ણાટકની કોલેજમાં બિચક્યો મામલો હિજાબનો છે,

સામે રાજ ઠાકરેનો બાઉન્સર હનુમાન ચાલીસાનો છે.

ઈમરાનની અમેરિકન આંટીઘૂંટીમાં પાકિસ્તાન અટવાયું છે,

રાજપક્ષેના ચાઈના બ્રાન્ડ રાજમાં શ્રીલંકા ઘણું ગૂંચવાયું છે.

ત્યાં રશિયા છે, ને પેલી બાજુ અમેરિકા, સાથે નાટો છે,

યુદ્ધ યુક્રેનમાં લડાય છે, ને તેનો વળી ગયો વીંટો છે.

 (પંકજદાંડી)

 

અતીતના આયનામાં

 

અતીતના આયનામાં

હું જરા નવરો પડું છું, ને કોણ જાણે ક્યાંથી તું ટપકી પડે છે,

મારા હૃદયનો ડોરબેલ વગાડીને મને ઝંઝોળી કાઢે છે,

ને ફરી હું વીતેલા અતીતને વાગોળતો થઇ જાઉં છું.

તારી આંખનો અફીણી ઈશારો, ને એમાં જ મારું ઘાયલ થવું,  

એક આંખ બંધ રાખી, મારું હળવેથી માથામાં ખંજવાળવું,

ને મંદ મંદ સ્મિત કરી, તારું લાગણીઓનું સહર્ષ સ્વીકારવું.

આપણા પ્રથમ પ્રેમપત્રનું સામસામું આદાનપ્રદાન,

ને એક પ્રેમકહાણીની શરૂઆતમાં જ તારું કન્યાદાન,

નવસારીથી ગયેલી ગાડી, ને મુંબઈથી ને ઊડેલું વિમાન.

હવે તું જ મને સમજાવે છે, જે ગમે છે એ જ દૂર થઇ જાય છે,

ને પંકજ સમજી પણ જાય છે, એને જ જિંદગી કહેવાય છે,

સાચું કહું ! તારી બુધ્ધિ પ્રતિભાનું દર્શન હવે મને થાય છે.

 (પંકજદાંડી)