Monday, July 24, 2023

મધુરમ 12

 

મધુરમ 12

મુંબઈ થી માયામી સુધી એમનો જીવ ફફડતો રહ્યો. પોતાની ફ્લાઈટમાં પણ બૉમ્બ બ્લાસ્ટનો ડર લાગતો રહ્યો. તેમાં મધુ સતત આંખો બંધ કરીને એના આરાધ્યદેવ કૃષ્ણને ભજતી રહી.

વધુ એકવાર રાજુ ઉર્ફે રફીક યાદ આવ્યો. આ નાલાયક યાદોમાં પણ મારો કેડો મુકતો નથી. એ એના અલ્લાહને પ્યારો થઇ ગયો હોય તો સારું. આ મુંબઈના આતંકવાદી હુમલામાં એ બદમાશ રફીકનો તો હાથ નથી ને ? એવા વિચારો મધુને સતત સતાવતા રહ્યા.

સ્નેહાના કેનેડા આવ્યાનાં લગભગ તેર ચૌદ વર્ષ થવા આવ્યાં. એ દરમ્યાન એ બે બાળકોની મમ્મી બની ગઈ. પણ એણે સાથે સાથે પોતાની ભણવાની ભૂખને પણ ન્યાય આપ્યો. એમાં નીલનો પણ ઘણો સાથ મળ્યો. ઉપરાંત અરવિંદભાઈ, ઇલાબહેનનો સહકાર તથા મધુ અને મહેશભાઈનું પ્રોત્સાહન પણ સારું મળ્યું. ફ્રેન્ચ ભાષા ઉપર એણે સરસ પકડ જમાવી હતી. સ્કૂલમાંથી જ એને વધુ અભ્યાસ માટે ઓફર મળી. એક સારી એજન્ટના સહારે સ્નેહા કમ્પ્યુટર સાયન્સના ડિપ્લોમા કોર્સમાં એડમીશન મેળવી શકી. હવે એને ભાષાને બદલે ઇલેક્ટ્રોનિક સાયન્સમાં રુચિ જાગી. એક અને બે વર્ષના ડિપ્લોમા કોર્સ પછી એણે મેકગીલ યુનિવર્સીટીમાંથી માસ્ટર્સ કર્યું. હવે તેને એક આઈ.ટી. કંપનીમાંથી સિત્તેર હજાર ડોલરના વાર્ષિક પગારની ઓફર થઇ. નીલે તે સ્વીકારી લેવાની સલાહ આપી. અને હવે સ્નેહા મોટેલમાંથી આઈ.ટી.માં પરિવર્તિત થઇ ગઈ. જો કે નીલનો આશય સ્નેહા પાસે માત્ર જોબ કરાવવાનો ન હતો. નીલનું બિઝનેસ માઈન્ડ સ્નેહા પાસે નવા ઉઘડી રહેલા આઈ.ટી. ઉદ્યોગમાં પગ પેસારો કરવાનું કહી રહ્યું હતું.

છેલ્લા પંદર વર્ષ દરમ્યાન નીલ અને સ્નેહાના મિત્રો અને સંબંધીઓમાં પણ ઘણા શુભ અને અશુભ અવસર આવ્યા. સુધામાસી અને માસાજી પણ મોન્ટ્રિઅલ આવીને કેનેડિયન સીટીઝન થઇ ગયાં. એમની પાસે બે ગ્રાન્ડ કીડઝ છે. પણ તેઓ હવે ટોરોન્ટો મુવ થયાં છે. ઈંગ્લેન્ડમાં જ્યોતિમાસીના પાર્થ પાસે બે બાળકો આવ્યાં. પાર્થ અને તેની ગર્લફ્રેન્ડ જુલિયા લગ્ન કર્યા વિના જ લિવ ઈન રિલેશનમાં રહેતાં હતાં. પૂજા લગ્નની ઝંઝટમાં પડવા માંગતી નથી. બોયફ્રેન્ડ બદલાતા રહે છે પણ આજીવન સિંગલ રહેવાનું મન બનાવી લીધું છે. દુબઈમાં કિરણ મામાનો પ્રથમ હવે મેક્ડોનાલ્ડ ઉપરાંત અન્ય બિઝનેસ પણ હેન્ડલ કરતો થઇ ગયો છે. તેની ચરોતરી ગુજરાતી વાઈફ વૈશાલી અને મામીનું બનતું ન હોવાથી તેઓ અલગ રહે છે. ખરેખર તો પ્રથમની કન્યા પસંદગી અને ચુપચાપ લગ્ન રજીસ્ટર્ડ કરાવી લેવાના મુદ્દા સામે જ હંસામામીને વાંધો હતો. મામાની દીકરી ક્રિષ્ના પાસે પંજાબી બોયફ્રેન્ડ છે. તેણે મિલ્કતમાં ભાઈ પાસે કોઈ ભાગ માંગ્યો નથી. તેમનો પોતાનો સોનાનાં ઘરેણાંનો ભવ્ય શો રૂમ છે. સુધામાસીના મોહન મામાનું અવસાન થઇ ગયું છે.

 

મધુરમ 11

 

મધુરમ 11

કાર અકસ્માતમાં ઘવાયા બાદ માયામી, ફ્લોરિડા ખાતેની મોટેલના મેનેજર પટેલથી હજુ એકાદ વરસ સુધી ઘર બહાર પણ નીકળી શકાય એવું લાગતું ન હતું. તેમની ગેરહાજરીમાં મોટી ગરબડ ચાલતી હોવાના સમાચાર મળ્યા. આથી નીલ ત્યાં ગયો. નીલે સ્ટાફમાં મોટા ફેરફાર કરી નાખ્યા. પણ પોતે અથવા ડેડીએ થોડો સમય અહીં રહેવું જરૂરી છે એવું એને લાગ્યું. ઇલાબેનને તક મળી. એને મહેશભાઈ અને મધુને ત્યાં મોકલવાનો પ્લાન ઘડાયો.  

સ્નેહા, નીલ, મધુ અને મહેશભાઈ માયામી આવ્યા. મહેશભાઈપાસે મોટેલ મોન્ટ્રિઅલનો છ મહિનાનો અનુભવ હતો અને મધુનામાં પડકાર ઝીલી લેવાની શક્તિ. સ્નેહા-નીલ એમની જોડે માત્ર બે વીક રોકાયાં. પછી ન્યુયોર્કમાં એમના એક મિત્રની ઓફિસના ઉદઘાટનમાં હાજર રહેવા તેઓ નીકળી ગયાં.  પણ મધુએ ઘણું શીખી લીધું. મોટેલમાં જ રહેવાનું અને મોટેલ ચલાવવાની.

આજે મંગળવાર, નવમી સપ્ટેમ્બર, 2001ની ખુશનુમા સવાર છે. ગઈ કાલે રાતે સ્નેહા અને નીલની જોડી ન્યુયોર્ક ગઈ છે. અને આજથી મધુ અને મહેશભાઈએ 'મોટેલ મધુ' ને રન કરવાની છે. તેઓ બંને વહેલી સવારથી ઉઠી ગયાં છે. નવી જવાબદારીનું ભારણ છે. મધુએ ફ્રેશ થવા ટી.વી. ઓન કર્યું. મહેશભાઈને ન્યુઝમાં વધુ રસ પડે આથી ન્યુઝ ચેનલ ચાલુ કરી. ન્યુયોર્કના ટ્વીન ટાવરમાં કોક પ્લેન ઘુસી જવાના સમાચાર બતાવાય રહ્યા હતા.

મહેશભાઈને તરત જ ખ્યાલ આવી ગયો કે આ એ જ  ટ્વિન ટાવર છે જયાં સ્નેહા અને નીલે આજે પહોંચવાનું છે. સવારે સાડા દસ પછી એમના મિત્રની ઓફિસનું ઉદ્ઘાટન થવાનું છે. મહેશભાઈને સ્નેહા-નીલની ચિંતા થઇ. એમનું બ્લડ પ્રેશર અચાનક ઘટી ગયું. તેઓ મધુને શું કહેવું તે વિચારવા લાગ્યા. પણ પછી હિંમત ભેગી કરીને મધુને સમાચાર ધ્યાનથી જોવા કહ્યું. હવે મધુને પણ ખ્યાલ આવી ગયો. મધુ રડું રડું થઇ પડી. ત્યાં તેનો સેલફોન રણક્યો. સામે સ્નેહા હતી. એમણે પોતાની નજરે એ અકસ્માત જોયો હતો. મધુ માટે સૌથી મોટા સમાચાર એ હતા કે સ્નેહા-નીલની જોડી સલામત હતી.

માત્ર ત્રણ વર્ષમાં એ મોટેલ ધમધોકાર ચાલતી થઇ ગઈ. મધુ બધાને ગમતી. અને નીલને તો ખાસ. એ કહેતો. "મોમ ઇઝ આ રિયલ બિઝનેસ વુમન." પણ એ વાત ઇલાબેનને ખટકતી. એને થતું મેં આખી જિંદગી મોટેલનો ઢસરડો વેઠયો અને આ મધલી વટ પાડી જાય છે.

કેટલાંક કપલ માત્ર મઝા કરવા મોટેલમાં આવે. એકાદ બે કલાકમાં જતાં રહે. એમની સાથે કેશમાં વ્યવહાર થાય. આ સીધી નોનટેક્ષેબલ આવક ગણાય. આમાં કમાણી પણ થાય

સ્નેહા પ્રેગનન્ટ હતી આથી મધુ બે વાર મોન્ટ્રિઅલ આવી ગઈ પણ બબ્બે દિવસ રોકાઈને પરત થઇ જવું પડયું. માત્ર રિષભના જન્મ વેળા તે એક વીક રહી.

મધુ એકલી મોટેલ સાંભળે તેના બે વર્ષ થયાં. સ્નેહાનો દીકરો પણ દોઢ વર્ષનો થઇ ગયો. ત્રણે ત્રણ મોટેલ સરસ ચાલતી હતી. તેમાંયે મોટેલ મધુનો બિઝનેસ સૌથી વધારે હતો. નીલે મધુને બિઝનેસ પાર્ટનર બનાવી દીધી. હવે તેનો મોભો અને વટ બંને વધ્યાં.

કેનેડિયન સિટિઝનશીપ લેવાની હોવાથી મધુ અને મહેશભાઈ ત્રણ વરસ પાછાં મોન્ટ્રિઅલમાં રહ્યાં. અહીં પણ મધુએ જ બબ્બે મોટેલનો કારભાર સંભાળ્યો. મહેશભાઈ અને અરવિંદભાઈ સુધ્ધાં તેના આસિસ્ટન્ટ બની રહ્યા.

સ્નેહાનો દીકરો રીષભ અને નાની દીકરી રીયાને સાચવવાની જવાબદારી ઇલાબહેન ઉપર આવી પડી. કેનેડામાં બાળકોને સાચવવાનું કામ ઇન્ડિયાની સરખામણીએ ઘણું અઘરું હોય છે. જેમ જેમ બાળકોનું તોફાન વધતું જાય તેમ તેમ ઈલાબહેનના મનમાં મધુ પ્રત્યે અણગમો વધતો જાય. હવે અણગમા એ નફરત નું રૂપ લેવાનું શરુ કર્યું.

ઇલાબેનની મધુ પ્રત્યેની નફરત, અણગમા અને અદેખાઈના પરિણામ સ્વરૂપ વધુ એક વાર મધુ અને મહેશભાઈને માયામી રવાના કરવામાં આવ્યાં.

મધુ અને મહેશભાઇની કામ પ્રત્યેની વફાદારી, સમજદારી અને ચીવટને કારણે મોટેલ મધુ માયામીની સૌથી પ્રખ્યાત મોટેલ બની ગઈ.

છેલ્લા થોડા દિવસથી મધુના પપ્પાની તબીયત બગડી હતી. તેમને હાર્ટ એટેક આવ્યો હતો. પહેલાં નવસારી ગોહિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા પરંતુ ડોક્ટરોના જણાવ્યા મુજબ એમની બંને કીડનીઓ બરાબર કામ કરતી ન હતી. આથી સુરત ખાતે મહાવીર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. મધુ ફોન દ્વારા મમ્મી જોડે સતત સંપર્કમાં રહેતી હતી. પપ્પા હવે મધુને છેલ્લીવાર જોવા માંગે છે એવું જયારે મમ્મીએ જણાવ્યું ત્યારે મધુના શરીરમાં કંપારી છૂટી ગઈ. હવે પપ્પા કદાચ લાબું નહીં ખેંચી શકે એવું વિચારી મહેશભાઈ અને મધુએ તે જ દિવસે ઇન્ડિયાની ફ્લાઇટ પકડી.

મુંબઈથી એમની કાર સીધી સુરત પહોંચી. ઝડપભેર મધુ અને મહેશભાઈ હોસ્પિટલની લિફ્ટની રાહ જોયા વિના બે માળના પગથિયાં ચડી ગયાં. પપ્પાનું શરીર એકદમ પાતળું થઇ ગયેલું. માંડ માંડ મધુ એટલું બોલ્યા. પછી મહેશભાઈના  હાથ અને મધુના હાથ ને માંડ સ્પર્શ કર્યો ન કર્યો ને સદાને માટે આંખો બંધ કરી દીધી.

"પપ્પા તમે મારી જ રાહ જોતા હતા?"  આટલું બોલી મધુ રડી પડી. ત્યાં ભાઈ કિરણ, ભાભી હંસા તથા બહેન જ્યોતિ, બનેવી કાંતિભાઈ  સહિત ઘણા લોકો હતા. સવારે સાડા દસ વાગે નવીનભાઈનું શબ લઈને શબવાહિની ગામમાં આવી. આખા ગામમાં આ અશુભ સમાચાર ફરી વળ્યા હતા. પુરુષવર્ગ ઘરની બહાર અંતિમવિધિ માટેની ચર્ચા કરતો હતો અને સ્ત્રી વર્ગ ઘરમાં રોક્કળ કરતો હતો તે દરમ્યાન નીલાબહેન અચાનક ઢળી પડયાં. ડોક્ટર રમણભાઈ વૈદ્ય ત્યાં જ હાજર હતા, તેમણે તપાસીને નીલાબહેનને પણ મૃત જાહેર કર્યાં. નીલાબહેન પણ પતિ નવીનભાઈની માફક લાંબા સમયથી હાઈ બ્લડ પ્રેશરની બીમારીથી પીડાતાં હતાં. એમના બંનેના એક જ ડોક્ટર હતા રાજેશ મિસ્ત્રી.

ગામમાંથી એક વયોવૃદ્ધ શિક્ષક દંપતિએ વિદાય લીધી એનું દુઃખ એમના વિદ્યાર્થી આલમમાં જોવા મળતું હતું. ગામના લગભગ તમામ પુરુષો આ યુગલના વિદ્યાર્થીઓ હતા. એમની ભવ્ય શ્મશાનયાત્રા નીકળી. બંનેને વિરાવળ ખાતે પૂર્ણા નદીને કિનારે અગ્નિદાહ દેવાયો. અને લૌકિક રિવાજો પતાવીને મધુ અને મહેશભાઈએ મિયામી પરત થવા માટે મુંબઈની વાટ પકડી.

આજે એમણે મુંબઈમાં એક પ્રોપર્ટી ખરીદવા માટે કોક એજન્ટને હોટેલ તાજમાં મળવાનું હતું. મામલો આઠ કરોડ રૂપિયાનો હતો. તેઓ હોટેલની લોન્જમાં એજન્ટ સાથે હજુ તો માંડ શેક હેન્ડ કર્યા ત્યાં તો ગોળીબારના અવાજો આવવા લાગ્યા. મહેશભાઈ અને મધુને લાગ્યું કે એજન્ટે એમની હત્યાનું કાવતરું કર્યું લાગે છે. આથી બંને જણ ત્યાંથી ભાગ્યાં. ભાગતાં ભાગતાં એક ગોળી મહેશભાઈના કાન પાસેથી પસાર થઇ ગઈ. પણ તેઓ બચી ગયા. અને બંને જણ હોટેલની બહાર નીકળીને પણ દોડતાં જ રહયાં. 

એમનો સામાન કારમાં હતો અને કાર પાર્કિંગ લોટમાં હતી. કોક પોલીસે એમને અટકાવ્યાં. ઘણા સમય બાદ ખબર પડી કે મુંબઈ ઉપર ત્રાસવાદી હુમલો થયો છે અને તેમાંથી તેઓ હાલ પુરતાં તો બચી ગયાં છે. પરંતુ કેતનનો પત્તો લાગતો ન હતો.

છેક સાંજે છ વાગ્યા પછી કેતન જડયો. એ પણ જીવ બચાવવા ભાગી છૂટ્યો હતો. આખી હોટેલને પોલીસે કોર્ડન કરી લીધી હતી. ખુબ વિનંતી પછી પોલીસે થોડીક કાર ખસેડવાની પરવાનગી આપી. દિલ્હીથી લશ્કરના કમાન્ડો આવી રહ્યા હોવાની વાત પણ જાણવા મળી. સદનસીબે મધુ અને મહેશભાઈ રાતે સમયસર એરપોર્ટ પહોંચી શક્યાં અને મિયામી માટે ફ્લાઇટ પકડી શક્યાં.

 

મધુરમ 10

 

મધુરમ 10

1997માં નીલ-સ્નેહાના લગ્નથી લઈને 2001માં મહેશભાઈ-મધુના કેનેડાગમન દરમ્યાન ભારતમાં છાશવારે સરકાર અને વડાપ્રદાનો બદલાય રહ્યા હતા. વાજપેયીજીની તેર દિવસની સરકારથી શરુ થયેલું નાટક, દેવગોવડા અને ગુજરાલ પછી પાછા વાજપેયીજી સુધી લંબાયું. આ દરમ્યાન ભારતની ઈકોનોમી ઊંધે માથે પછડાઈ. મહેશભાઈ વાજપેયીની બીજી સરકારથી અતિ ખુશ હતા જયારે મધુને રાજકારણમાં જરા પણ રસ ન હતો. મહેશભાઈના આગ્રહને કારણે જ મધુ મતદાન માટે જતી અને પતિની પસંદગીના ઉમેદવારને પોતાનો મત આપતી. સન 1998 માં ભારત દ્વારા કરવામાં આવેલ પાંચ અણુ અખતરાઓએ મહેશભાઈને અતિ ખુશ કરી દીધેલા. ત્યાર પછી સ્કૂલના છોકરાઓને ઇન્ડિયન આર્મી જોઈન્ટ કરવા માટે પ્રોત્સાહન આપતા. જો કે કાંઠાના લોકોને આવી જોબમાં રસ ન હોવાથી મહેશભાઈનો પ્રયત્ન એળે ગયો એવું કહી શકાય ખરું.

દુનિયા એકવીસમી સદીના આગમનની ઉજવણી કરી રહી હતી ત્યારે બરાબર પહેલી જાન્યુઆરી 2001ની વહેલી સવારે (31,ડિસેમ્બર 2000ની રાતે) 1.00 કલાકે એરફ્રાન્સની ફ્લાઈટે મધુ અને મહેશભાઈને લઈને મુંબઈના એરપોર્ટ ઉપરથી ટેકઓફ કર્યું. મુંબઈ થી પેરીસ અને ત્યાંથી મોન્ટ્રિઅલ સુધીની મુસાફરી દરમ્યાન નવી સદીની ઉજવણી થતી રહી. મધુ  અને મહેશભાઈએ પણ ખૂબ આનંદ કર્યો.

મોન્ટ્રિઅલ એરપોર્ટ ઉપર અરવિંદમ ફેમિલી દ્વારા તેમનું ભવ્ય સ્વાગત થયું. અને ઘરે પહોંચ્યા પછી પણ થોડો આરામ કરીને તેમણે મોટેલમાં આયોજિત નવાવર્ષ અને નવી સદીની ઉજવણીની પાર્ટીમાં જવું પડયું.

હાજર તમામ મહેમાનોનું ધ્યાન મધુ ઉપર હતું. સ્નેહાની મોટીબહેન જેવી દેખાતી આ સ્ત્રી ચેરી કલરની સાડીમાં શોભી રહી હતી. આખી પાર્ટીમાં સાડી પહેરેલી માત્ર પાંચ જ સ્ત્રીઓ હતી. જેમાં મધુ ઉપરાંત ઇલાબહેન અને બીજાં ત્રણ એમનાં સબંધીઓ હતાં. સ્નેહા અને નીલ તથા અરવિંદભાઈ અને ઇલાબહેને તમામ મહેમાનો સાથે મધુ-મહેશભાઇની ઓળખાણ કરાવી. મહેશભાઈ થાકી ગયા પણ મધુની સ્ફૂર્તિ જળવાય રહી. અંતે મોડી રાતે પાર્ટી પુરી થઇ.

બે અઠવાડિયાં સુધી તેમણે આરામ કર્યો અને કેનેડાના વેધરથી પોતાને એડજસ્ટ કર્યાં. એમનો ઉંઘનો પ્રશ્ન પણ હલ થઇ ગયો. સ્નોફોલ, અતિશય ઠંડી, ભારે પવનનું તોફાન અને ફ્રીઝીંગ રેઈનનો પણ અનુભવ લઇ લીધો.

છવ્વીસમી જાન્યુઆરી, 2001, ભારતમાં એકવીસમી સદીના પહેલા ગણતંત્ર દિનની ઉજવણી ચાલતી હતી. મહેશભાઈ એમના જીવનમાં પહેલી વાર એ ઉજવણી ચુકી રહ્યા હતા. છતાં એના સમાચારો ડીશ ટીવી ઉપર આવતા હતા તે મોડી રાત સુધી જોયા. દિલ્હીની લશ્કરની પરેડ જોવાનો એમને શોખ. વચ્ચે એક ભૂકંપના સમાચાર ચમક્યા પણ ખાસ વિગતો આવી નહીં.

બીજા દિવસે સવારે એમને ગુજરાતના ભૂકંપના સમાચારો વિગતવાર મળ્યા. ભૂકંપનું એપીસેન્ટર કચ્છનું ભૂજ છે એ જાણીને એમનું હૃદય બેસી ગયું. હજુ બે વીક પહેલાં જ એમના ખાસ મિત્ર, બેન્ક ઓફ બરોડાના કેશિયર, નાયરની પ્રમોશન સાથે ભુજ ખાતે બદલી થઇ હતી. અને તેઓ ત્યાં એકલા રહેતા હતા. નાયરનો કોન્ટેક્ટ સંભવ ન હતો પણ એમનાં પત્નિ અને બે બાળકો હજુ ગામમાં હતાં. તેમના કોન્ટેક્ટ કરવાના અનેક પ્રયત્નો નિષ્ફળ ગયા. અંતે એટલા સમાચાર મળ્યા કે ગામમાંથી પણ નાયરભાઈનો કોન્ટેક્ટ કરવાના પ્રયત્નો થઇ રહ્યા છે પણ સફળતા મળતી નથી. ટીવી ઉપર ભુજ, ભચાઉ, અંજાર વગેરે સ્થળોની બેહાલીના દશ્યો બતાવાઈ રહયાં હતાં. મધુ અને મહેશભાઈને આજે જમવાની ઈચ્છા જ ન થઇ. છેક સાંજે સમાચાર મળ્યા કે નાયરભાઈને થોડી ઇજા થઇ છે પણ બચી ગયા છે. પ્રાથમિક સારવાર લઈને તેઓ ગામ આવવા નીકળી ગયા છે. હવે એમનો જીવ હેઠે બેઠો. બંને એ શાંતિથી લંચ લીધું. નાયરભાઈને બચાવવા બદલ મધુએ ભગવાનનો પાડ માન્યો.

મહેશભાઈ પોતે શાંત જીવ. એમને ઘરમાં ગમે નહીં. આથી સ્વેચ્છાએ ઘરથી નજીકની 'મોટેલ મોન્ટ્રિઅલ'માં પોતાને બીઝી કરી દીધા. અહીં મહેશભાઈ અને અરવિંદભાઈની જોડી ઝામી. ડીશ ટી..વી.ઉપર ઇન્ડિયાની જે કોઈ ક્રિકેટ મેચ જોવા મળે તે તેઓ જોતા. સાંજે બિયરની ચુસ્કી હવે નિયમિત બની. એની અસર રૂપે મહેશભાઈનું પેટ દેખાવા માંડયું. 

મધુ ખુબ ખુશ હતી. જે પોતે ન કરી શકી તે તેની દીકરીએ કરાવ્યું આથી તે દીકરીની આભારી હતી. મારી દીકરીએ મને કેનેડા બતાવ્યું એવું એ ઘણી વાર કહેતી. મધુની રસોઈમાં મધુરતા ઘણી. ભલે ઇલાબેન વર્ષોથી કેનેડામાં રહેતાં હોય પણ રસોઈમાં મધુને કોઈ ન પહોંચે. સામાન્ય રીતે બે વેવણોના સંબધો થોડા તણાવ ભર્યા હોય પરંતુ આ બન્ને તો ફ્રેન્ડ બની ગયાં. મધુએ ઇલાબેનને મોડર્ન બનાવી દીધાં. ઇલાબેનને ફ્રેન્ચ ભાષાનો કક્કોય આવડતો નો'તો. આથી તેઓ બંને વેવણો સાથે ફ્રેન્ચ ભાષા શીખવા ગઈ. અઠવાડિયામાં ત્રણ દિવસ સાંજે ૬=૦૦ થી ૯=૩૦ ક્લાસ ચાલે. ભણવાનું મફત. જોકે એમાં ઇલાબેન અટવાયાં પણ મધુ એ ચાર લેવલ પુરા કર્યાં અને શોપિંગ વગેરેમાં ફ્રેન્ચ ભાષા બોલાવા મંડી.

ઇલાબેનના નાનાંબેન નીલા પણ મોન્ટ્રિઅલમાં રહે.  તેમના પતિ મનુભાઈ એક મોટી કંપનીમાં વેલ્ડરની જોબ કરતા હતા. પણ વધુ પડતા આલ્કોહોલના સેવનને કારણે તબિયત બગડી. આથી તેમણે જોબ છોડવી પડી. નીલાબેન ક્યારેક જનરલ જોબ તો ક્યારેક ઇલાબેનની મોટેલ પર જોબ કરે. જો કે એમને મોટેલની જોબ બહુ ફાવે નહીં. એમની દીકરી અર્ચના જોડે મધુએ સુધાના સ્નેહલનું ગોઠવી નાખ્યું.

અર્ચના અને સ્નેહલના લગ્ન વેળા સહુ ઇન્ડિયા જવાના હતા પરંતુ મનુભાઈનું અવસાન થતાં ખુબજ સાદાઈથી નવસારીમાં એક મંદિરમાં લગ્ન થયાં આથી મધુ, મહેશભાઈ કે સ્નેહા કોઈ ઇન્ડિયા ગયું નહીં.

ઇલાબેનનું અંગ્રીજી પણ બહુ સારું નહીં. હવે ધીમે ધીમે ઇલાબેનમાં અદેખાઈ આવવા લાગી. તેને થવા લાગ્યું કે આ ગઈ કાલે આવી અને રસોડાની રાણી બની ગઈ.  નીલ અને અરવિંદને પણ મધુની જ રસોઈ ભાવે. વળી તે મારા કરતાં વધુ હોંશિયાર છે. આથી મારો હવે વટ પડતો નથી. ઉપરથી તેનો દેખાવ પણ મારા કરતાં સારો.  મારી બેટી છે તેંતાળીસની પણ લાગે છે તેત્રીસની.

ટ્રીન..... ટ્રીન....... ફોનની ઘંટડી વાગી. સમરની સીઝન હતી ને બપોરનો સમય હતો. ઇલાબેન હજુ માંડ પથારીમાં આડાં પડયા હતા. અરવિંદભઇના ખુબ જુના મિત્ર ઈંગ્લેન્ડથી કેનેડા આવ્યા હતા, અને અરવિંદભાઈને મળવા માગતા હતા. પછી ઇલાબેને તેમને આવવાનું આમંત્રણ આપી દીધું. અને સાંજે અહીં જ જમવાનું છે એમ પણ કહી દીધું.

અરવિંદભાઈ અને મિત્ર જેરામભાઈ બરાબર તેત્રીસ વર્ષ પછી મળ્યા. ખુબ આનંદ કર્યો. જમતાં જમતાં જેરામભાઈ અને જશુબહેને રસોઈના ભરપેટ વખાણ કર્યાં. ઉપરથી મધુ જે રીતે બ્રિટિશ ઈંગ્લીશ બોલી તે સાંભળીને તો મહેમાન દંપતી દંગ રહી ગયું. ઉપરથી અરવિંદભાઈએ વેવણનાં ફ્રેન્ચ ભાષાના જ્ઞાનના પણ વખાણ કર્યાં. આ બધું ઇલાબેનને ગમતું નહીં. હવે આ મધલીની ઘરવાપસી કરાવી જોઈએ એવું વિચારવા લાગ્યાં.

 

મધુરમ 9

 

મધુરમ 9

સ્નેહા કેનેડા પહોંચી ગઈ અને મધુનું સ્વપ્ન ફળીભૂત થયું. અને સ્નેહાનું કેનેડામાં વિવાહિત જીવન શરુ થયું.  શરૂઆતમાં સ્નેહાને મોન્ટ્રિઅલની ભૂગોળ બરાબર સમજાઈ નહીં. એને બધી સ્ટ્રીટ એક સરખી જ લાગતી. સ્ટ્રીટ ઉપર ચાલતા માણસોની સંખ્યા ખુબ જ ઓછી. માણસ કરતાં કાર વધુ દેખાય. ઉપરથી ડિસેમ્બરની ઠંડી, સ્નોફોલ અને પવનનું તોફાન. ખુબ જ ટૂંકો દિવસ અને લાંબી રાત. છતાં એની વચ્ચે પણ ક્રિસ્ટમસની તૈયારીઓ અને લાઇટિંગ્સના શણગાર એને અત્યંત આકર્ષક લાગ્યા. શોપિંગ મોલમાં સાન્ટા સાથે ફોટો પડાવીને એ ખુશ થઇ ગઈ. ક્યારેક ખુબ ખુશ થઇ જતી ત્યારે એનો વ્યવહાર નાના બાળક જેવો થઇ જતો. આમ પણ એનું માત્ર ઓગણીસમું જ ચાલતું હતું ને !

નીલે સૌ પ્રથમ સ્નેહાના ફ્રેન્ચ ભાષાના અભ્યાસનું આયોજન કર્યું. એને ફૂલ ટાઈમ ફ્રેન્ચ સ્કૂલમાં મોકલી. સ્નેહાનો ભાષા પ્રત્યેનો લગાવ ઘણો. આથી બહુજ ટૂંકા ગાળામાં એણે ફ્રેન્ચ ભાષા ઉપર સારું કહી શકાય એવું પ્રભુત્વ મેળવી લીધું. અરવિંદભાઈ પોતે પણ ફ્રેન્ચ ભાષામાં આવેલી મેઈલ સ્નેહા પાસે વંચાવતા થયા.

અરવિંદમ ફેમિલીનું જીવન આધુનિક ખરું પણ કેટલાક વણલખ્યા નિયમોનું પાલન કરનારું. એમાંનો એક નિયમ તે રાતનું ડીનર બધાએ એકસાથે કરવું. બરાબર આઠ વાગે બધાં ડાયનિંગ ટેબલ પર આવી જાય. અને આખા દિવસની ચર્ચા લગભગ ત્યાં જ થાય.

શરૂઆતના વર્ષોમાં અરવિંદભાઈ, ઇલાબહેન અને નીલ આમ માત્ર આ ત્રણ જણાંના ફેમિલીને એક સાથે બેસીને જમવાનું નસીબ ન હતું. સ્કૂલ કાળથી જ છોકરીઓ પાછળ દોડતા થયેલા નીલની બાબતમાં અરવીંદભાઈ સ્પષ્ટપણે માનતા હતા કે પોતાના એકમાત્ર સંતાનને બાળપણમાં માતાપિતા તરીકે તેઓ પૂરતો સમય આપી શક્યા ન હતા. તેમણે પૈસા ખર્ચ્યા હતા, રમકડાં અપાવ્યાં હતાં પણ એમની પાસે નીલ માટે સમય ન હતો. ધંધાની શરૂઆતની આ એક મુશ્કેલી છે, જે મોટાભાગના ધંધાર્થીઓએ અનુભવી છે.  એક અર્થમાં નીલનો છોકરીઓ પાછળનો સમય અને નાણાંનો વ્યય એ એના જીવનમાં રહી ગયેલી ઉણપને પુરવા માટેના વ્યર્થ પ્રયત્નો છે એવું અરવિંદભાઈને લાગતું. આથી છેલ્લા ત્રણ વરસથી તેમણે ફેમિલી ડીનરનું મહત્વ વધારી દીધું હતું.   

સ્નેહા બેટા, તને ઇન્ડિયા અને કેનેડાની લાઈફમાં ખાસ કયા તફાવતો દેખાયા?’ અરવિંદભાઈએ ડીનર ટેબલ પર બેસતાંની સાથે જ પૂછ્યું.

ડેડી તફાવતો તો ઘણા છે. ઇલેક્ટ્રિક સ્વીચ, ડ્રાયવિંગ ડીરેક્શન વગેરેનો તફાવત તો દેખાય છે પરંતુ જે ઈંગ્લીશ ભાષા મને અને મારી મમ્મીને ખુબ ગમે છે, જે શીખવા પાછળ અમે સારી એવી મહેનત કરી છે એ ભાષાનું અહીં મોન્ટ્રિઅલમાં એટલું મહત્વ નથી જેટલું અમે ઇન્ડિયામાં સમજતાં હતાં. લગભગ મોટા ભાગના લોકો ખોટું ઈંગ્લીશ અને ખોટું ફ્રેન્ચ બોલે છે. છતાં કોઈ તેમને હસતું નથી.

ડેડીની થાળીમાં એક રોટલી મૂકીને સ્નેહાએ આગળ ચલાવ્યું; " મારી પાસે કેનેડિયન લાઇફનો માત્ર ત્રણ મહિનાનો અનુભવ છે, એ દરમ્યાન હું દરરોજ રાતે એકલી આવું છું છતાં મને હજુ સુધી છેડતીનો અનુભવ નથી થયો. સ્ત્રી પુરુષની જે સમાનતા મને અહીં અનુભવાઈ છે તે ઈંડિયામાં નથી. ત્યાં સમાનતાની વાતો વધુ થાય છે પણ વ્યવહારમાં સંપૂર્ણ અસમાનતા જ છે. બિહાર અને ઉત્તર પ્રદેશ જેવાં રાજ્યોમાં તો પરિસ્થિતિ ઘણી ખરાબ છે.

પાણીનો એક ઘૂંટડો ઉતારીને તેણે ઉમેર્યું, "આપણે આપણા દેશને ગાંધીનો દેશ કહીએ છીએ પરંતુ ગાંધીમૂલ્યોને તો આપણે જ સમજી શક્યા નથી. આખા દેશમાં સ્વચ્છતાનો સંપૂર્ણ અભાવ છે. શહેરો હવે ઉકરડા બની રહ્યા છે. આપણો આટલો સારો બિઝનેસ હોવા છતાં મમ્મીને હું આપણી મોટેલમાં જાતે સફાઈકામ કરતાં જોઉં છું ત્યારે મને શરમ કે સંકોચ નહીં પણ ગર્વ થાય છે. સ્વચ્છતા અને સ્વાવલંબનનું ખરું પાલન કેનેડામાં થાય છે.

ડીનર તો પતી ગયું પણ સ્નેહાની વાતો ચાલુ રહી. તેણે કહ્યું; “ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં આપણા ગામમાં દારૂ પીનારા અનેક વ્યસનીઓ છે. તેઓ છાશવારે ધમાલ કરતા હોય છે. રસ્તા ઉપર ડોલતા દારુડીયા દેખાય. બીડી સિગારેટનાં ઠૂંઠાં અને માવા-મસાલાની પડીકીઓ ગમે ત્યાં ફેંકતા લોકો જોવા મળે છે. સૌથી ખરાબ તો તેઓ ગમે ત્યાં થૂંકતા હોય છે.

વાતમાં પોતાનો સૂર પૂરતાં અરવિંદભાઈએ જણાવ્યું, "બેટા, હવે ધીમે ધીમે જેમ જેમ ઈમીગ્રાન્ટની સંખ્યા વધતી જાય છે તેમ તેમ અહીં પણ ગંદકી દેખાવા માંડી છે. આપણી મોટેલના સ્ટાફમાંથી પણ એક છોકરાને માવો ખાઈને થૂંકવાની ટેવ હતી. અનેક વાર સૂચના આપવા છતાં તે સુધર્યો નહીં, અંતે મારે તેને ફાયર કરવો પડેલો.

ડેડી જસ્ટ ગઈકાલની જ વાત કહું. મારી સ્કૂલના એક પંજાબી સ્ટુડન્ટને પોલીસે ચાલુ કારમાં સીટબેલ્ટ ન બાંધવાને કારણે ટીકીટ આપી ત્યારે તેણે આપણી ઇન્ડિયન સ્ટાઈલમાં ડોલર આપી સમજી જવા જણાવ્યું. પણ ટ્રાફિક પોલીસ ન માન્યો, ઉપરથી ગુસ્સે થયો. જો ઇન્ડિયામાં હોત તો આ પંજાબી બચી ગયો હોત.સ્નેહાએ સ્કૂલનો અનુભવ જણાવ્યો.

ડેડી તમને મારી વાત જરા બોલ્ડ લાગશે પણ મને જે સમજાયું છે તે તમને જણાવું છું. અહીં મેં ઘણી ગોરી સ્ત્રીઓ પાસે બ્લેક બોયફ્રેન્ડ જોયા છે. તેઓ આનંદથી જીવતાં હોય એવું લાગે છે. આપણે માત્ર કૃષ્ણની પૂજા કરી છે, જયારે આ ગોરી સ્ત્રીઓ કૃષ્ણ ને પામી છે. રંગભેદ આ દેશમાં ખાસ નથી એવું હું સમજી શકી છું. થોડા અપવાદ જરૂર હશે. જયારે આથી ઉલ્ટું ઇન્ડિયામાં છે. મારી એક ક્લાસમેટ જેનો વાન જરા ભીનો હતો તેના નામ પાછળ કાળી શબ્દ જોડાય ગયો હતો. મારા ક્લાસની છોકરીઓ પણ એની સાથે ફ્રેન્ડશીપ રાખવામાં માનતી ન હતી. જાતિવાદ હજુ પણ ગયો નથી. નવસારીમાં સ્કૂલ કોલેજમાં મારી સખીઓને અને તે પહેલાં મારાં મમ્મી અને પપ્પાને પણ એનો અનુભવ થયો છે. વાણીયા, બ્રાહ્મણ અને કણબી પટેલો આપણને, કોળી પટેલોને તુચ્છ સમજતા હતા. આપણી મજાક પણ ઉડાવતા હતા. અરે એક દલિત છોકરાના નામ પાછળ તેની જાતિવાચક શબ્દ જોડી દીધો હતો. પરંતુ તે એટ્રોસિટી એક્ટની બીક બતાવતો હતો આથી એની સામે કહેવાતા ઉચ્ચ વર્ણના વિદ્યાર્થીઓ સીધી ટક્કરથી દૂર રહેતા. ઇન્ડિયામાં હજુ પણ દલિતો લગ્નનો વરઘોડો કાઢી નથી શકતા. હજુ પણ તેમના કૂવા અલગ છે. ઘણી જગ્યાએ તેમને મંદિર પ્રવેશ નથી.આજે સ્નેહા એના વિચારો મુક્તપણે વર્ણવી રહી હતી. અરવિંદભાઈ એને ધ્યાનથી સાંભળી રહ્યા હતા.

"બેટા લુન્સીકૂઈનાં મેદાન ઉપર ક્રિકેટ રમતી વેળા મેં પણ કેટલીક વાર અભદ્ર ટિપ્પણીઓનો સામનો કર્યો છે. આપણા નવસારી વિસ્તારમાં તો આપણી બહુમતી છે છતાં આપણને કડવા અનુભવો થયા છે. તો જરા વિચાર કર દલિતો અને અતિ પછાત સમુદાય સાથે આપણે હિન્દુઓએ જ કેટલો અત્યાચાર કર્યો હશે? અમદાવાદ, બરોડા અને દેશના બીજાં શહેરોમાં નોકરી અર્થે ગયેલા મારા મિત્રો ત્યાં પોતાની જાતિ છુપાવે છે. કારણ કે તેમને ઈન્ટોલેરન્સ નો ભય સતાવે છે. એમની કિમંત કોડીની થઇ જશે એવો ડર રહે છે. અને બીજું રંગભેદ તો અહીં પણ છે જ. અમે 1972માં જયારે નવા નવા આવેલા ત્યારે અમને પણ ક્યારેક કડવા અનુભવ થયેલા. બસ અને મેટ્રોમાં ગોરી સ્ત્રીઓ  અમારી બાજુમાં બેસવા રાજી નો'તી. જો કે હવે ઘણું બદલાયું. એમને આપણા શરીરમાંથી ડુંગળીની વાસ આવતી. વળી આપણું હેર ઓઇલ પણ એમને પસંદ ન હતું." અરવીંદભાઈએ પણ પોતાના વિચારો જણાવ્યા.

સાસરામાં સ્નેહાની રસોઈ સૌને ભાવી ગઈ. ઇલાબહેન પણ ખુશ થયાં. રસોઈની બાબતમાં વહુ એ સાસુને ટક્કર મારી હોવા છતાં સ્વાદને લીધે વહુ સાસુનું દિલ જીતવામાં સફળ રહી. સ્નેહાની વાતો, વાણી અને વર્તન તથા આવડત જોઈને અરવીંદભાઈ ખુશ થયા. એમને લાગ્યું, વહુ રૂપસુંદરી તો છે જ, પણ સાથે ગુણસુંદરી પણ છે. મારા નીલનો ઘરસંસાર એ સુખેથી ચલાવશે એવું હાલ તો લાગી રહ્યું છે.

સ્નેહાને લગ્નની પહેલી એનિવર્સરીમાં અમેરિકા ખાતે માયામી, ફ્લોરિડામાં એક મોટેલ ભેટ મળી. નામ રાખ્યું મોટેલ 'મધુ'. આમતો બીજાં ઘણાં નામો વિચારાયાં પરંતુ સ્નેહા એની મમ્મીને બહુ લવ કરતી હતી આથી મોટેલનું નામ 'મધુ વધુ યોગ્ય લાગ્યું. માલિક બદલાયો અને મોટેલનું માત્ર નામ બદલાયું બાકીનો સ્ટાફ તે જ રહ્યો. મોન્ટ્રિઅલમાં રહીને માયામીમાં બિઝનેસ કરવાનો હતો. કામ કઠિન હતું પરંતુ મેનેજર ગુજરાતી પટેલ હતો અને ખુબ વિશ્વાસુ હતો.

સ્નેહાના શુભ હસ્તે 'મોટેલ મધુ' નું ઉદઘાટન થયું. મમ્મી મધુ પણ ઘણી ખુશ હતી. પછીતો ફેમિલી સ્પોન્સર માટેની ફાઈલ મુકાઈ. મહેશભાઈએ અર્લી રિટાયર્ડમેન્ટ લઇ લીધું. પી.એફ. નાં નાણાં પણ મળી ગયાં.

 

મધુરમ 8

 

મધુરમ 8

બીજે આઠવાડિયે નીલ મોન્ટ્રિઅલ રિટર્ન થયો. બબ્બે મોટેલનો કારભાર પણ સાંભળવાનો હતો ને ! તે પહેલાં આણા અને ઉંબર પૂજવાની વિધિ પણ પતાવી દેવાઈ. વળી હનીમૂન તો 'પ્રિ મેરેજ' થઇ જ ગયું હતું. 

સ્નેહાનું નસીબ જોર કરતુ હતું. માત્ર નવ જ મહિનામાં એને કેનેડાના વિસા મળી ગયા. સ્વિસ એરની બિઝનેસ ક્લાસની એક ટિકિટ બુક કરાવાઇ હતી. સ્નેહાના સાસરાનું ઘર તો બંધ હતું આથી તેણે પોતાના પિયરમાંથી જ પરદેશ ગમન કરવાનું હતું.

સ્નેહાને વિદાય આપવા માટે એની અનેક સહેલીઓ અને સહાધ્યાયીનીઓ આવી હતી. ઉપરાંત સાગા-સબંધી અને મિત્રોનું પણ મોટું ટોળું હતું. મહેમાનોને સ્નેહાની વિદાય વેળા કપાળે ચાંદલો ન કરવાની સ્પષ્ટ વિનંતી કરવામાં આવી હતી. જેથી તેનો મેકઅપ બગડે નહીં. મહેમાનોએ પણ એ વિનંતીનું પાલન કર્યું. મોટાભાગના લોકોએ પુષ્પની કલગી પકડાવીને જ વિદાય આપી.  એક બાજુ પરદેશગમનનો આનંદ અને બીજી બાજુ વિરહની વેદનાનો ખીચડો થતો હતો. હસતાં ને રડતાં સ્નેહાની સવારી ઘરની બહાર નીકળી.

કેતને મુંબઈ જવા માટે ટેમ્પો ટ્રાવેલરની વ્યવસ્થા કરી હતી. મધુ, મહેશભાઈ અને સ્નેહા ઉપરાંત સુધા અને બીજાં ચાર લોકો પણ મફતમાં મુંબઈની લટાર મારવા અને ચારોટી ખાતે ચુસ્કી લગાવવાના લોભે ટ્રાવેલરમાં સવાર થઇ ગયા.  

સ્નેહા માટે પ્લેનની આ મુસાફરી પહેલીવારની ન હતી. એરઇન્ડિયા, ઇન્ડિયન એરલાઈન્સ, ગલ્ફ એર, એમિરેટ્સ અને સિંગાપોર એરલાઈન્સ પછી  સ્વિસ એર છઠ્ઠી એરલાઇન હતી.  તે બિઝનેસ ક્લાસમાં જતી હોવાથી સ્વાભાવિક પણે વટ વધુ હતો. પણ પહેલીવાર એ એકલી મુસાફરી કરી રહી હતી.

બત્રીસ બત્રીસ કિલો વજનની બે બેગ અને દસ કિલોની એક હેન્ડબેગમાં ઠાંસી ઠાંસીને સમાન ભર્યું હોવા છતાં મધુએ ખાસ કાળજી એ રાખી હતી કે કોઈપણ એવી ચીજ બેગમાં ન જવી જોઈએ જેને ઇન્ડિયા કે કેનેડાની સરકારે પ્રતિબંધિત કરી હોય. અરે ! સ્વનિલનાં માસીએ આપેલા માત્ર પાંચ માલપૂડાનું પેકેટ એણે કોઈને ખબર ન પડે એમ બેગમાં જવા દીધું ન હતું કારણ કે માલપૂડા ઉપર ભભરાવાતી ખસખસ કેનેડામાં ડ્રગ્સ ની ડેફીનેશનમાં આવતી હતી.  મહાવીર જોષીની ગુનાખોરીની દુનિયા બાબતની ટકોરનું આ સીધું પરિણામ હતું.

ઝયુરીચ એરપોર્ટ ઉપર એ પોતાની મોન્ટ્રિઅલની ફ્લાઈટની રાહ જોતી બેઠી હતી ત્યારે આપણા નવસારી કાંઠાનું જણાતું એક વૃધ્ધ યુગલ બરાબર એની બાજુમાં આવીને બેઠું. લગભગ સિત્તેરની આસપાસની ઉંમરનું જણાતું આ યુગલ કોક મુશ્કેલીમાં હોય એવું લાગતું હતું. તેઓ કાંઠાની ગુજરાતી ભાષામાં વાત કરતાં હોવાથી ખ્યાલ આવ્યો કે તેમનો એક પાસપોર્ટ ક્યાંક પડી ગયો છે. તેમની મુશ્કેલી એ હતી કે હવે આ દેશમાં એને શોધવો કેવી રીતે ? અને પાસપોર્ટ વિના કેનેડા કેવી રીતે જઈ શકાશે? પૂછતાં ખબર પડી કે આ યુગલ મટવાડ ગામનું છે અને તેઓ ઇન્ડિયામાં ત્રણ મહિના રહીને મોન્ટ્રિઅલ પરત ફરી રહ્યું છે. કોઈ સંગાથ નથી. ઈંગ્લીશ બોલવાનું ફાવતું નથી.

સ્નેહાના હૃદયમાં કરુણા ઉપજી. સદનસીબે ત્યારે જ એરપોર્ટ ઉપર ઈંગ્લીશ ભાષામાં જાહેરાત થતી હતી કે: મિસ્ટર રામનભાઈ કારાસાનભાઈ પટેલ ફ્રોમ ઇન્ડિયા, પ્લીઝ કોન્ટેક્ટ ટુ ઘી વિન્ડો નંબર 8, ઈમિજિએટલી. નામનો ઉચ્ચાર થોડો અટપટો હોવાથી રમણભાઈને બરાબર ખ્યાલ ન આવ્યો પણ સ્નેહા સમજી ગઈ. સ્નેહા આ યુગલને લઈને 8 નંબરની વિન્ડો પર પહોંચી. ત્યાં થોડી પૂછપરછ કરીને રમણભાઈને તેમનો પાસપોર્ટ પરત કર્યો. રમણભાઈથી જ એ પાસપોર્ટ પડી ગયેલો જે કોઈ મુસાફરે ઓફિસમાં પહોંચતો કરેલો.

આ વૃધ્ધ દંપતીએ સ્નેહાનો ખુબ આભાર માન્યો. અને જયારે તેમને ખબર પડી કે આ દીકરી તો અરવિંદભાઈની વહુ છે ત્યારે એમની ખુશી બેવડાઈ ગઈ. ફ્લાઇટ સમયસર મોન્ટ્રિઅલ લેન્ડ થઇ. ફરીથી સ્નેહાએ જ આ દંપતીની ચાર બેગ શોધવામાં મદદ કરી. જયારે તેઓ બહાર આવ્યાં ત્યારે સ્નેહાને રિસીવ કરવા આખું 'અરવિંદમ' ફેમિલી આવ્યું હતું. આ દંપતીએ તેમને મળેલી સ્નેહાની મદદની વાત જણાવી ત્યારે હાજર સૌના દિલમાં સ્નેહા માટે આદરની લાગણી જન્મી. આમ કેનેડાની ધરતી પર પગ મૂકતાંની સાથેજ સ્નેહાએ સ્નેહ સાથે સૌના દિલ જિતી લીધાં.

 

મધુરમ 7

 

મધુરમ 7

બીજા દિવસે અગત્યનું એક કામ એમના લગ્ન રજીસ્ટર્ડ કરાવવાનું થયું. જેથી તેમને સ્પોન્સરશીપની ફાઈલ મુકવામાં ઉતાવળ કરી શકાય અને દેશમાં તેમજ પરદેશમાં સાથે ફરવા તથા હોટેલમાં રહેવામાં કોઈ અડચણ ન આવે.

લગ્નની તારીખ ૧૪મી ફેબ્રુઆરી 1997 નક્કી કરી હતી. આમ પણ વેલેન્ટાઈન ડે હતો અને બંનેની જન્મકુંડળી મુજબ પણ એ તારીખ અનુકૂળ હતી. આથી લગ્ન પહેલાં હનીમૂનનો પ્લાન બનાવીને જ નીલ ઇન્ડિયા આવ્યો હતો.

આખું સાઉથ ઇન્ડિયા ફરીને ૩૧મી ડિસેમ્બર એમણે ગોવામાં મનાવી.  પછી દુબઇ ત્યાંથી હોંગકોંગ, બેંગકોક, સિંગાપુર ફરીને તેઓ જાન્યુઆરીના છેલ્લા વીકમાં પરત થયાં. તેઓ દરરોજ ફોનથી ઇન્ડિયા અને કેનેડાનો સંપર્ક કરી સમાચાર મેળવી લેતા. દુબઇ, હોંગકોંગ અને સિંગાપોરમાં કરેલ શોપિંગના પાર્સલો આવી રહયાં હતાં. પાર્સલો મેળવીને મધુ ખુબ ખુશ થતી પરંતુ સ્નેહાને વધુ પડતો ખર્ચ ન કરવાની ખોટી ખોટી સલાહ પણ આપતી.

બંને પક્ષોની પત્રિકાઓ છપાઈ ચુકી હતી. મોટાભાગની પત્રિકા મધુ અને મહેશભાઈ  જાતે જઈને સગા સબંધી અને મિત્રોને આપી આવ્યાં. સાથે લગ્નમાં જરૂર આવવાની મૌખિક તાકીદ પણ કરી આવ્યાં. અન્ય શહેરો, રાજ્યો અને પરદેશની પત્રિકાઓ પોષ્ટ કરી દીધી.

નીલના પક્ષે આ કામ કેતને ઉપાડી લીધું. અરવિંદભાઈ અને ઇલાબેન પણ આવી ગયાં. નીલના દશ મિત્રો લગ્નના બે દિવસ પહેલાં આવવાના હતા. એમની રહેવાની વ્યવસ્થા ગામના ખાસ મોટા પૈસાપાત્ર ઘરોમાં કરવામાં આવી. આ દશ પૈકી પાંચ ગોરા, એક કાળો, એક ચાઇનો, એક પંજાબી અને એક ગુજરાતી હતો. વળી તેમાંથી પાંચ પોતાની ગર્લફ્રેન્ડ સાથે આવતા હતા. આમ કુલ પંદર પરદેશી મહેમાનો હતા.

મોસાળા માટે મધુના પિયરિયામાં દુબઈથી ભાઈ કિરણ, ભાભી હંસા, પ્રથમ અને ક્રિષ્ના તથા ઈંગ્લેન્ડથી બહેન જ્યોતિ, બનેવી કાંતિ, પાર્થ અને પૂજા આવ્યાં. આ ઉપરાંત મધુના મામા ન્યુઝીલેન્ડથી, ફોઈ અને ફુઆ અમેરિકાથી, એક પિતરાઈ ભાઈ મુંબઈથી અને બીજો અમદાવાદથી આવ્યા. મધુના પિયરિયાં ગામ કરતાં પરગામ અને પરદેશમાં વધુ હતાં. એના સ્વભાવમાં બોલ્ડનેસ નું આ પણ એક કારણ હતું.

જેમ જેમ લગ્નનો દિવસ નજીક આવતો ગયો તેમ તેમ મહેમાનો અને સગા સબંધીઓની સંખ્યા પણ વધવા લાગી. બંધ ઘરો ખુલી ગયાં. લગન મધુના ઘરે હતાં પરંતુ વસ્તી એના પિયરના ગામના મહોલ્લાની વધી ગઈ. જુદી જુદી જરૂરિયાતની વસ્તુઓ અને ખાસ તો ઘરેણાં અને કપડાંની ખરીદી છેક લગ્નના દિવસ સુધી ચાલી.

બંને બાજુ સારા માં સારા કોન્ટ્રેક્ટર દ્વારા રસોઈ અને મંડપ બન્યા. પીરસનારા પણ વેલ ડ્રેસ્ડ. ગૃહ શાંતિના ભપકા પણ ભારી રહ્યા. લગ્નની આગલી રાતના નજારા જોરદાર હતા. કોનો શણગાર અને ભપકો વધુ કહેવું મુશ્કેલ. બંને બાજુ લાખોના ખર્ચ. કાંઠાના ગામોમાં લગનની આગલી રાતે કામ નહીં પણ  પેણા ના નામે બેન્ડ-વાજા, ડી.જે., ગરબા, ડાન્સ, ફિલ્મીગીતો વગેરેનું આગમન થઇ રહ્યું હતું.

નીલને ઘરે રાતે જયારે નાચગાન શરુ થયાં ત્યારે આબાલવૃદ્ધ સૌ મન મૂકીને નાચ્યાં. શરૂઆતમાં વિદેશી મહેમાનોને ઇન્ડિયન મ્યુઝિક ઉપર ડાન્સ કરવાનું બહુ ફાવ્યું નહીં. કારણકે કેનેડામાં ક્લબમાં થતા ડાન્સ અને આ દેશી ડાન્સમાં આસમાન જમીનનું અંતર હતું. પરંતુ ધીમે ધીમે તેમણે પણ ઇન્ડિયન દેશી સ્ટેપ્સ શીખી લીધા. વળી ડાન્સનો પાવર જાળવી રાખવા માટે છુપી રીતે પરંતુ પૂરતા પ્રમાણમાં દમણ અને પરદેશી બ્રાન્ડ બોટલોની વ્યવસ્થા હતી.

સ્નેહાના ઘરનો માહોલ પણ લગભગ સરખો જ હતો. મધુના સાસરિયાં કરતાં પિયરિયાંની સંખ્યા વધુ હતી. પ્રથમ, પાર્થ, ક્રિષ્ના અને પૂજા માટે ઘરના લગ્નનો આ પહેલો પ્રસંગ હતો. એમનો ઉત્સાહ અને થનગનાટ જોવા જેવો હતો. વળી એમના ધ્યાનમાં આવી જવા માટે ગામના છોકરા છોકરીઓ પણ વધુ વ્યવસ્થિત પણે ડાન્સ કરતા હતાં. અહીં પણ દમણ વળી વ્યવસ્થા હતી જ. રાતે એક વાગ્યા સુધી નાચી કૂદીને સૌ થાક્યાં ત્યારે એ બંધ થયું. આવી જગ્યાએ યુવાનનોને તો મઝા આવે જ પણ અહીં તો ઘરડાં પણ ગરબે ઘૂમ્યાં. 

૧૪મી ફેબ્રુઆરીની સવાર થઇ. દુનિયા આખી વેલેન્ટાઈન ડે માનવી રહી હતી અને અહીં નીલ અને સ્નેહા જીવનભર માટે એકબીજાના થઇ રહયાં હતાં.

ગૃહશાંતીનું  મુહૂર્ત થોડું મોડું હતું આથી મોસાળું પણ મોડું આવ્યું. તેમાં પરદેશીઓની સંખ્યા ખાસી વધારે હતી. અનેક ભેટ સોગાદો સાથે મોભાદાર મામા-મામી અને સાથે માસી અને માસાજીના અનેક સાગા સ્નેહીઓએ હાજરી આપી. આમ કરતાં કરતાં તેમનું જમવાનું સાંજે  ચાર વાગે પત્યું. અને નીલની જાનનો આવવાનો સમય પણ થઇ ગયો.  

એક બગી અને અનેક કારોનો કાફલો ધરાવતી નીલની જાન માંડવે આવી પહોંચી. સૌથી આગળ બેન્ડ વાજાં અને પછી વરરાજા. સાથે અણવર, નીલની માસીનો જમાઈ અને ફ્રેન્ડ પરિમલ હતો. પરિમલની પત્ની પારુલ પણ ઇન્ડિયન સાડીમાં શોભી રહી હતી. હજુ ગયા વર્ષે જ તો તેમના લગ્ન થયાં હતાં.

મઝા તો ત્યારે આવી જયારે સ્નેહા નીલને વરમાળા પહેરાવવા મંડપ બહાર તોરણે આવી. મોન્ટ્રિઅલથી આવેલ નીલના સાડા છ ફૂટ ઊંચા બ્લેક  ફ્રેન્ડ  ગાર્નરે નીલને પોતાના ખભા પાર બેસાડી દીધો. કન્યા પક્ષે કોઈની એટલી હાઈટ હતી નહીં. પણ એ મુંઝવણનો ઉકેલ સુધા પુત્ર સ્નેહલે લાવી દીધો. મંડપ વાળાની નિસરણી લાવીને સ્નેહાને ઉપર ચડાવી દીધી. અને વરમાળા સીધી નીલના ગાળામાં. પરદેશી કન્યાઓને આ વિધિ 'વેરી ફની' લાગી.

હવે હસ્તમેળાપનું મુહૂર્ત પૂરું થાય તે પહેલાં મહારાજે ટવેન્ટી ટવેન્ટીની ઝડપે  મંત્રો બોલી વિધિ પતાવી નાખી. અને બે કલાકમાં તો કન્યા વિદાય પણ થઇ ગઈ. અત્યાર સુધી ખુબ ખુશ દેખાતા મહેશભાઈ અને મધુ આ ઘડીએ પડી ભાંગ્યાં. મધુ પોતાના જીવનમાં પહેલીવાર આટલું બધું રડી. મહેશભાઈ પોતાની વ્હાલસોયીને છેલ્લીવાર ભેટીને ખુબ રડયા. ત્યારે સ્પીકર ઉપર ગીત વાગી રહ્યું હતું, ‘બેની તારે માથે બાપનો હાથ હવે નહીં ફરશે........

 

મધુરમ 6

 

મધુરમ 6

 હવે સ્નેહાએ અભ્યાસમાં મન પરોવ્યું. અને માર્ચમાં હાયર સેકન્ડરીની પરીક્ષા આપી. એ દરમ્યાન નીલે પણ ફોનનું બ્રહ્મચર્ય પાળ્યું. ત્યારે પેજર અને મોબાઈલ હજુ નવા હતા. એસ.ટી.ડી. પી.સી.ઓ. નો જમાનો હતો.

જૂન મહિનાના પહેલા વીકમાં સ્નેહાનું રિઝલ્ટ આવ્યું. દિવાળી પછી એના દશ વીક બગડ્યાં હતાં છતાં 85  ટકા માર્ક્સ  મેળવી તે સ્કૂલમાં પ્રથમ આવી. હવે કોઈ કોલેજમાં એડમિશન લેવાને બદલે ફ્રેન્ચ લેંગ્વેજ શીખવાના ક્લાસ શરુ કર્યા. વળી પાછી મધુને ચિંતા પેઠી. પોતે પણ નવસારી જઈને ઇંગ્લીશના ક્લાસ કરેલા ત્યારેજ મોટ્ટી ભૂલ પણ કરેલી ને ! ઘણી વાર મધુ સ્નેહાના જવાના સમયે કોઈને કોઈ બહાનું કરીને બસમાં સાથે જતી અથવા આવતી વેળા સાથે થઇ જતી. ટૂંકમાં ચોકી પહેરો રાખવાનું શરુ કર્યું. સ્નેહાને પહેલાં તો ખ્યાલ ન આવ્યો પણ પછી જયારે એને ખાતરી થઇ ગઈ ત્યારે એણે મમ્મીને ખખડાવી.

બસમાં અને સ્કૂલમાં અનેક છોકરાઓનું ધ્યાન સ્નેહા તરફ રહેતું તે મધુ જાણતી હતી. છતાં સેલ્ફ કોન્ફિડેન્સની વાત કરીને સ્નેહાએ મધુના મનનો ભાર હળવો કર્યો.

સ્નેહા અને નીલની ફોન પર વાતો કલાકો ચાલતી. ક્યારેક એમાં મધુ અને મહેશભાઈ તથા અરવિંદભાઈ અને ઇલાબેન પણ જોડાતાં. છેલ્લા છ મહિનામાં મધુએ સાત પાર્સલ મોકલ્યાં, જેમાં અથાણાં,પાપડ અને મસાલા મુખ્ય હતાં.

મધુના વ્યવહારમાં હવે થોડો ફેર પડવા મંડયો. કેનેડાની ગરમી એના વ્યવહારમાં સ્પષ્ટ દેખાતી. કોઈપણ મિત્રો કે સગાસંબંધી જોડે વાતચીતમાં સ્વપ્નિલની વાતો તો આવે જ. કેટલાંક વાક્યો હવે એની વાતચીતની આદત બની ગયાં. જેમકે; અમારા સ્વપ્નિલકુમારને મારાં હાથનાં બનાવેલાં મેથિયાં અને ગોળીયાં અથાણાં બહુજ ભાવે...  હવે તો તેઓ લિજ્જત બીજજતના પાપડ ખાતા જ નથી. ઘરનાં બનાવેલા પાપડમાં જે સ્વાદ મળે એ કંપનીના પાપડમાં થોડો હોય?”

એક દિવસ મધુ પાર્સલ કરવા માટે નવસારી ગઈ. ત્યાં તેને મિસિસ નાયર અને મિસિસ ચૌધરી મળ્યાં. મિસિસ નાયરને આ પાર્સલ વાળી બાબત જરા વિચિત્ર લાગતી. તેને સમજાવતાં, મિસિસ ચૌધરીએ હિન્દી ભાષામાં સમજાવ્યું; “હમ ગુજરાતી લોગ કો બહાર જા કે ગુજરાતી ખાના વગર ચેન નહીં પડતા હૈ. ઇસલિયે પાર્સલ મોકલના પડતા હૈ. જો ખાને કી મઝા હૈ વો તો અથાણાં એન્ડ પાપડમાં જ હૈ. સમજી ગ્યાં ?”

જોતજોતામાં નવેંબર આવી ગયો. આજે ૨૧મી નવેમ્બર. સ્નેહાનો અઢારમો બર્થ ડે. અઢાર પૂરાં એટલે, 1996ની સાલના ભારત સરકારના નિયમ મુજબ, ઓફિશિયલી પરણવા લાયક. પણ બે દિવસથી નીલનો ફોન નથી. એનો ફોન જરૂર આવશે માનીને સ્નેહાએ સામેથી ફોન નથી કર્યો. દિવસ આખો રાહ જોઈ. અહીં સાંજ થઇ એટલે મોન્ટ્રિઅલમાં સવાર થઇ હશે. હવે જરૂર ફોન આવશે માનીને સતત ફોન ઉપર નજર રાખતી રહી. રાતના આઠ વાગ્યા, હજુ સુધી ફોન નથી આવ્યો. તે દરમ્યાન અનેક લોકોના ફોન આવી ગયા. મામા-મામી, માસી અને માસાજી, સુધામાસી અને કેટલીય સખીઓના ફોન આવ્યા. બધાએ બર્થ ડે વિશ કરી. પણ જેની રાહ જોતી હતી એ બેખબર હતો.

સ્નેહાની કેક સુધામાસીએ સ્પેશિયલ ઓર્ડર આપીને બનાવડાવી હતી. લગભગ ત્રીસ મહેમાનો હાજર હતા. જેમાં વીસ તો સ્નેહાની સખીઓ જ હતી. સૌ સ્નેહાને વિશ કરીને સ્વપ્નિલ વિષે પૂછતાં હતાં. સ્નેહા કૃત્રિમ હાસ્ય લાવીને વાત કરતી હતી પણ મન મૂંઝાતું હતું. આવું જ મધુનું પણ હતું. મહેશભાઈ પણ થોડા બેચેન હતા. સૌમાં કોઈ અતિ ખુશ હોય તો તે સુધા અને પ્રવીણ હતાં. જો કે એમનો છોકરો સ્નેહલ ગેરહાજર હતો.

 બરાબર આઠ વાગે પ્રોગ્રામ  શરુ થયો. રૂમની બંને લાઈટો બુઝાવી નાખી હતી. માત્ર અઢાર કેન્ડલનો પ્રકાશ હતો. અને એ પ્રકાશ પણ સ્નેહાની ફૂંક સાથે ગયો. અંધારું થઇ ગયું. સૌ 'હેપી બર્થ ડે ટુ યુ' ગાતા હતા ત્યાં અચાનક રૂમની બંને લાઈટો ચાલુ થઇ. સ્નેહાની આંખમાં આંસુ હતાં. બે દિવસથી નીલનાં કોઈ સમાચાર નથી. અને એની પાછળ ઉભો રહીને નીલ 'હેપી બર્થ ડે' વાળા ગીતમાં પોતાનો સુર પૂરાવતો હતો. સૌ આશ્ચર્ય ચકિત થઈને નીલને જોઈ રહ્યા હતા અને સ્નેહા હજુ સુધી બેખબર હતી. 

બરાબર સ્નેહાના બર્થ ડે ના દિવસે જ ચુપચાપ ઇન્ડિયા આવવાનો કોન્ફીડેન્શીયલ પ્લાન નીલનો જ હતો. તેમાં કેતન અને સુધાના સ્નેહલનો સાથ લીધો હતો. આ બંને નીલને રિસીવ કરવા મુંબઈ ગયા હતા. સવારે નવસારી આવીને સુધાને બંગલે આરામ કર્યો ત્યારે જ સુધા અને પ્રવીણને પણ ખબર પડી. જો કે કોઈને ન કહેવાના વચનને કારણે સુધાએ આ વાત મધુથી પણ છુપાવી રાખી હતી.

 લોકો હસતાં હતાં, સ્નેહા રડતી હતી અને એક સખી બોલી; "અલી આંધળી, જરા પાછળ તો જો". સ્નેહાએ જરા પાછળ નજર કરી અને સ્તબ્ધ થઇ ગઈ. આખો દિવસ કશુંક અમંગળ બની ગયું કે શું એવું વિચારતી સ્નેહા નીલની હાજરીને પચાવી ન શકી હોય એમ ધ્રુસકે ધ્રુસકે રડી પડી. આ આનંદનું આક્રંદ હતું. જો મિત્રો, સગાંઓ અને ખાસ તો પપ્પાની હાજરી ન હોત તો, સ્નેહા નીલને કાચો ને કાચો ખાઈ જાત.

પછી તો પાર્ટી એવી ઝામી એવી ઝામી કે ન પૂછો વાત. વેજ અને નોનવેજ સાથે જ્યુસ અને હાર્ડ ડ્રિન્કની વ્યવસ્થા પણ કેતન, સ્નેહલ અને પ્રવીણભાઈ દ્વારા થઇ ગઈ હતી. નીલ પણ પેરિસથી એક બોટલ શેમપેઇન લઇ આવ્યો હતો. સખીઓએ નોન આલ્કોહોલિક ડ્રિન્ક સમજીને પહેલાં શેમપેઇન અને પછી સેવન-અપ મિશ્રિત વોડકાનો સ્વાદ પણ ચાખી લીધો. રાતે એક વાગે પાર્ટી પુરી થઇ. નીલની સાથે કેતન અને સ્નેહલ પણ સખીઓ સંગ મન મૂકીને નાચ્યા. નવેમ્બરની ઠંડીને હાર્ડ ડ્રિંકે અને ડાન્સે દૂર ભગાડી દીધી. ગામમાં કેટલાક માટે તો બર્થ ડે ની ઉજવણીનો પહેલો પ્રસંગ હતો. કહેવાતા કડક વડીલોની ગેરહાજરીનો પુરેપુરો લાભ લઇ લેવાયો.