એ સાંજ
નવસારીમાં સાંજે સૂર્યાસ્ત
વેળા,
અંધારાને વેલકમ
કરતી, શટલ ટ્રેનની સીટી વાગી.
ને......
ત્યાં
દૂર પૂર્ણાને કિનારે, તળાવની પાળે, ખેતરની ધારે,
વૃક્ષની ડાળીઓ પર
લટકતા માળામાં,
બચ્ચાંઓને માવતરના આવવાની ઇંતેજારી
જાગી.
ગામડે ગામડે
ઘરના બારણાંની
વચ્ચોવચ ઊભાં રહીને,
બાળકો પપ્પાના આગમનની
રાહ જોવા લાગ્યાં.
ને પત્નીની નજર
પતિની પ્રતીક્ષામાં પરોવાઈ.
છેવટે બસ દાંડી
પહોંચી.... પછી ત્યાં
અંધારે અટવાતા પંકજ
અને ગૌતમ ઘરભેગા થયા.
અને પછી.... ધીરે ધીરે
એ જ સાંજ રાતમાં
પરિવર્તિત થઈને,
બીજા દિવસની
ખુશનુમા સવાર થવા,
અધીરી બનવા લાગી.
(પંકજદાંડી)
1976ની સાલથી શરુ થયેલો
સાંજની નવસારી બસડેપોથી અને સ્ટેશનથી ઉપડતી 6:45ની શટલની બસ સાથેનો મારો નાતો લાંબો ચાલ્યો. સવારે પણ અમારે દાંડીથી 6:55 ના સમયે ઉપડતી બસ પકડી
કોલેજ જવાનું થતું. આમ અમારો ટ્રાવેલ પિરિયડ શટલ ટુ શટલનો ગણાતો. ત્યારે ખાનગી વાહનો ખાસ
હતાં નહીં. એસ. ટી. બસ સિવાય કોઈ આરો ન હતો. અમારો સુરજ
બસમાંજ ઉગતો અને બસમાંજ આથમતો. ગામમાં સ્ટ્રીટ લાઈટ
નહીં અને ઘરે ઘરે ટીવી પણ નહીં. લોકો વહેલા સુઈ જતા. શિયાળામાં સાંજે સાડા
સાત વાગે એટલે અડધું ગામ તો સુઈ જતું. આજે એની યાદ આવી અને એક
રચના ઉતરી આવી.
No comments:
Post a Comment